દેશમાં વાયરસનો ત્રિપલ અટેક, કેરળમાં નિપાહ, ગુજરાતમાં ચાંદીપુરા અને મહારાષ્ટ્રમાં ઝિકા; હેલ્થ એજન્સીઓ એલર્ટ
કેરળમાં નિપાહ વાયરસ, ગુજરાતમાં ચાંદીપુ

કેરળમાં નિપાહ વાયરસ, ગુજરાતમાં ચાંદીપુરા અને મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યું. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે 27 લોકોના મોત થયા છે, કેરળમાં નિપાહ વાયરસના કારણે 14 વર્ષના છોકરાનું મોત થયું છે, જ્યારે મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસના 28 કેસ મળી આવ્યા છે. ત્રણેય રાજ્યોમાં ત્રણ અલગ-અલગ વાયરસના હુમલાને કારણે કેન્દ્રીય આરોગ્ય એજન્સીઓ હરકતમાં આવી છે. કેન્દ્ર સરકારે કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતને રાજ્યમાં કેસની તપાસમાં, રોગચાળાને કાબૂમાં લેવા અને તકનીકી સહાય પૂરી પાડવામાં મદદ કરવા માટે બહુ-સદસ્ય પ્રતિસાદ ટીમ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.
રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, કેરળમાં 14 વર્ષના છોકરાનું મોત થયું છે. તેને એક્યુટ એન્સેફાલીટીસ સિન્ડ્રોમ હતો અને કોઝિકોડની હોસ્પિટલમાં સ્થાનાંતરિત થતા પહેલા તેને પેરીન્થાલમન્નાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેમાં મોકલવામાં આવેલા સેમ્પલમાં નિપાહ વાયરસના ચેપની પુષ્ટિ થઈ છે. આરોગ્ય મંત્રાલયે રાજ્યને જાહેર આરોગ્યના પગલાં તાત્કાલિક અમલમાં મૂકવાની સલાહ આપી છે. મૃતકના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ અને પડોશમાં રહેતા લોકોના પરીક્ષણ માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ તમામ લોકોને ટ્રેસ કર્યા બાદ તેમને 12 દિવસ માટે ક્વોરેન્ટાઈનમાં રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. ઉપરાંત, આરોગ્ય મંત્રાલયના વન હેલ્થ મિશન હેઠળ એક બહુ-સદસ્ય પ્રતિસાદ ટીમને કેસની તપાસ કરવા અને રોગચાળા સંબંધી કડીઓ ઓળખવામાં અને તકનીકી સહાય પૂરી પાડવામાં રાજ્યને ટેકો આપવા માટે તૈનાત કરવામાં આવશે.
ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે?
ચાંદીપુરા વાયરસને કારણે દર્દીને તાવની ફરિયાદ થાય છે. તેમાં ફલૂ જેવા લક્ષણો અને ગંભીર એન્સેફાલીટીસ છે. એન્સેફાલીટીસ એ એક રોગ છે જેના કારણે મગજમાં સોજો આવે છે.
મુંબઈમાં ઝિકા વાયરસના 34 કેસ મળ્યા
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઝિકાના 34 કેસ નોંધાયા છે, જેમાંથી પુણે જિલ્લો સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં 19 જુલાઈ સુધી 28 કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર આ વાયરસના પ્રકોપને રોકવા માટે સક્રિય પ્રયાસ કરી રહી છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે, વાયરસથી પ્રભાવિત જિલ્લાઓમાં દર 3થી 5 કિલોમીટરના અંતરે કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે. જે વિસ્તારોમાં સર્વે કરશે અને જ્યારે તાવના કેસો પ્રકાશમાં આવશે, ત્યારે તેઓ તરત જ ઓળખ માટે લોહીના નમૂના લેશે. સગર્ભા સ્ત્રીઓ અને માતાઓના લોહીના નમૂના લઈને ઝિકા વાયરસની તપાસ પણ કરવામાં આવી રહી છે, કારણ કે સગર્ભાવસ્થા દરમિયાન ઝિકા વાયરસનો ચેપ ગર્ભ અને નવજાત શિશુના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે. ઝિકા વાયરસના લક્ષણો ખૂબ જ સામાન્ય છે. જેમાં શરીર પર લાલ ચકામા, તાવ, સ્નાયુઓ અને સાંધાઓમાં દુઃખાવો અને માથાનો દુઃખાવોનો સમાવેશ થાય છે. ઝિકા વાયરસથી સંક્રમિત મોટાભાગના લોકોમાં લક્ષણો નથી હોતા.
ઝિકા વાયરસ શું છે?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, ઝિકા વાયરસ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને પીળો તાવ પણ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ ત્રણેય વાયરસ લગભગ સમાન છે. આ ત્રણેય વાયરસનો ફેલાવો પશ્ચિમ, મધ્ય આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયાથી શરૂ થયો હતો. ઝિકા વાયરસ ગર્ભવતી સ્ત્રીમાંથી ગર્ભમાં રહેલા બાળકમાં ફેલાય છે.
નિપાહ વાયરસ શું છે?
વાયરસના અહેવાલો અનુસાર, નિપાહ ચેપનો પહેલો કેસ 1998-99માં નોંધાયો હતો. તે સૌપ્રથમ મલેશિયામાં કમ્પુંગ સુંગાઈ નિપાહ નામના સ્થળે જોવા મળ્યું હતું. અહીં 250થી વધુ લોકો આ ચેપથી પ્રભાવિત થયા હતા. નિપાહ સંક્રમણ મલેશિયામાં પહેલી વખત કેમ્પંગ સુંગાઈ નિપાહ નામના સ્થળે જોવા મળ્યું હતું અને તેથી તેનું નામ નિપાહ રાખવામાં આવ્યું હતું. ચામાચીડિયાને નિપાહ વાયરસ ફેલાવવાનું મુખ્ય એજન્ટ માનવામાં આવે છે. તે ચામાચીડિયા દ્વારા દૂષિત ફળો અથવા અન્ય ખોરાક દ્વારા મનુષ્યમાં ફેલાય છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, ફળો અને શાકભાજી ખાતા પહેલા તેને સારી રીતે સાફ કરો. પક્ષીઓ દ્વારા કાપેલા ફળો ન ખાવા.
ચાંદીપુરા વાયરસ શું છે?
આને લગતો પહેલો કેસ વર્ષ 1966માં મહારાષ્ટ્રમાં સામે આવ્યો હતો. આ વાયરસની ઓળખ નાગપુરના ચાંદીપુરમાં થઈ હતી, તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2004થી 2006 અને 2019માં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વાયરસ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, ચાંદીપુરા વાયરસ એક RNA વાયરસ છે, જે મોટાભાગે માદા ફ્લેબોટોમાઈન ફ્લાય દ્વારા ફેલાય છે. મચ્છરોમાં જોવા મળતા એડીસ તેના ફેલાવા માટે જવાબદાર છે.







