Maharastra/ NCPના નવાબ મલિકનો 'નવાબી ઠાઠ', ભાજપના વિરોધ વચ્ચે નોંધાવી ઉમેદવારી
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવાનો આજે મંગળવારે છેલ્લો દિવસ છે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવાનો આજે મંગળવારે છેલ્લો દિવસ છે. એનસીપી (અજિત પવારે) નવાબ મલિકને ઉમેદવારી ફોર્મ આપવાનું કહ્યું હતું પરંતુ ભાજપના વિરોધ બાદ આગળ કોઈ વાત બની નહોતી. જેથી નવાબ મલિકે માનખુર્દ શિવાજી નગર વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી દીધી છે. તેમણે એનસીપીના ઉમેદવાર તરીકે અને અપક્ષ તરીકે એમ બંને રીતે ફોર્મ ભર્યા છે.
NCP નેતા નવાબ મલિક કહ્યું કે, માનખુર્દ શિવાજી નગર વિધાનસભા બેઠક પરથી મેં મારું નામાંકન ભર્યું છે - એક અપક્ષ ઉમેદવાર તરીકે અને બીજું NCPના ઉમેદવાર તરીકે. પરંતુ એનસીપી તરફથી મને પાર્ટીનું AB ફોર્મ મળ્યું નથી, જો તે સમયસર આવી જશે તો હું એનસીપી ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ નહીં તો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ.
મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપી (અજિત પવાર) મહાયુતિ ગઠબંધનનો હિસ્સો છે. ભાજપે નવાબ મલિકને ટિકિટ આપવાનો વિરોધ કર્યો હતો. પરંતુ નવાબ મલિકે પોતે ગમે તે સ્થિતિમાં ઉમેદવારી નોંધાવાની હઠ દર્શાવી હતી.
અમુક બેઠકો પર ચર્ચાઓનું જોર
મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહા વિકાસ અઘાડીમાં રાજ્યની અમુક બેઠકો પર ઉમેદવારી નોંધાવા માટે વિવિધ પક્ષો ઝઘડી રહ્યા છે. સપાએ પણ મહા વિકાસ અઘાડીને અલ્ટિમેટ આપતાં પાંચ બેઠકો ફાળવવાની દરખાસ્ત કરી હતી. બીજી તરફ અજિત પવાર જૂથના એનસીપી નેતા નવાબ મલિકે સોમવારે જાહેરાત કરી હતી કે, તે પોતે ઉમેદવારી નોંધાવશે અને ચૂંટણી લડશે.
પાંચ વખત ધારાસભ્ય
નવાબ મલિક મહારાષ્ટ્રમાં પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ અણુશક્તિનગર બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ વખતે અજિત પવારે એનસીપીની આ બેઠક પરથી નવાબ મલિકની દિકરી સના મલિકને ટિકિટ આપી છે. જ્યારે શરદ પવાર જૂથે આ બેઠક પર અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદને ઉભા રાખ્યા છે.
અબુ આઝમી સામે ચૂંટણી લડશે
નવાબ મલિક મની લોન્ડરિંગ મામલે જેલમાં હતા. જેમને હાલમાં જ છ મહિનાના મેડિકલ જામીન આપવામાં આવ્યા છે. જો તેઓ ચૂંટણી લડે તો તેમને શિવાજી નગર-માનખુર્દ બેઠક પરથી ટિકિટ મળી શકે છે. જ્યાં સપાના અબુ અસીમ આઝમી વિરૂદ્ધ ચૂંટણી લડી શકે છે.








