'NEET પેપર લીક અંગે કોઈ પુરાવા નથી', કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં શું કહ્યું
લોકસભામાં બજેટ સત્રની શરૂઆતમાં જ ભારે હોબાળાની સ્થિતિ જોવા મળી. NEET પેપર લીક

લોકસભામાં બજેટ સત્રની શરૂઆતમાં જ ભારે હોબાળાની સ્થિતિ જોવા મળી. NEET પેપર લીક મામલે સરકારને ઘેરવાનું શરૂ કરતાં વિપક્ષ વતી રાહુલ ગાંધીએ મોરચો સંભાળ્યો. તેમણે સરકારને તીખાં સવાલો પૂછ્યાં હતા. રાહુલે કહ્યું કે સરકાર જણાવે કે તે પેપર લીકને રોકવા માટે શું કરી રહી છે? લાખો બાળકોના ભવિષ્ય માટે આ સવાલ છે. પરીક્ષા વ્યવસ્થામાં મોટાપાયે ગરબડ થઈ રહી છે. પૈસાના જોરે પરીક્ષાનો સોદો થતો હોય તેવું દેખાય છે.
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું- પેપર લીક અંગે કોઈ પુરાવા નથી
NEET પેપર લીક મામલે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. તેનો જવાબ આપતાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, 'છેલ્લા સાત વર્ષમાં પેપર લીક અંગે કોઈ પુરાવા નથી. આ કેસ પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ચીફ જસ્ટિસ તેના પર સુનાવણી કરી રહ્યા છે. NTA પછી 240 પરીક્ષાઓ થઈ છે. 5 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી અને 4.5 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન તદ્દન ખોટું છે. તેમણે સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ પર સવાલ ન ઊઠાવવા જોઈએ. પેપર લીક થયાના કોઈ પુરાવા નથી. હાં હું એ વાત સ્વીકારું છે કે અમુક જગ્યાએ ગરબડ થઈ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે સમગ્ર દેશ સામે સ્પષ્ટ છે કે આપણી શિક્ષણ પ્રણાલીમાં ગંભીર ખામી છે. ફક્ત NEETમાં જ નહીં પણ તમામ મુખ્ય પરીક્ષાઓમાં ગરબડ થઈ રહી છે. મંત્રી (ધર્મેન્દ્ર પ્રધાન)એ પોતાના સિવાય બધાને દોષિત ઠેરવ્યા છે. મને નથી લાગતું કે અહીં જે કંઈ થઈ રહ્યું છે તે એના મૂળ સિદ્ધાંતોને પણ સમજે છે.
રાહુલ ગાંધીએ આક્રમક અંદાજમાં કહ્યું કે મુદ્દો એ છે કે દેશમાં લાખો વિદ્યાર્થીઓ છે. જે એ વાતથી ચિંતિત છે કે શું થઈ રહ્યું છે અને તેમને વિશ્વાસ છે કે ભારતની એક્ઝામ સિસ્ટમ એક દગા સમાન બની ગઈ છે. લાખો લોકો હવે એવું માને છે કે જો તમે ધનિક છો અને તમારી પાસે પૈસા છે તો તમે ભારતની આ એક્ઝામ સિસ્ટમને ખરીદી શકો છો. વિપક્ષ પણ આવુ જ વિચારે છે.
NEET પરીક્ષા મુદ્દે સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે કહ્યું, "આ સરકાર પેપર લીકનો પણ રેકોર્ડ બનાવશે. કેટલાક કેન્દ્રો એવા છે જ્યાં 2,000થી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યાં સુધી આ મંત્રી (શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન) છે ત્યાં સુધી, વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે"






