હવે NEET-PGની પરીક્ષા મોકૂફ, આજે યોજાવાની હતી પરીક્ષા
NEET પેપર લીકના વિવાદ વચ્ચે વધુ એક પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા આયોજિત NEET-PG પ્રવેશ

NEET પેપર લીકના વિવાદ વચ્ચે વધુ એક પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા આયોજિત NEET-PG પ્રવેશ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષા આવતીકાલે એટલે કે 23 જૂને યોજાવાની હતી. પરંતુ પરીક્ષાની તારીખના એક દિવસ પહેલા, NEET-PG પ્રવેશ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે
આરોગ્ય મંત્રાલયે મેડિકલ વિદ્યાર્થીઓ માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા આયોજિત NEET-PG પ્રવેશ પરીક્ષાની સમગ્ર પ્રક્રિયાનું નજીકથી મૂલ્યાંકન કરવાનો નિર્ણય લીધો છે. પરિણામે સાવચેતીના ભાગરૂપે 23 જૂન 2024ના રોજ યોજાનારી NEET-PG પ્રવેશ પરીક્ષાને મોકૂફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ વધુમાં કહ્યું કે, આ પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને પડી રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરતા આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં અને પરીક્ષા પ્રક્રિયાની પવિત્રતા જાળવવા માટે લેવામાં આવ્યો છે.
શુક્રવારે CSIR UGC NETની પરીક્ષા મોકૂફ કરાઈ હતી
શુક્રવારે CSIR UGC NETની પરીક્ષા મોકૂફ કરવામાં આવી હતી. આ પરીક્ષા આગામી 25 તારીખથી 27 જૂન દરમિયાન યોજાવાની હતી. જોકે NTA દ્વારા જાહેરાત કરવામાં આવી કે સંસાધનોની અછતના કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
સુબોધ કુમારને પદ પરથી હટાવાયા
નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ચીફ સુબોધ કુમારને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. NEET અને NETની પરીક્ષામાં ગરબડ બાદ કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુબોધ કુમારની જગ્યાએ હવે IAS પ્રદીપ સિંહ ખરોલા NTAના વડા તરીકેની જવાબદારી નિભાવશે. પ્રદીપ સિંહ ખરોલા કર્ણાટક કેડરના IAS રહ્યા છે.
UGC-NETનું પ્રશ્નપત્ર લીક થયું હતું
નોંધનીય છે કે અગાઉ NTA દ્વારા જ UGC-NET ની પરીક્ષા કરાવવામાં આવી હતી. દેશભરમાંથી વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી. જોકે બીજા જ દિવસે પેપર રદ કરી દેવામાં આવ્યું અને શિક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે નવેસરથી પરીક્ષા યોજવામાં આવશે. UGC-NETનું પ્રશ્નપત્ર પરીક્ષાના એક દિવસ અગાઉ જ લીક થઈ ગયું હતું.








