Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Not 3 years, now you can become a judge in this time! The Supreme Court gave a big verdict on the review petition!

3 વર્ષ નહીં, હવે આટલા સમયમાં જ બની શકાશે જજ! સુપ્રીમ કોર્ટે રિવ્યૂ પિટિશન પર સંભળાવ્યો મોટો ચુકાદો!

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
3 વર્ષ નહીં, હવે આટલા સમયમાં જ બની શકાશે જજ! સુપ્રીમ કોર્ટે રિવ્યૂ પિટિશન પર સંભળાવ્યો મોટો ચુકાદો!
સોર્સ : gstv

દેશભરના લો ગ્રેજ્યુએટ્સ અને યુવા વકીલો માટે દેશની સુપ્રીમ કોર્ટ તરફથી એક ખૂબ જ મોટા રાહતના સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે શુક્રવાર 21 ઑગસ્ટે પોતાના મે 2025ના ચુકાદામાં સુધારો કરતાં સિવિલ જજ(જુનિયર ડિવિઝન) એટલે કે એન્ટ્રી-લેવલ જ્યુડિશિયરી પરીક્ષામાં બેસવા માટે ફરજિયાત 3 વર્ષના કાયદાકીય અનુભવ(વકીલાત)ની શરત ઘટાડીને 1 વર્ષ કરી દીધી છે.

App Store

2:1ની બહુમતીથી સુપ્રીમ કોર્ટની બેંચનો રાહતભર્યો ચુકાદો

રિવ્યૂ પિટિશન પર 2:1ની બહુમતીથી આ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેંચે આ મામલે સુનાવણી કરી હતી. બેંચે મે 2025ના ચુકાદા સામેની રિવ્યૂ પિટિશન પર આ ચુકાદો આપ્યો. જો કે, CJI સૂર્યકાંત અને જસ્ટિસ એ.જી. મસીહના બહુમતી ચુકાદા સાથે જસ્ટિસ કે. વિનોદ ચંદ્રને અસંમતિ દર્શાવી હતી. તેમણે પુનર્વિચાર અરજીઓ ફગાવી દેવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટનો આ નિર્ણય એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટો છે જેઓ કાયદાનો અભ્યાસ કરી રહ્યા છે અને ભવિષ્યમાં આ સેવામાં પ્રવેશ મેળવવા માંગે છે.

2027 સુધી રાહત અને નવી તાલીમ વ્યવસ્થાની જાહેરાત
 
સુપ્રીમ કોર્ટે વકીલોના હિતોને ધ્યાનમાં રાખીને એક મોટી વચગાળાની વ્યવસ્થા કરી છે.

31 માર્ચ 2027 સુધી રાહત: 25 મે 2025થી 31 માર્ચ 2027 વચ્ચે જાહેર થનારી તમામ જ્યુડિશિયરી પરીક્ષાઓમાં ઉમેદવારો કોઈપણ પૂર્વ અનુભવ વિના પણ ભાગ લઈ શકશે.
1 વર્ષની ટ્રેનિંગ + 1 વર્ષની ક્લાર્કશિપ: આવા અનુભવ વિનાના પસંદગી પામેલા ઉમેદવારોને સીધી પોસ્ટિંગ મળશે નહીં. પસંદગી બાદ તેમને પહેલા 1 વર્ષ 'ટ્રેની જ્યુડિશિયલ ઑફિસર' તરીકે ન્યાયિક અકાદમીમાં તાલીમ લેવી પડશે અને ત્યારબાદ 1 વર્ષની સ્ટ્રક્ચર્ડ ક્લાર્કશિપ પૂરી કરવી પડશે.
1 એપ્રિલ 2027થી લાગુ થશે નવી વ્યવસ્થા: 1 એપ્રિલ 2027 પછી બહાર પડનારી ભરતીઓ માટે 1 વર્ષનો વકીલાતનો અનુભવ ફરજિયાત રહેશે.
અચાનક 3 વર્ષનો નિયમ લાગુ કરવાથી ઊભા થયેલા સંકટને સ્વીકાર્યું

કોર્ટે સ્વીકાર્યું કે કોઈપણ ફેરફાર કે સમય આપ્યા વિના અચાનક 3 વર્ષનો અનુભવ ફરજિયાત કરવાથી યુવા વકીલો અને લો ગ્રેજ્યુએટ્સ સામે ગંભીર સંકટ ઊભું થયું હતું, તેથી તેમાં સીમિત હસ્તક્ષેપ કરવો અત્યંત જરૂરી હતો. નોંધનીય છે કે 20 મે 2025ના રોજ સુપ્રીમ કોર્ટે ફ્રેશ લો ગ્રેજ્યુએટ્સના સીધા જ્યુડિશિયરી પરીક્ષામાં બેસવા પર રોક લગાવતા ઓછામાં ઓછી 3 વર્ષની વકીલાત ફરજિયાત કરી દીધી હતી.

મૂળ તર્ક યથાવત્ પરંતુ યુવાનોની મુશ્કેલી નિવારવા પર ભાર

બહુમતીનો ચુકાદો સંભળાવતા ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે બેંચને પોતાના અગાઉના ચુકાદાના એ મૂળ તર્કમાં કોઈ ખામી દેખાતી નથી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ન્યાયતંત્રમાં આવતા પહેલા ઉમેદવારને કાયદાકીય વ્યવસાયનો વ્યાવહારિક અનુભવ હોવો જોઈએ. જોકે, બેંચે સ્પષ્ટ કર્યું કે અનુભવની આ શરત તર્કસંગત હોવી જોઈએ અને તેનાથી યુવાનોને મુશ્કેલી પડવી જોઈએ નહીં.

હાઇકોર્ટ અને લો યુનિવર્સિટીઓ પાસેથી મંતવ્યો માંગ્યા બાદ ચુકાદો

સુપ્રીમ કોર્ટે આ મામલા સાથે જોડાયેલી પુનર્વિચાર અરજીઓ અને રિટ અરજીઓ પર 28 જુલાઈએ સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો હતો. આ પહેલા 13 માર્ચે સુપ્રીમ કોર્ટે તમામ હાઇકોર્ટને સિવિલ જજ ભરતી માટે અરજીની અંતિમ તારીખ વધારીને 30 એપ્રિલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ 3 વર્ષના અનુભવના નિયમ પર દેશની તમામ હાઇકોર્ટ, નેશનલ લો યુનિવર્સિટીઓ(NLUs) અને લો કૉલેજો પાસેથી મંતવ્યો પણ માંગ્યા હતા.