‘હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ગૂંજશે અવાજ!’ ધ્રુવ રાઠી લંડન પહોંચ્યા, મોદી સરકાર સામે પાર્લામેન્ટ સ્ક્વેરમાં કરશે પ્રદર્શન

યુટ્યુબર ધ્રુવ રાઠી (Dhruv Rathee) ભારતથી લંડન પહોંચી ગયા છે. ભારતમાં થોડા દિવસ રોકાયા બાદ હવે તેમણે વિદેશમાં પણ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. ધ્રુવ રાઠીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પોસ્ટ કરીને જણાવ્યું કે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. તેમણે 18 ઓક્ટોબરે લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર (Parliament Square) ખાતે લોકોને એકત્ર થવા અપીલ કરી છે. આ પ્રદર્શનના કેન્દ્રમાં મોદી સરકાર સામે વિરોધ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ હોવાનું જણાવાયું છે.
જર્મનીથી ભારત અને હવે લંડન પહોંચ્યા ધ્રુવ રાઠી
ધ્રુવ રાઠી 9 ઓક્ટોબરે જર્મનીથી ભારત આવ્યા હતા. કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શનને સમર્થન આપવા તેઓ ભારત પહોંચ્યા હતા. જોકે, ભારત આવ્યા બાદ બીજા જ દિવસે સવારે ગુરુગ્રામ સ્થિત તેમના નિવાસસ્થાનેથી તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. બાદમાં રાત્રે તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
હવે લંડન પહોંચ્યા બાદ ધ્રુવ રાઠીએ ત્યાં પણ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરતાં રાજકીય ચર્ચા શરૂ થઈ છે. તેમણે પોતાની પોસ્ટમાં ‘હવે આંતરરાષ્ટ્રીય ડંકો વગાડવાનો સમય આવી ગયો છે’ એવો સંદેશ આપ્યો હતો.
નાગરિકતા અને કોર્ટના સમન્સને લઈને પણ ચર્ચા
ભારત આવ્યા બાદ ધ્રુવ રાઠી અંગે અનેક વિવાદો સામે આવ્યા હતા. તેમની પાસે ભારતીય નાગરિકતા ન હોવાના આક્ષેપો થયા હતા, જેના જવાબમાં તેમણે પોતાનો પાસપોર્ટ બતાવીને સ્પષ્ટતા કરી હતી.
આ ઉપરાંત, વર્ષ 2018ના માનહાનિના એક કેસમાં દિલ્હી કોર્ટ દ્વારા તેમની સામે સમન્સ જારી કરવામાં આવ્યું હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. ભાજપના આઈટી સેલ સાથે સંકળાયેલા વિકાસ પાંડેએ દાખલ કરેલી અરજી પર અદાલતમાં સુનાવણી થઈ હતી. ફરિયાદી પક્ષે દાવો કર્યો હતો કે ધ્રુવ રાઠી સામાન્ય રીતે ઓસ્ટ્રિયામાં રહે છે અને તેમને સમન્સ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
લંડનમાં પણ વિરોધ પ્રદર્શનનો માહોલ
અહેવાલ મુજબ, લંડનમાં ભારતીય ઉચ્ચાયોગની બહાર પણ વિરોધ પ્રદર્શન થયું હતું. અહીં નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI)ના સમર્થકોએ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ મોદી સરકારના સમર્થકો પણ એકત્ર થયા હતા અને બંને પક્ષો વચ્ચે સૂત્રોચ્ચાર થયા હતા.
હવે ધ્રુવ રાઠી 18 ઓક્ટોબરે પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા નજીક પ્રદર્શન કરવાના છે. આ કાર્યક્રમને કેટલો પ્રતિસાદ મળે છે અને તેની રાજકીય અસર શું થાય છે, તેના પર સૌની નજર રહેશે








