VIDEO: EVENING BULLETIN / દિશા સાલિયાન કેસ: CBIની FIRમાં આદિત્ય ઠાકરેનું નામ, અમદાવાદમાં મેઘતાંડવ, FATFથી બચવા પાકિસ્તાનનો પેંતરો
ઈરાન-UAE વચ્ચે રાજદ્વારી નિકટતા
ભારતમાં યોજાયેલી BRICS સમિટ દરમિયાન લાંબા સમયથી તણાવપૂર્ણ સંબંધો ધરાવતા ઈરાન અને UAE વચ્ચે મહત્વપૂર્ણ સંપર્ક જોવા મળ્યો છે. બંને દેશોએ સંયુક્ત નિવેદનનું સમર્થન કરી મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે તમામ પક્ષોને સંયમ રાખવા અપીલ કરી છે.
FATFથી બચવા પાકિસ્તાનનો પેંતરો
FATFની બેઠક પહેલાં વૈશ્વિક દબાણથી બચવા પાકિસ્તાને નવો દાવ ખેલ્યો છે. પાકિસ્તાનની તપાસ એજન્સી FIAએ મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદી જારી કરીને જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહર પર ૭૦ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે.
દિશા સાલિયાન કેસ: CBIની FIRમાં આદિત્ય ઠાકરેનું નામ
સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના શંકાસ્પદ મોત કેસમાં CBIએ સત્તાવાર FIR નોંધી તપાસ તેજ કરી છે. આ FIRમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે સહિત મોટા રાજકીય નેતાઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને બોલીવૂડ હસ્તીઓની ભૂમિકાની તપાસનો ઉલ્લેખ થતાં રાજકારણમાં મોટો ખળભળાટ મચી ગયો છે.
વસુંધરા રાજેના ગઢમાં ભાજપનો સફાયો
રાજસ્થાન સ્થાનિક ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના અભેદ્ય ગઢ ગણાતા ઝાલાવાડ નગર પરિષદમાં કોંગ્રેસે ભાજપના બોર્ડને ઉથલાવીને એકતરફી પ્રદર્શન સાથે ઐતિહાસિક બહુમતી મેળવી લીધી છે.
અમદાવાદમાં મેઘતાંડવ
અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે ૬થી બપોરે ૨ વાગ્યા સુધીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં વટવામાં સાડા પાંચ ઈંચથી વધુ અને લાંભામાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે, જેના પગલે નોકરિયાતો અને વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
બોટાદ તોડકાંડ મામલે કોળી સમાજ મેદાને
બોટાદના ચર્ચાસ્પદ ૧ કરોડના કથિત તોડકાંડ મામલે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ૩૧ સભ્યોનું પ્રતિનિધિ મંડળ ન્યાયની માંગ સાથે ગાંધીનગર રવાના થયું છે, જેઓ ધારાસભ્યો અને મુખ્યમંત્રીને મળીને સમગ્ર મામલાની SIT તપાસ કરાવવાની રજૂઆત કરશે.

