‘હવે હિંદુ માફ નહીં કરે! શું ચોરીના પૈસાથી ધારાસભ્યો ખરીદાયા?’ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સામે છેડ્યું યુદ્ધ

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં પાંચ જુલાઈથી 'રામ રક્ષા' આંદોલન શરૂ કરવાની 3 જુલાઈ 2026ના રોજ એટલે કે આજે જાહેરાત કરી છે, અને લોકોને અયોધ્યાના પ્રતિષ્ઠિત રામ મંદિરમાં ચઢાવાના કથિત કૌભાંડના મામલામાં ભાજપને જવાબદાર ઠેરવવા માટે આ આંદોલનમાં જોડાવાનું આહવાન કર્યું છે. તેમણે લોકોને આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાની અપીલ કરી છે, જેથી અયોધ્યાના પવિત્ર મંદિર માટે મળેલા દાનમાં કથિત હેરાફેરી અંગે BJP પાસે જવાબ માંગી શકાય.
આ આંદોલન એવા સમયે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે ઉદ્ધવ રાજકીય રીતે સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે ભાજપના સહયોગી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ ઠાકરેની પાર્ટીમાં મોટું ગાબડું પાડ્યું છે, અને તેના 6 સાંસદોને તોડી પાડ્યા છે. આ સિવાય આદિત્ય ઠાકરેના નજીકના MLC સચિન અહીરને પણ શિંદેએ પોતાની ટીમમાં સામેલ કરી દીધા છે.
આવી સ્થિતિમાં હવે પાર્ટીને એકજૂથ કરવા અને લોકોનું સમર્થન મેળવવા માટે ઉદ્ધવ ઠાકરેએ નવેસરથી ભાજપને ઘેરવા માટે રામના સહારે નવું આંદોલન છેડવાનો નિર્ણય કર્યો છે. ઠાકરેએ જણાવ્યું કે, રવિવારે (પાંચ જુલાઈ) લોકો મધ્ય મુંબઈના દાદર સ્થિત હનુમાન મંદિરમાં એકત્રિત થશે, જ્યાં 'હનુમાન સ્તોત્ર' અને 'હનુમાન ચાલીસા'ના પાઠ કરશે, તથા અયોધ્યાના રામ મંદિરમાં થયેલી કથિત ચોરીની જવાબદારી લેવા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર દબાણ લાવશે.
ભાજપ ‘બેફામ સત્તા’નો આનંદ માણી રહી છે
તેમણે પત્રકારોને જણાવ્યું કે, 'હું રામ મંદિરમાં કથિત રીતે મોટા પાયે થયેલી આ ચોરીથી આક્રોશિત તમામ લોકોને અપીલ કરું છું, કે તેઓ અમારી સાથે જોડાય અને આના માટે ભાજપને જવાબદાર ઠેરવે.' ઠાકરેએ દાવો કર્યો કે, 'દેશભરમાં લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર અને ઘણા રાજ્યોમાં ભાજપની સરકાર હોવા છતાં જનતાના મુદ્દાઓ પ્રત્યે અરાજકતા અને ઉદાસીનતાનો માહોલ છે. અવિભાજિત શિવસેનાના કાર્યકરો સહિત અનેક હિંદુઓએ રામ મંદિર આંદોલનમાં ભાગ લીધો હતો, અને કારસેવકો પર થયેલા અત્યાચારો, ગોધરા ટ્રેન કાંડ, અમદાવાદ રમખાણો અને મુંબઈ સિરયલ બ્લાસ્ટ જેવી ઘટનાઓની પીડા સહન કરી હતી.' પરંતુ તેમનો આરોપ છે કે, ભાજપે આ ઘટનાઓનો રાજકીય લાભ ઉઠાવ્યો અને હવે બેફામ સત્તાનો આનંદ માણી રહી છે.
'હવે હિંદુ માર નહીં ખાય'
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ ભાજપ પર વિપક્ષી ધારાસભ્યોની ખરીદ-વેચાણ કરવાનો પણ આરોપ લગાવ્યો અને સવાલ કર્યો કે, શું સત્તાધારી પક્ષ ઓપરેશન રામ મંદિર ચલાવી રહ્યો છે. અયોધ્યાના રામ મંદિરમાં ચઢાવાના કથિત કૌભાંડને લઈને સોશિયલ મીડિયા અને જાહેર મંચો પર લગાવવામાં આવી રહેલા આરોપોનો ઉલ્લેખ કરતા ઠાકરેએ સવાલ કર્યો કે, શું કથિત રીતે ચોરી કરાયેલા નાણાં વિપક્ષી નેતાઓને પોતાના પક્ષમાં લાવવા માટે વાપરવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના પ્રખ્યાત કથન 'હવે હિંદુ માર નહીં ખાય' નો ઉલ્લેખ કરતા ઠાકરેએ કહ્યું, 'હવે હું કહેવા માંગુ છું - હવે હિંદુ માફ નહીં કરે.' તેમણે રામ મંદિરના દાન પાત્રોમાંથી કથિત ચોરીમાં સામેલ લોકોને કડક સજા કરવાની માંગ કરતા કહ્યું કે 'હિંદુત્વના નામે લૂંટ' કોઈપણ કિંમતે સહન કરવામાં આવશે નહીં.
રામ મંદિર દાન ચોરીની તપાસ ચાલુ
ઠાકરેએ એવો પણ આરોપ લગાવ્યો કે, ભાજપનો નારો 'મંદિર વહીં બનાયેંગે' માત્ર એક દેખાવો સાબિત થયો છે. તેમણે કહ્યું કે, રામ મંદિર આંદોલનમાં સામેલ લોકોના બલિદાનને વ્યર્થ જવા દેવામાં આવશે નહીં. રામ મંદિરના ચઢાવાના કથિત કૌભાંડનો મામલો 7 જૂનના રોજ સામે આવ્યો હતો. આ પછી ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગઠિત વિશેષ તપાસ ટીમ (SIT)ના પ્રારંભિક અહેવાલના આધારે 25 જૂનના રોજ FIR નોંધવામાં આવી હતી. આ મામલામાં મંદિરમાં ચઢાવાના કલેક્શન અને તેની ગણતરીની પ્રક્રિયા સાથે જોડાયેલા 8 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે, અને મામલાની તપાસ ચાલુ છે.

