પ્રોફેશનલ કોર્ષમાં હવે અધવચ્ચે ફી વધારો નહીં: વિદ્યાર્થીઓના હિતમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે એન્જિનિયરિંગ, ફાર્મસી અને અન્ય પ્રોફેશનલ કોર્સની ફી સામાન્ય રીતે અભ્યાસ શરૂ થયા પછી વધારી શકાશે નહીં. કોલેજમાં પ્રવેશ લેતા પહેલા જ સમગ્ર અભ્યાસક્રમની ફી અગાઉથી નક્કી થઈ જવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો યોગ્ય આર્થિક આયોજન કરી શકે.
પશ્ચિમ બંગાળની કોલેજથી શરૂ થયો હતો વિવાદ
આ સમગ્ર મામલો પશ્ચિમ બંગાળની 'ડો. બી.સી. રૉય એન્જિનિયરિંગ કોલેજ'માં બી.ટેક.ના 2023-27 બેચની ફી સાથે જોડાયેલો છે. રાજ્ય સરકારે 16 ઓક્ટોબર 2023ના રોજ ખાનગી એન્જિનિયરિંગ, ફાર્માસી અને આર્કિટેક્ચર કોલેજો માટે ફીની નવી મર્યાદા નક્કી કરી હતી. ત્યારબાદ કોલેજે 15 ડિસેમ્બર 2023ના રોજ સંબંધિત વિદ્યાર્થીઓની સેમેસ્ટર ફી વધારી દીધી હતી અને ડેવલપમેન્ટ ફી પણ લાગુ કરી હતી. રિપોર્ટ મુજબ આના કારણે વિદ્યાર્થીઓ પર ફીનો બોજ અંદાજે 37.5 ટકા વધી ગયો હતો.
હાઇકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડાઈઆ ફી
વધારાના નિર્ણય સામે વિદ્યાર્થીઓએ કલકત્તા હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. હાઇકોર્ટની ખંડપીઠે ચુકાદો આપ્યો હતો કે નવી ફી વ્યવસ્થા માત્ર 16 ઓક્ટોબર 2023 કે ત્યારબાદ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પર જ લાગુ થઈ શકે છે. હાઇકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ કોલેજ અને સંબંધિત પક્ષકારો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા.
સુપ્રીમ કોર્ટની મહત્ત્વની ટિપ્પણી અને ચુકાદો
આ મામલે સુપ્રીમ કોર્ટમાં ‘ડૉ. બી.સી. રૉય એન્જિનિયરિંગ કોલેજ એન્ડ એન્ર્ઝ. વિરુદ્ધ પશ્ચિમ બંગાળ સરકાર અને અન્ય’ કેસની સુનાવણી થઈ હતી. જસ્ટિસ પમિદિઘંતમ શ્રી નરસિંહ અને જસ્ટિસ આલોક અરાધેની પીઠે 14 ઓક્ટોબર 2026ના રોજ આ કેસમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સ્વ-ધિરાણ મેળવતી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રોફેશનલ કોર્સની ફી ભણતરની વચ્ચે ક્યારેય બદલવી જોઈએ નહીં. વિદ્યાર્થીઓને પ્રવેશ લેતા પહેલા જ આખા કોર્સના ખર્ચની સ્પષ્ટ માહિતી મળવી અનિવાર્ય છે.
આર્થિક બોજ અને અસાધારણ પરિસ્થિતિઓ
ભારતના મોટાભાગના પરિવારો માટે પ્રોફેશનલ શિક્ષણ મેળવવું એક મોટો નાણાકીય બોજ સમાન હોય છે. ઘણા પરિવારો આ માટે એજ્યુકેશન લોન પણ લેતા હોય છે. આવા સંજોગોમાં અચાનક ફી વધવાથી મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાઈ જાય છે. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર અસાધારણ પરિસ્થિતિઓ (જેમ કે અચાનક મોટો આર્થિક સંકટ કે કાયદામાં ફેરફાર)માં જ ફી બદલવાની છૂટ મળી શકે છે. પરંતુ કોલેજો પોતાની ખામીઓ કે આયોજનના અભાવને છુપાવવા માટે આ છૂટનો દુરુપયોગ કરી શકશે નહીં. ફી નક્કી કરનારી સમિતિઓએ પણ વાસ્તવિક ખર્ચ અને ઓડિટ કરેલા આંકડાઓને ધ્યાનમાં રાખીને સમયસર પોતાનું કામ પૂરું કરવું પડશે.








