લોકસભામાં બિહાર SIR મુદ્દે કાળા વાવટા ફરકાવ્યા, વિપક્ષી સાંસદોએ મચાવી બબાલ

બુધવારે સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે બિહાર મતદાર ચકાસણી મુદ્દે ભારે હોબાળો થયો. વિપક્ષી સાંસદો સૂત્રોચ્ચાર કરતા વેલમાં ધસી આવ્યા હતા. સદનમાં કાળા વાવટા લહેરાવતા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમને શાંત રહેવાની અપીલ કરી હતી.
લોકસભા અધ્યક્ષે વિપક્ષી સાંસદોને સૂત્રોચ્ચાર કરવાની મનાઈ ફરમાવતા કહ્યું કે, તમારે સંસદમાં રસ્તા પર ઉતરો તેવું વર્તન ના કરવું જોઈએ. દેશના નાગરિકો તમને જોઈ રહ્યા છે. લોકસભાની કાર્યવાહી 20 મિનિટ સુધી ચાલી હતી. પહેલા બપોરે 12 વાગ્યા સુધી અને પછી 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી.
બિહારમાં મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણા (SIR)ના મુદ્દા પર વિપક્ષે સંસદના મકર દ્વાર ખાતે પણ વિરોધ પ્રદર્શન કર્યું. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ પણ તેમની સાથે જોવા મળ્યા. રાહુલ, અખિલેશ ગળામાં કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો. AAP સાંસદ સંજય સિંહે SIRના 'બંધારણીય અને ચૂંટણીલક્ષી અસરો' પર ચર્ચા કરવા માટે રાજ્યસભામાં પ્રસ્તાવની નોટિસ આપી છે. આજે તેની ચર્ચા થઈ શકે છે.

