Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Opposition front against Gyanesh Kumar; CEC demands re-election with demand for arrest

જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનો મોરચો; CECની ધરપકડની માંગ સાથે ફરી ચૂંટણી યોજવાની માગણી, ભાજપે કર્યો બચાવ

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનો મોરચો; CECની ધરપકડની માંગ સાથે ફરી ચૂંટણી યોજવાની માગણી, ભાજપે કર્યો બચાવ
સોર્સ : gstv

ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) અને પંચની આંતરિક કામગીરીને લઈને પ્રકાશિત થયેલા એક અહેવાલ બાદ દેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) સહિતના વિપક્ષના અનેક નેતાઓએ અલગ-અલગ માગણીઓ સાથે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સામે મોરચો માંડી તેમના રાજીનામા, ધરપકડ અને તાજેતરની ચૂંટણીઓ રદ કરવાની આકરી માગણી કરી છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ આ તમામ આક્ષેપોને જનાદેશ ગુમાવી ચૂકેલા પક્ષોની હતાશા ગણાવીને ફગાવી દીધા છે, જ્યારે ચૂંટણી પંચે પોતાના તમામ નિર્ણયો સર્વસંમતિ અને નિયમો અનુસાર લેવાયા હોવાની સ્પષ્ટતા કરી છે.

App Store

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન પર સીધા પ્રહારો કરતાં જણાવ્યું કે, વિપક્ષ લાંબા સમયથી ચૂંટણી પંચની ભૂમિકા સામે સવાલો ઉઠાવી રહ્યો હતો અને હવે પંચની અંદરથી જ તેની પુષ્ટિ થઈ ગઈ છે. તેમણે દાવો કર્યો કે, SIRના પ્રથમ ત્રણ તબક્કામાં 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 13.8 કરોડ નામો ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બાકાત કરી દેવાયા છે. 24 એપ્રિલ 2026ના રોજ 73 વિપક્ષી સાંસદો દ્વારા સીઈસીને હટાવવા માટે રાજ્યસભામાં નોટિસ અપાઈ હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે વડાપ્રધાન પાસેથી જવાબ માંગ્યો હતો.

ભાજપે લોકશાહીની હત્યા કરવાનું કાર્યાલય ખોલી નાખ્યું : સિંઘવી

કોંગ્રેસના વરિષ્ઠ વકીલ અને સાંસદ અભિષેક મનુ સિંઘવી (Abhishek Manu Singhvi)એ પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો કે, ભાજપે લોકશાહીની હત્યા કરવાનું કાર્યાલય ખોલી નાખ્યું છે. ચૂંટણી પંચમાં 'આંતરિક બુલડોઝર' ચલાવવામાં આવી રહ્યું છે અને બંને કમિશનરોની અસહમતિની તમામ નોંધ તાત્કાલિક જાહેર થવી જોઈએ. તેમણે ઉમેર્યું કે ફોર્મ-6 માં કરાયેલા ફેરફારો ગેરકાયદેસર છે અને પશ્ચિમ બંગાળમાં યાદી સુધારણા બાદ 38 લાખથી વધુ અપીલો દાખલ થઈ છે. સિંઘવીએ સીઈસીના રાજીનામાની માગણી કરી હતી.

રાહુલ ગાંધીએ BJP-RSS-EC પર વોટ ચોરીનો આક્ષેપ કર્યો

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ સોશિયલ મીડિયા પર પ્રહાર કરતાં જણાવ્યું કે મતની ચોરી એ દેશના નાગરિકો સામેનો ગુનો અને બંધારણ પર સીધો હુમલો છે. તેમણે BJP, RSS અને ચૂંટણી પંચ પર મત ચોરી કરીને દેશદ્રોહનું કામ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ન્યાય જરૂર થશે.

