New Prices of Essential Medicines: જરૂરી દવાઓના ભાવમાં ઘટાડો, આ 37 દવાઓ થઈ સસ્તી, જુઓ લિસ્ટ

New Prices of Essential Medicines: સામાન્ય લોકોને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે જરૂરી દવાઓના ભાવમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ ડ્રગ્સ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર 2013 હેઠળ પેરાસિટામોલ, એટોરવાસ્ટાટિન અને એમોક્સિલિન જેવી 37 મહત્ત્વની દવાઓની કિંમતમાં 10-15 ટકા સુધી કાપ કર્યો છે. આ દવાઓ મુખ્ય રીતે હૃદય રોગ, ડાયાબિટીસ અને ઈન્ફેક્શન જેવી ગંભીર બીમારીઓમાં વપરાય છે.
સરકારી નોટિફિકેશન પ્રસિદ્ધ થયું
ગુરુવારે કેન્દ્રીય રસાયણ અને ફર્ટિલાઈઝ મંત્રાલયે આનું નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું. નવી કિંમત 35 ફાર્મુલેશન્સ પર લાગુ પડશે, જેને દેશની મોટી દવા કંપનીઓ તૈયાર કરે છે. આ નિર્ણયથી કરોડો દર્દીઓને સીધો લાભ મળવાની આશા છે.
કઈ દવાઓના ભાવ ઘટાડવામાં આવ્યા છે?
1. તાવ અને દુખાવાની દવાઓ:
પેરાસિટામોલ અને ટ્રિપ્સિન-કાયમોટ્રીપ્સિન કોમ્બિનેશન ટેબ્લેટ
ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ: રૂપિયા 13
કેડિલા ફાર્મા: રૂપિયા 13.01
2. હૃદય રોગની દવાઓ:
એટોર્વાસ્ટેટિન 40 મિલિગ્રામ + ક્લોપીડોગ્રેલ 75 મિલિગ્રામ ટેબ્લેટ: 25.61 રૂપિયા પ્રતિ ટેબ્લેટ
3. ડાયાબિટીસની દવાઓ:
એમ્પાગ્લિફ્લોઝિન, સીતાગ્લિપ્ટિન અને મેટફોર્મિનની કોમ્બિનેશન દવા: રૂપિયા 16.50 પ્રતિ ટેબ્લેટ
4. વિટામિન અને ઇન્જેક્શન:
વિટામિન ડી (કોલેકેલ્સીફેરોલ) ટીપાં અને ડિક્લોફેનાક ઈન્જેક્શન: રૂપિયા 31.77 પ્રતિ મિલી
આ ઉપરાંત, કોલેસ્ટ્રોલ, એલર્જી અને અસ્થમા માટેની ઘણી દવાઓના ભાવ પણ મર્યાદિત કરવામાં આવ્યા છે. મે મહિનામાં ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, હવે રાહતનો સમય છે
નોંધનીય છે કે મે-2024માં, સરકારે 8 શેડ્યુલ્ડ દવાઓના 11 ફોર્મ્યુલેશનના મહત્તમ ભાવમાં 50 ટકાનો વધારો કર્યો હતો. આમાં અસ્થમા, ટીબી અને ગ્લુકોમા જેવા રોગોની દવાઓનો સમાવેશ થતો હતો. સતત વધતી કિંમતો અને દર્દીઓની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, હવે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
NPPAનો હેતુ: દરેક દર્દીને પરવડે તેવી દવા
સરકારનો ઉદ્દેશ્ય એ છે કે, જરૂરી દવાઓ દરેક વર્ગનાં લોકો માટે સસ્તી અને સરળતાથી મળી રહેવી જોઈએ. દવાઓના વધતા ભાવ દર્દીઓ પર નાણાકીય બોજ વધારી રહ્યા હતા. હવે આ નિર્ણયથી જનતાને નાણાકીય રાહત અને આરોગ્ય સુવિધાઓ બંને મળશે.

