VIDEO: બજેટમાં રાજ્યો સાથે ભેદભાવ અંગે બબાલ, રાજ્યસભામાંથી વિપક્ષનું વોકઆઉટ, લોકસભામાં મચાવ્યો હોબાળો
મંગળવારે (23 જુલાઈ) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2024 રજૂ કરી દ

મંગળવારે (23 જુલાઈ) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2024 રજૂ કરી દીધું. હવે આ મામલે વિપક્ષે આક્રમક વલણ અપનાવતા સંસદની બહારથી લઈને ગૃહમાં અંદર સુધી ભારે હોબાળો મચાવ્યો છે અને સરકાર પર આરોપ મૂક્યો છે કે મોદી સરકારને ટેકો આપીને સત્તામાં લાવનારા રાજ્યોને જ બજેટમાં પ્રાધાન્ય અપાયું અને આંધ્રપ્રદેશ તથા બિહાર જેવા રાજ્યો માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી. જ્યારે બીજી બાજુ અન્ય રાજ્યો માટે કોઈ વિશેષ જાહેરાતો કરવામાં આવી નથી. આ મામલે હવે વિપક્ષ જોરદાર રીતે હોબાળો મચાવી રહ્યો છે.
રાજ્યસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન જોરદાર હંગામો થયો હતો. જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ બોલી રહ્યા હતા ત્યારે વિપક્ષી સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.
ખડગેએ શું કહ્યું?
કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે 'આ બજેટ માત્ર તેમના (BJP) સહયોગીઓને સંતોષવા માટે છે. સરકારે કોઈને કંઈ આપ્યું નથી. આ અન્યાય છે...અમે વિરોધ કરીશું.' તો બીજી તરફ શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, 'આ વિરોધ બજેટમાં ભેદભાવ સામે છે. તમામ વિપક્ષ શાસિત રાજ્યોની અવગણના કરવામાં આવી છે.'
અખિલેશનો સરકાર પર પ્રહાર
બજેટ અંગે સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે, અમે બધા માંગ કરી રહ્યા હતા કે ખેડૂતોને MSP મળવી જોઈએ, પરંતુ ખેડૂતોને ટેકાના ભાવની જગ્યાએ મોદી સરકાર 3.0ની ગઠબંધનવાળી સરકારના ભાગીદારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું જેથી પોતાની સરકારને બચાવી શકાય. મોંઘવારી મામલે સરકાર કંઈ નક્કર પગલાં લઈ શકી નથી. ઉત્તર પ્રદેશ માટે કોઈ જાહેરાત નહીં. જ્યારે યુપીમાં તો ડબલ એન્જિનની સરકાર છે ને!
https://twitter.com/ANI/status/1815978606482305213
સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવે કહ્યું, ઉત્તર પ્રદેશને કંઈ આપવાની વાત તો છોડો, તેનો ઉલ્લેખ શુદ્ધા બજેટમાં કરાયો નથી. સરકારને બચાવવા માટે તેઓ કેટલાક રાજ્યોને પૈસા આપી રહ્યા છે અને અન્યની અવગણના કરી રહ્યા છે.
સંસદ બહાર વિપક્ષના દેખાવ
સંસદ બહાર વિપક્ષે મોટાપાયે દેખાવ કર્યા હતા. વિપક્ષના સાંસદોએ આરોપ મૂક્યો હતો કે બજેટમાં મોદી સરકાર દ્વારા ભેદભાવ કરાયો છે. આ દેખાવોમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ જોડાયા હતા.
રાહુલ ગાંધીનો મોટો નિર્ણય - બજેટ વિશે નહીં બોલે કેમ કે...
લોકસભામાં બજેટ પર બોલવા માટે કોંગ્રેસને કુલ 4 કલાકનો સમય મળ્યો છે. કુમારી શૈલજા અને શશિ થરૂર ચર્ચાની શરૂઆત કરશે. પ્રણિતી શિંદે પણ ચર્ચામાં ભાગ લેશે. કોંગ્રેસ સાંસદો સાથે ગઈકાલની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તમામ સાંસદોને બોલવાની તક મળવી જોઈએ. મેં એક વાર ભાષણ આપ્યું છે એટલે મારે બોલવાની જરૂર નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે હું ઈચ્છું છે કે પાર્ટીના તમામ સાંસદો દરેક મુદ્દા પર પોતાનો મત વ્યક્ત કરે. દરેક મુદ્દા પર માત્ર એક-બે નેતા બોલે તેવું ન થવું જોઈએ.