પ્રિયંકા, વેણુગોપાલ અને ચિદમ્બરમે પણ સવાલ ઉઠાવ્યા

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)એ કહ્યું કે જો ચૂંટણી ખોટી રીતે થઈ રહી હોય અને ચૂંટણી કમિશનર એવું થવા દેતા હોય તો તે ગદ્દારી છે.
પાર્ટીના સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલ (K.C.Venugopal)એ દાવો કર્યો કે કરોડો સાચા મતદારોના નામ કાપી બોગસ નામો ઉમેરવામાં આવ્યા છે, જેથી સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ થવી જોઈએ.
પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ (P. Chidambaram)એ જો મીડિયામાં પ્રકાશિત અહેવાલ સાચો હોય તો દેશભરમાં SIR પ્રક્રિયા તાત્કાલિક અટકાવવા અને સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવવાની માગ કરી હતી.
દિગ્વિજય સિંહ (Digvijaya Singh)એ પણ આક્ષેપ કર્યો કે વર્તમાન વડા હેઠળ ચૂંટણી પંચ શાસક પક્ષના એક સંગઠનની જેમ વર્તી રહ્યું છે.

મુખ્ય ચૂંટણી કમિશનરની ધરપકડ કરો, ચૂંટણીઓ રદ કરો : કેજરીવાલની માંગ

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ ગંભીર દાવો કરતાં જણાવ્યું કે, ‘ચૂંટણી પંચ કોઈ એક વ્યક્તિ નથી પરંતુ ત્રણ સભ્યોની સંસ્થા છે, છતાં કોઈ પણ સત્તાવાર બેઠક કે મંજૂરી વિના આદેશો જારી કરાયા છે. દેશભરમાંથી 13 કરોડ નામો ગેરકાયદેસર રીતે રદ કરી દેવાયા છે અને સ્થાનિક અધિકારીઓ પાસેથી સત્તા છીનવી દિલ્હીથી સમગ્ર ડેટાબેઝ નિયંત્રિત કરવામાં આવી રહ્યો છે.’ આ સાથે તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને ભ્રષ્ટ ગણાવીને તેમની ધરપકડ કરવાની તેમજ દિલ્હી, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતની તમામ ચૂંટણીઓ રદ કરી ફરી યોજવાની અને 3 વર્ષ જૂની યાદી પુનઃસ્થાપિત કરવાની માગ કરી હતી.

AAP નેતાઓએ પણ ચૂંટણી પંચ પર આક્ષેપો કર્યા

આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહ (Sanjay Singh)એ આકરા શબ્દોમાં કહ્યું કે, ‘અમે પહેલા દિવસથી જ કહી રહ્યા છીએ કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એક છેતરપિંડીવાળી પ્રક્રિયા છે જેને ભાજપના કહેવા પર જ્ઞાનેશ કુમાર ચલાવી રહ્યા છે. હવે આ વાત સાચી સાબિત થઈ ગઈ છે. જ્ઞાનેશ કુમારે જાણીજોઈને મત કાપવાનો ગુનો કર્યો છે. તેમની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલવા જોઈએ. જ્યાં જ્યાં પણ આ છેતરપિંડી થઈ છે, તે તમામ ચૂંટણીઓ તાત્કાલિક રદ કરવી જોઈએ.’

ચૂંટણી પંચ પર ભાજપના આઈટી સેલનો કબજો : મમતા બેનરજી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)એ આ મુદ્દે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, ‘દેશના ઈતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી. ચૂંટણી પંચ પર ભાજપના આઈટી સેલનો કબજો થઈ ગયો છે અને શાસક પક્ષના ઈશારે જ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.’ તેમણે તાત્કાલિક ધરપકડ કરવાની માગ કરી અને જણાવ્યું કે તેમના કાર્યકાળમાં જ્યાં જ્યાં ચૂંટણીઓ યોજાઈ છે ત્યાં ફરીથી મતદાન થવું જોઈએ.

ઉદ્ધવ ઠાકરેએ બંને ચૂંટણી કમિશનરોની હિંમતને બિરદાવી

શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ જણાવ્યું કે દેશના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે કે પંચના બે સભ્યોએ મનસ્વી નિર્ણયો સામે કેબિનેટ સચિવને પત્ર લખવો પડ્યો છે. તેમણે બંને ચૂંટણી કમિશનરોની હિંમતને બિરદાવતાં દેશમાં લોકશાહીની હત્યા અટકાવવા માટે સુપ્રીમ કોર્ટને હસ્તક્ષેપ કરવા અને સીઈસીને જેલમાં મોકલવા માગ કરી હતી.

લોકશાહીને ખતમ કરવાનું મોટું ષડયંત્ર : અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav)એ જણાવ્યું કે, બંધારણીય સંસ્થાના સભ્યોને જ જો ન્યાયપૂર્ણ કામ કરવાની સ્વતંત્રતા ન હોય તો આ લોકશાહીને ખતમ કરવાનું મોટું ષડયંત્ર છે. તેમણે સર્વોચ્ચ અદાલત સમક્ષ આપમેળે સંજ્ઞાન લેવાની અપીલ કરી હતી.

