'અમારા લોકોનું પોલીસે અપહરણ કર્યું, તેમની સાથે ગેરવર્તણૂક થઈ': CJPના ગંભીર આરોપ

કોકરોચ જનતા પાર્ટી (CJP)એ દિલ્હીમાં પોલીસની કાર્યવાહીને અમાનવીય ગણાવી છે અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. પાર્ટીના પ્રવક્તા આશુતોષ રાંકાએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર ભાજપને સમર્થન આપવાનો આરોપ મૂક્યો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP)એ શનિવારે દિલ્હીમાં પ્રદર્શનકારીઓ સામે પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે.
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું કે છેલ્લા 72 કલાકમાં દેશમાં એવી ઘણી ઘટનાઓ બની છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તેમણે કહ્યું કે આ લડાઈ ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે છે. રાંકાએ આરોપ લગાવ્યો કે દેશને બચાવવાની અને આગળ ધપાવવાની જવાબદારી ચૂંટણી પંચની છે, પરંતુ તે સમાધાન કરી ચૂક્યું છે. તેમણે દાવો કર્યો કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ભાજપને જીતાડવા માટે કામ કરી રહ્યા છે.
આશુતોષ રાંકાએ કહ્યું કે જે રીતે તેમનું, સૌરવ દાસ અને અભિજીત દીપકેનું અપહરણ કરવામાં આવ્યું તે ખોટું હતું. તેમણે કહ્યું, 'ગઈકાલે અભિજીતના દાદીનું અવસાન થયું. આ બાબતે જ્યારે અભિજીતને જણાવવામાં આવ્યું ત્યારે પણ દિલ્હી પોલીસે અમાનવીય ચહેરો બતાવ્યો.' તેમણે આરોપ લગાવ્યો કે પોલીસે આ ઘટનાનો તમાશો બનાવવાનો પ્રયાસ કર્યો.
પ્રદર્શનકારીઓની નકારાત્મક છબી બનાવવાનો પ્રયાસ થયો: CJP
કોકરોચ જનતા પાર્ટીના સભ્ય સૌરવ દાસે આરોપ લગાવ્યો કે અટકાયત દરમિયાન તેમને આર. કે. પુરમમાં રાખવામાં આવ્યા હતા, જ્યારે આશુતોષ રાંકાને વલ્લભગઢ અને અભિજીત દીપકેને અન્ય કોઈ સ્થળે રાખવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો કે ત્રણેયને અલગ-અલગ જગ્યાએ રાખવામાં આવ્યા હતા. સૌરવ દાસે પોલીસે તેમના ફોન કબજે લઈને પુરાવા પ્લાન્ટ (ઊભા) કર્યા હોવાની આશંકા વ્યક્ત કરી. સાથે જ તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી કે પોલીસે તેમના ફોનની તપાસ કરી છે.
સૌરવ દાસે આરોપ લગાવ્યો કે છેલ્લા 72 કલાકમાં નક્સલ અને સરહદી વિસ્તારોમાંથી સુરક્ષા દળોને એરલિફ્ટ કરીને દિલ્હી લાવવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો કે દુકાનદારોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને સામાન્ય નાગરિકોને મુશ્કેલીમાં મૂકવા માટે રસ્તાઓ બંધ કરવામાં આવી રહ્યા છે. સૌરવ દાસના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારીઓની નકારાત્મક છબી ઊભી કરવા માટે આવું કરવામાં આવ્યું છે.
શીખોની લાગણી દુભાઈ: સૌરવ દાસ
સૌરવ દાસે દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો સાથે જોડાયેલી ધરપકડો વચ્ચે સરકાર પર નાગરિકો અને પત્રકારો સામે જંગ છેડવાનો આરોપ લગાવ્યો છે. કોકરોચ જનતા પાર્ટીએ પ્રદર્શનકારીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીની ટીકા કરી છે અને અટકાયતમાં લેવાયેલા લોકો સાથે કરવામાં આવી રહેલા વર્તન પર ચિંતા વ્યક્ત કરી છે.
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સૌરવ દાસે પોલીસ પર બંગલા સાહિબ ગુરુદ્વારાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. સૌરવ દાસે કહ્યું કે આ ઘટનાથી શીખોની લાગણી દુભાઈ છે. તેમણે કહ્યું, 'આ ઘટનાથી અમારા શીખ ભાઈ-બહેનોની લાગણી દુભાઈ છે.'
CJPના સભ્ય સૌરવ દાસે આરોપ લગાવ્યો કે શનિવારે અટકાયતમાં લીધા બાદ દિલ્હી પોલીસે તે લોકોને તેમના વકીલો સાથે વાત કરવા દીધી નહોતી.
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના કાનૂની મામલાઓ સંભાળતા રત્ના સિંહે આરોપ લગાવ્યો કે બેંગલુરુ પહોંચ્યા ત્યારથી જ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના અધિકારીઓ તેમનો પીછો કરી રહ્યા હતા. તેમણે દાવો કર્યો કે બાદમાં પોલીસ તેમના ઘરે પહોંચી અને તેમને કસ્ટડીમાં લઈ લીધા. તેમણે સવાલ કર્યો કે આના આદેશ કોણે આપ્યા હતા? રત્ના સિંહે શનિવારે દિલ્હીમાં થયેલા પ્રદર્શન દરમિયાન મહિલા પત્રકારો સાથે ગેરવર્તણૂક કરવાનો પણ આરોપ મૂક્યો છે.

