NIA: અમેરિકામાં કાયદેસરનો વાયદો કરી માનવ તસ્કરી કરવાના આરોપમાં 2ની અટકાયત, 'ડંકી રૂટ'ના કાવતરાનો પર્દાફાશ

NIA: હરિયાણા તેમજ કરનાર જિલ્લામાં NIAએ બે સ્થળ પર દરોડા પાડયા હતા. આ ઉપરાંત NIAની ટીમે યમુનાનગર હરિયાણા અને ગુરુદાસપુરમાં પણ એક સ્થળે પહોંચી હતી. તપાસ એજન્સી NIA દ્વારા આ દરોડામાં જપ્ત કરાયેલા ડિજિટલ ઉપકરણો અને બીજી સામગ્રીઓની તપાસ, ઈમિગ્રેશન રેકેટ સાથે સંકળાયેલ ગુનાહિત કાવતરા અંગે વધુ પુરાવા મેળવવા કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ ગુરુવારે કુખ્યાત ડંકી રૂટથી અમેરિકામાં ગેરકાયદે માનવ ઘૂસણખોરીના કેસમાં હરિયાણામાં રહેતા બે આરોપીઓને સકંજામાં લીધા છે. આરોપી રવિ કુમાર અને ગોપાલસિંહને ભારતીય કાયદા પ્રમાણે RC-10/2025/NIA/DLI કેસમાં હરિયાણા અને પંજાબમાં ચાર સ્થળ પર વ્યાપક તપાસ દરમ્યાન અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ બંને આરોપી આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સંકળાયેલા હતા, જે ભારતીય નાગરિકોને અમેરિકામાં સત્તાવાર રીતે યાત્રાનો ખોટો વાયદો કરી તેઓને લલચાવીને અમેરિકા મોકલી આપતા હતા.
NIA તપાસમાં જાણવા મળ્યું છે કે કરનાલ જિલ્લાના રહેવાસી રવિ અને ગોપાલ એક આંતરરાષ્ટ્રીય ગેંગનો ભાગ હતા. બંને આરોપીઓએ ભારતીય નાગરિકોને અમેરિકામાં કાયદેસર મુસાફરીનું ખોટું વચન આપીને લલચાવ્યા હતા. ગોપાલે અન્ય એક મુખ્ય આરોપી જય કુમાર અને રવિ સાથે મળીને અનેક પીડિતોના ગેરકાયદેસર સ્થળાંતરને સરળ બનાવવાનું કાવતરું ઘડ્યું હતું.
આરોપીઓએ માત્ર પીડિતોની હોટલ બુકિંગ અને મુસાફરીના કાર્યક્રમોનું સંચાલન જ કર્યું ન હતું, પરંતુ અન્ય સહ-પીડિતો માટે એજન્ટ તરીકે પણ કામ કર્યું હતું. NIAની અત્યાર સુધીની તપાસ મુજબ, તેણે પીડિતો અને તેમના પરિવારો પાસેથી પૈસા પડાવવામાં અન્ય આરોપીઓને મદદ કરી હતી. આ કેસ હરિયાણાના નારાયણગઢના રહેવાસી શુભમ સૈનીના અમેરિકામાં ગેરકાયદેસર સ્થળાંતર સાથે સંબંધિત છે. આ વર્ષે જાન્યુઆરીમાં, તેને સરહદ પર યુએસ અધિકારીઓ દ્વારા પકડવામાં આવ્યો હતો અને ભારત પરત મોકલવામાં આવ્યો હતો.
નારાયણગઢ પોલીસને આપેલી ફરિયાદમાં, સૈનીએ ખુલાસો કર્યો હતો કે તેને દક્ષિણ અને મધ્ય અમેરિકન દેશો દ્વારા અમેરિકામાં તસ્કરી કરવામાં આવી હતી. તેને વિદેશમાં બંધક બનાવવામાં આવ્યો હતો અને અનેક તબક્કામાં દુર્વ્યવહાર અને ખંડણી લેવામાં આવી હતી. તેણે અને તેના પરિવારે સિન્ડિકેટને હપ્તામાં કુલ 42 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. NIA આ કેસની તપાસ ચાલુ રાખી રહી છે, જેનો આંતરરાષ્ટ્રીય સંબંધ છે. NIA આ કાવતરામાં સામેલ અન્ય લોકોને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે.