સમગ્ર ચૂંટણી પ્રક્રિયા હવે માત્ર દેખાવ બની ગઈ : તેજસ્વી યાદવ

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ (Tejashwi Yadav)એ દાવો કર્યો કે, બિહાર, મહારાષ્ટ્ર, હરિયાણા અને બંગાળમાં તંત્ર અને યંત્રનો દુરુપયોગ કરીને ચૂંટણીઓ હરાવવામાં આવી છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા હવે માત્ર દેખાવ બની ગઈ છે.

ડીએમકે વડા અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન (M. K. Stalin)એ જણાવ્યું કે સીઈસીએ પદ પર રહેવાનો નૈતિક અધિકાર ગુમાવી દીધો છે અને તેમણે રાજીનામું આપવું જ પડશે.

ભાજપે વિપક્ષના તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવી ફગાવ્યા

વિપક્ષના આક્રમક વલણ સામે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રા (Sambit Patra)એ પત્રકાર પરિષદ યોજીને વળતો પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે 2014 પછી જનતા વિપક્ષને સતત નકારી રહી છે અને લોકશાહી ઢબે પરાજય થતાં વિપક્ષી પક્ષો હતાશામાં આવીને બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભાજપ પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પંચના સભ્યો વચ્ચે 14 વખત થયેલો પત્રવ્યવહાર એ સાબિત કરે છે કે પંચમાં સરમુખત્યારશાહી નથી પરંતુ લોકશાહી ઢબે વિચાર-વિમર્શ થાય છે. મતભેદ અને વિવિધ મંતવ્યો એ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે અને આખરે તમામ નિર્ણયો સર્વસંમતિથી જ લેવાયા છે. તેમણે બંગાળના આંકડા ટાંકતા ઉમેર્યું કે જ્યાં સૌથી વધુ નામો રદ થયા તેવી 20 બેઠકોમાંથી 13 બેઠકો પર તૃણમૂલ કોંગ્રેસ જીતી છે અને ભાજપને માત્ર 6 બેઠકો મળી છે, જેથી વોટ ચોરીનો આરોપ વાહિયાત છે. સુપ્રીમ કોર્ટે 27 મે 2026ના રોજ પોતાના ચુકાદામાં SIR પ્રક્રિયાની માન્યતા યથાવત્ રાખી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

વિવાદનું મૂળ કારણ

આ સમગ્ર વિવાદ એક અખબારના ચોંકાવનારા અહેવાલ બાદ શરૂ થયો છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ (Sukhbir Singh Sandhu) અને વિવેક જોશી (Vivek Joshi)એ છેલ્લા 10 મહિનામાં પંચના નિર્ણયો અને આદેશો સામે ઓછામાં ઓછી 14 વખત લેખિત આપત્તિ દર્શાવી હતી. જેમાં નવા મતદારોની નોંધણી, મતદાર યાદીમાંથી નામો દૂર કરવા, ફોર્મ-6માં કરવામાં આવેલા ફેરફારો અને મતદાર ડેટાબેઝના કેન્દ્રીય નિયંત્રણ જેવા ગંભીર મુદ્દાઓ સામેલ હતા.

ચૂંટણી પંચે તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હોવાનું કહ્યું

બીજી તરફ ચૂંટણી પંચે સત્તાવાર નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે કોઈપણ બહુસભ્ય બંધારણીય સંસ્થામાં અંતિમ નિર્ણય લેતાં પહેલાં આંતરિક ચર્ચા, સૂચનો અને વિવિધ મંતવ્યો આવવા તે સામાન્ય અને નિયમિત પ્રક્રિયા છે. પંચે છેલ્લા મહિનાઓમાં SIR સહિત 40 જેટલા સુધારાત્મક પગલાં લીધા છે અને આ તમામ નિર્ણયો સમગ્ર પંચની સર્વસંમતિથી લેવાયેલા છે, જેથી અમુક આંતરિક ટિપ્પણીઓને અધૂરી રીતે રજૂ કરીને સંસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા કરવા અયોગ્ય છે.