2020માં પહેલીવાર ધારાસભ્ય અને 2024માં મુખ્યમંત્રી, આવી છે આતિશીની રાજકીય સફર
કેજરીવાલે પાર્ટી મિટિંગમાં દિલ્હીના આગામી મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ જાહેર કર્યું છે. તે શપથ લેતાં દિલ્હીના ત્રી

કેજરીવાલે પાર્ટી મિટિંગમાં દિલ્હીના આગામી મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ જાહેર કર્યું છે. તે શપથ લેતાં દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીના નામને મંજૂરી આપવામાં આવી છે. મંગળવારે સવારથી AAP કન્વીનર કેજરીવાલના સિવિલ લાઇન્સના નિવાસસ્થાને ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ગૃહના નવા નેતાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
પંજાબી રાજપૂત પરિવારમાંથી આવતા આતિશી ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે. વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને 2023માં પ્રથમ વખત કેજરીવાલ સરકારમાં મંત્રી બન્યા હતા. હવે માત્ર એક વર્ષ બાદ 2024માં તે મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. અગાઉ 2019 માં પૂર્વ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે 4.77 લાખ મતે ચૂંટણી હાર્યા હતા.
આતિશીને કેજરીવાલના નજીકના સહયોગી અને વિશ્વાસુ માનવામાં આવે છે. તેઓ અણ્ણા આંદોલનના સમયથી સંગઠનમાં સક્રિય છે. જ્યારથી કેજરીવાલ જેલમાં ગયા ત્યારથી પાર્ટીથી લઈને સરકાર સુધીના મુદ્દાઓ પર આગેવાની લેતાં જોવા મળ્યા છે.
આતિશી વર્ષ 2020માં પ્રથમ વખત કાલકાજી વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. તેમણે ભાજપના ઉમેદવાર ધરમવીર સિંહને 11 હજાર 393 મતોથી હરાવ્યા હતા. આતિશીનો જન્મ 8 જૂન 1981ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા નમવિજય સિંહ દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂક્યા છે. આતિશીએ સ્પ્રિંગડેલ સ્કૂલ, નવી દિલ્હીમાંથી સ્કૂલનો અભ્યાસ કર્યો છે. તો સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં ઈતિહાસનો અભ્યાસ કર્યો અને ચેવેનિંગ સ્કોલરશિપ પર ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી. થોડા વર્ષો પછી તેમણે શૈક્ષણિક સંશોધનમાં રોડ્સ સ્કોલર તરીકે ઓક્સફોર્ડમાંથી તેમની બીજી માસ્ટર ડિગ્રી મેળવી.
તેણીએ મધ્યપ્રદેશના એક નાના ગામમાં સાત વર્ષ વિતાવ્યા હતા. આ દરમિયાન તેઓ જૈવિક ખેતી અને પ્રગતિશીલ શિક્ષણ પ્રણાલીનો અભ્યાસ કર્યો. તેઓએ ઘણાં એનજીઓમાં સામેલ થઈને સેવાકિય પ્રવૃત્તિઓ કરી. પ્રથમ વખત કેટલાક AAP સભ્યો સાથે મુલાકાત થતાં તે પાર્ટીની સ્થાપના સમયથી જ જોડાઈ ગયા છે.
કેજરીવાલે પોતે જ તેમના પર ધરપકડની તલવાર લટકે તે પહેલા 9 માર્ચ, 2023ના રોજ આતિશીને કેબિનેટ મંત્રી બનાવવાની સાથે જ મોટાભાગના મંત્રાલયોની જવાબદારી પણ સોંપી હતી. આતિશી દિલ્હી સરકારમાં માત્ર એક માત્ર મહિલા મંત્રી જ નહીં પરંતુ તેમની પાસે હાલમાં દિલ્હી સરકારમાં સૌથી વધુમંત્રાલયો તેમની પાસે છે. તે શિક્ષણ વિભાગ, PWD, પાણી વિભાગ, મહેસૂલ, આયોજન અને નાણાં વિભાગ સંભાળી રહી છે. મહિલાઓના વોટ અને કેજરીવાલના મહિલાઓ સાથે જોડાયેલા વધુ વચનોને ધ્યાનમાં રાખીને આતિશીનું નામ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
આતિશીએ જુલાઈ 2015થી 17 એપ્રિલ 2018 સુધી શિક્ષણ પર મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે સેવા આપી હતી. આતિશી 2015માં મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં જળ સત્યાગ્રહમાં પણ સામેલ રહી ચૂકી છે. તે વિરોધ પ્રદર્શન તેમજ કાનૂની લડાઈ દરમિયાન સક્રિય રહી હતી. 2020ની વિધાનસભા ચૂંટણી બાદ પાર્ટીએ આતિશીને ગોવાના પ્રભારી બનાવ્યા.
આતિશી 2013ની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની મેનિફેસ્ટો ડ્રાફ્ટિંગ કમિટીના મુખ્ય સભ્ય હતા. તેમણે 'પક્ષની રચનાના પ્રારંભિક તબક્કામાં તેની નીતિઓને આકાર આપવામાં' મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય પાર્ટીના પ્રવક્તા તરીકે આતિશીએ ખૂબ જ તાકાત સાથે પોતાનો પક્ષ રજૂ કર્યો. કેજરીવાલની જેમ તે પણ મનીષ સિસોદિયાની નજીક છે. તેણીએ સિસોદિયાના સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું અને તેમની ગેરહાજરીમાં શિક્ષણ મંત્રાલય સંભાળ્યું હતું.
આતિશી કેજરીવાલના નજીકના સહયોગી છે
દિલ્હી પોલીસ સાથે ઘર્ષણ હોય કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા દરોડા સમયે દેખાવો કરવાનો હોય, પાર્ટી સ્ટેન્ડ લેવાનું હોય કે MCD સ્કૂલોમાં દરોડા અને તપાસ હાથ ધરવી હોય, આતિશી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. કેજરીવાલ તિહાડ જેલમાં હતા અને સ્વતંત્રતા દિવસ પર ત્રિરંગો ફરકાવવાનો હતો ત્યારે કેજરીવાલે પોતાની જગ્યાએ આતિષીનું નામ આગળ કરીને ઉપરાજ્યપાલને પત્ર લખ્યો હતો. બે દિવસ પહેલા જ્યારે કેજરીવાલે ખુલ્લેઆમ રાજીનામાની જાહેરાત કરી હતી ત્યારે તેમણે તે પત્ર અને આતિષીના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.







