NCERTએ ધોરણ 6ના પુસ્તકમાં કર્યો મોટો બદલાવ, વિદ્યાર્થીઓ હવે મહાભારત-પુરાણ ભણશે
રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) દ્વારા ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકના અભ્યાસક્

રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) દ્વારા ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકના અભ્યાસક્રમમાં બદલાવ કરવામાં આવ્યો છે. પહેલા ધોરણ 6માં સામાજિક વિજ્ઞાનના ત્રણ અલગ અલગ પુસ્તક હતા પરંતુ હવે એક જ પુસ્તકમાં આ બધાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઇતિહાસ,ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર ત્રણેય અલગ અલગ પુસ્તકને એક પુસ્તકમાં કરવામાં આવ્યા છે. આ વર્ષે ધોરણ 3 અને ધોરણ 6ના વિદ્યાર્થીઓને નવા પુસ્તક મળશે. આ પુસ્તકમાં અભ્યાસક્રમમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે.
મહાભારત પુરાણનો ઉલ્લેખ
નવા અભ્યાસક્રમમાં એક વિશેષ અધ્યાય 5ને જોડવામાં આવ્યો છે જે "ઇન્ડિયા, ધેટ ઇઝ ભારત" છે. આ અધ્યાયમાં ભારતની ઉત્પતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. મહાભારત અને વિષ્ણુ પુરાણ જેવા પ્રાચીન ભારતીય ગ્રંથોનો સંદર્ભ આપવામાં આવ્યો છે. મહાભારતમાં કાશ્મીર, કુરૂક્ષેત્ર, વંગા, કચ્છ અને કેરળ જેવા વિસ્તારની યાદી પણ આપવામાં આવી છે.
પુસ્તકમાં કેટલાક સંસ્કૃત શબ્દોને સાચા ઉચ્ચારણ માટે વિશેષ ચિહ્નો સાથે સામેલ કરવામાં આવ્યા છે.
બી.બી. લાલનો ઉલ્લેખ
અધ્યાય 6 જેનું ટાઇટલ છે "ભારતીય સભ્યતાની શરૂઆત" જેમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના પૂર્વ પ્રમુખ બી.બી.લાલના એક ઉદાહરણથી શરૂ થાય છે, જેમને 1970ના દાયકાના મધ્યમાં બાબરી મસ્જિદમાં ખોદકામનું નેતૃત્ત્વ કર્યું હતું, તેમને શરૂઆતમાં હિન્દૂ મંદિરના કોઇ નિશાન મળ્યા નહતા પરંતુ બાદમાં તેમને દાવો કર્યો કે આ સ્થળ પર મંદિરના સ્તંભ આધાર હતા.
વેદોને સામેલ કરવામાં આવ્યા
પુસ્તકના અધ્યાય 7માં વેદો પર વિસ્તૃત ટિપ્પણી સાથે ભારતના સાંસ્કૃતિક મૂળ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જૂના પાઠમાં 'છાંદોગ્ય ઉપનિષદ' સાથે એક વાર્તા સામેલ હતી પરંતુ નવી એડિશનમાં 'કઠોપનિષદ' અને 'બૃહદારણ્યક ઉપનિષદ'ની બે વાર્તા સામેલ છે. રામાયણના એક દ્રશ્યને દર્શાવતી 18મી સદીની એક પેઇન્ટિંગ પણ તેમાં સામેલ કરવામાં આવી છે.
પ્રાચીન સામ્રાજ્યોને ઘટાડવામાં આવ્યા
નવા પુસ્તકમાં પ્રાચીન ભારતીય સામ્રાજ્યો પર સામગ્રીને ઘટાડવામાં આવી છે. અશોક, ચંદ્રગુપ્ત મોર્ય, ગુપ્ત, પલ્લવ, ચાલુક્ય અને કાદિદાસની રચનાઓ જેવા સામ્રાજ્યો જણાવતા ચાર અધ્યાયને હટાવવામાં આવ્યા છે. અધ્યાય 4ની સમયરેખામાં રાજા અશોકનો માત્ર એક જ ઉલ્લેખ છે.
જૂના પુસ્તકમાં 'ગામ, શહેર અને વેપાર' સબંધિત અધ્યાયને પણ હટાવવામાં આવ્યો છે જેમાં હથિયાર, સિક્કા, સિંચાઇ, શિલ્પ અને વેપાર સામેલ હતું. કુતુબ મીનારના લોખંડના સ્તંભ, સાંચી સ્તૂપ, મહાબલીપુરમ મંદિર અને અજંતા ગુફાઓની પેઇન્ટિંગ જેવા ઐતિહાસિક સ્થળોના સંદર્ભને પણ હટાવવામાં આવ્યું છે.







