કોલકાતામાં પ્રશિક્ષક ડોકટરની સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં આજે પણ દેશવ્યાપી હડતાલ
કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે આજે પણ દેશવ્યાપી હડતાળ ચાલ

કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે આજે પણ દેશવ્યાપી હડતાળ ચાલુ છે. ડૉક્ટરોએ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પાસેથી આ મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન્સ (FAIMA)એ આજ (13 ઓગસ્ટ)થી દેશવ્યાપી વિરોધ અને OPD અને વૈકલ્પિક સેવાઓ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે.
આ ઘટનાથી દેશભરના તબીબોમાં રોષ
અહીં સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે જો પોલીસ રવિવાર સુધીમાં કેસનો ઉકેલ નહીં લાવે તો કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવશે. આ ઘટનાથી દેશભરના તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ દર્દીઓ અને પરિચારકો પરેશાન થઈ રહ્યા છે. ડોક્ટરોના આ વિરોધને કારણે દિલ્હી, યુપી, એમપી અને મહારાષ્ટ્રમાં સારવાર સંબંધિત સુવિધાઓ પ્રભાવિત થઈ છે.
એક આરોપી સંજય રોયની ધરપકડ કરવામાં આવી
આ દરમિયાન શહેરના પોલીસ કમિશ્નર વિનીત ગોયલે જણાવ્યું હતું કે તપાસ હજી પણ ચાલુ છે. તેમણે જણાવ્યું હતું કે પોલીસને આ કેસમાં મહત્ત્વની કડીઓ મળી છે. આ કડીઓ બતાવે છે કે આ ગુનામાં સંજય એકલો ન હતો. કોલકાતાના પોલીસ કમિશ્નર વિનીત ગોયલે જણાવ્યું હતું કે મહિલા ડોક્ટરના રેપ અને મર્ડરના કેસમાં એક આરોપી સંજય રોયની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ અન્ય લોકોની તલાશ કરી રહ્યા છે જેનો આ ઘટના સાથે સંબંધ છે. તેમણે જણાવ્યું હતું કે અમે એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કર્યો છે, જો ડોક્ટરોને કોઈના પર પણ શંકા હોય તો તે ખાનગી રાહે જાણકારી આપી શકે છે. અમે બધા તેના કુટુંબના સંપર્કમાં છીએ.
આગામી ચારથી પાંચ દિવસમાં પકડી લઇશું : કોલકાતા પોલીસ
કોલકાતા પોલીસે જણાવ્યું હતું કે અમને વિશ્વાસ છે કે જે લોકો આમાં સામેલ છે અમે તેમને આગામી ચારથી પાંચ દિવસમાં પકડી લઇશું. આમ છતાં તેના કુટુંબને સંતોષ નહીં થાય તો સીએમ મમતા બેનરજીએ કહ્યું તેમ સીબીઆઇને તપાસ સોંપી દેવાશે. પોલીસે જણાવ્યું હતું કે હત્યાંકાંડનો મુખ્ય આરોપી સંજય રોય હોસ્પિટલનો કર્મચારી ન હતા, પણ તે ઘણી વખત હોસ્પિટલના સંકુલમાં આવતો હતો. તે કોલકાતા પોલીસ સાથે વોલન્ટિયરના સ્વરૂપમાં કામ કરતો હતો. આ એક પ્રકારનો કોન્ટ્રાક્ટ હોય છે, તેમા તે ટ્રાફિક વ્યવસ્થા અને કુદરતી હોનારતો સહિત જુદા-જુદા પ્રકારના કાર્યોમાં પોલીસની મદદ કરતો હતો અને આ બદલ તેને મહિને રૂ. 12,000નું વેતન મળતું હતું.
હૈદરાબાદમાં પણ પ્રદર્શન
હૈદરાબાદની ઓસ્માનિયા મેડિકલ કોલેજના જુનિયર ડોકટરોએ કોલકાતાની આરજી કર મેડિકલ હોસ્પિટલમાં કથિત રીતે બળાત્કાર અને હત્યા કરાયેલા તાલીમાર્થી ડૉક્ટર સાથે એકતા દર્શાવવા મીણબત્તીઓ પ્રગટાવી વિરોધ કર્યો હતો.
કેરળમાં પણ ડોક્ટરોએ વિરોધ કર્યો
કેરળમાં ડોક્ટરોએ પણ વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. સરકારી મેડિકલ કોલેજના શિક્ષકોના સંગઠન 'કેજીએમસીટીએ'એ રવિવારે પીજી વિદ્યાર્થિની પર બળાત્કાર અને હત્યાની આકરી નિંદા કરી અને કહ્યું કે તમામ ડોકટરો આ ઘૃણાસ્પદ ઘટનાનો વિરોધ કરશે. શિક્ષકોના સંગઠને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "નાઈટ ડ્યુટી અને ઈમરજન્સી વિભાગમાં કામ કરતી મહિલા ડોક્ટરોની સુરક્ષા હંમેશા ચિંતાનો વિષય રહી છે."
મહારાષ્ટ્રમાં પણ હડતાળની અસર જોવા મળશે
મહારાષ્ટ્રના રેસિડેન્ટ ડોક્ટરો મંગળવારથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર જઈ રહ્યા છે. કેન્દ્રીય MARD (મહારાષ્ટ્ર સ્ટેટ એસોસિએશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "મંગળવારથી સમગ્ર મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં તમામ વૈકલ્પિક સેવાઓ બંધ રહેશે." તેમજ તમામ ઈમરજન્સી સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.
યુપીની કઇ હોસ્પિટલોમાં હડતાળ?
ઉત્તર પ્રદેશમાં ગત સોમવારથી 4 હજાર રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે. લખનૌના SGPGI, લોહિયા ઈન્સ્ટિટ્યૂટ અને KGMU સહિત અન્ય શહેરોની હોસ્પિટલોમાં પણ ડૉક્ટરોની હડતાળ જોવા મળી હતી. આ હડતાળ હજુ પણ ચાલુ રહે તેવી શક્યતા છે.
દિલ્હીની આ હોસ્પિટલોમાં હડતાળ
એઈમ્સ દિલ્હી, મૌલાના આઝાદ મેડિકલ કોલેજ, આરએમએલ હોસ્પિટલ, લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજ, વીએમએમસી અને સફદરજંગ હોસ્પિટલ, દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલ, જીટીબી, આઈએચબીએએસ, ડો બાબા સાહેબ આંબેડકર મેડિકલ કોલેજ અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીબી અને શ્વસન રોગોની હોસ્પિટલમાં હડતાલ ચાલુ છે. આ હડતાલ ગઈકાલે સવારે 9 વાગ્યે શરૂ થઈ હતી. જેના કારણે આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
એમપીમાં આજથી ડોક્ટરોની હડતાળ શરૂ
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ AIIMSના ડોક્ટરો અને સરકારી મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરોએ આજથી 13 ઓગસ્ટથી હડતાળ શરૂ કરી દીધી છે. જેના કારણે ઓપીડી ઓટી વોર્ડ ડ્યુટી, લેબ સેવાઓ અને વર્ગો અનિશ્ચિત સમય માટે બંધ રહેશે. તે જ સમયે, દર્દીઓ માટે માત્ર ઇમરજન્સી સુવિધાઓ કાર્યરત રહેશે.








