'હું H-1B વિઝા સંપૂર્ણ નાબૂદ કરવાના પક્ષમાં છું!' અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના નિવેદનથી ભારતીય IT પ્રોફેશનલ્સમાં ફફડાટ!

અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ દ્વારા H-1B વિઝા પ્રોગ્રામ અંગે મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે આ પ્રોગ્રામને સંપૂર્ણપણે 'બ્રોકન' એટલે કે ભાંગી પડેલો ગણાવ્યો છે અને જણાવ્યું છે કે, 'હું તેને સંપૂર્ણપણે નાબૂદ કરવાના પક્ષમાં છું.' તેમનો આરોપ છે કે અમેરિકન કંપનીઓ આ સિસ્ટમનો દુરુપયોગ કરીને સ્થાનિક અમેરિકન કર્મચારીઓની જગ્યાએ સસ્તા વિદેશી શ્રમિકોને કામ પર રાખી રહી છે.
સસ્તા શ્રમિકોના ઉપયોગ પર સવાલો
એક ઇન્ટરવ્યૂ દરમિયાન જેડી વેન્સ સ્પષ્ટ કર્યું કે, 'હાઈ સ્કીલ્સ ધરાવતા વિદેશી વ્યાવસાયિકોને લાવવા અને શ્રમ ખર્ચ ઘટાડવા માટે આ વિઝાનો દુરુપયોગ કરવામાં ઘણો તફાવત છે.' તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, 'જો કોઈ અમેરિકન એકાઉન્ટન્ટને બદલે 45,000 ડૉલરમાં કોઈ વિદેશી એકાઉન્ટન્ટને લાવવામાં આવે, તો તે કોઈ જીનિયસને લાવવા જેવું નથી, પરંતુ અમેરિકન નોકરીઓનો નાશ કરવા સમાન છે. ટેક્નોલોજી કંપનીઓ ઉપરાંત એકાઉન્ટિંગ ફર્મો પણ આ સિસ્ટમનો ગેરલાભ ઉઠાવી રહી છે.'
1,00,000 ડૉલરની ફી અને ટ્રમ્પનો નિર્ણય
આ વિઝાના દુરુપયોગને રોકવા માટે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા નવી વિઝા ફી 1,00,000 ડૉલર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ પાછળનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે જે કંપનીઓ ખરેખર જરૂર હોય તેઓ જ આ પ્રોગ્રામનો ઉપયોગ કરે. જોકે, આ ભારે ભરખમ ફી સામે સતત કાનૂની પડકારો સામે આવી રહ્યા છે.
કોર્ટના આદેશથી ફી પર રોક
ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણય સામે યુનિયનો, એમ્પ્લોયરો અને બિન-નફાકારક સંસ્થાઓ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ મામલે ઓકલેન્ડ, કેલિફોર્નિયાના યુએસ ડિસ્ટ્રિક્ટ જજ હેવુડ ગિલિયમે જરૂરી નિયમ બનાવવાની પ્રક્રિયાનું પાલન ન કરવા બદલ આ નવા 1,00,000 ડૉલરના ફી હુકમ પર રોક લગાવી દીધી છે. આ અગાઉ 1 ઓક્ટોબરે પણ એક ફેડરલ મેજિસ્ટ્રેટ દ્વારા આ ફી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ભારતીય વ્યાવસાયિકો પર તેની અસર
H-1B વિઝા પ્રોગ્રામના સૌથી મોટા લાભાર્થીઓમાં ભારતીય નાગરિકો મોટી સંખ્યામાં સામેલ છે. આ સ્થિતિમાં, આ પ્રોગ્રામમાં થતા કોઈપણ મોટા ફેરફારો અથવા કાનૂની કાર્યવાહી અમેરિકામાં રોજગાર મેળવવા કે પોતાની કારકિર્દી આગળ વધારવા ઈચ્છતા ભારતીય ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ વ્યાવસાયિકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

