મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

યુપીમાં ભાજપનો વિખવાદ ટાળવા નરેન્દ્ર મોદી સંભાળશે કમાન? PM સાથે યોગી આ દિવસે કરી શકે છે મુલાકાત 

અયોધ્યામાં ભગવાન રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરીને ચૂંટણીમાં હિન્દુત્વના કાર્ડ સાથે લોકસભા ચૂંટણી

યુપીમાં ભાજપનો વિખવાદ ટાળવા નરેન્દ્ર મોદી સંભાળશે કમાન? PM સાથે યોગી આ દિવસે કરી શકે છે મુલાકાત 

અયોધ્યામાં ભગવાન રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરીને ચૂંટણીમાં હિન્દુત્વના કાર્ડ સાથે લોકસભા ચૂંટણીમાં ઉતરેલી ભાજપને ઉત્તર પ્રદેશમાં ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે. ગત અઠવાડિયે ભાજપને મળેલી હારની સમીક્ષા બેઠકમાં ઉજાગર થયેલા વિખવાદથી મીડિયા રિપોર્ટ્સમાં અનેક દાવા થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ઘણા મીડિયા રિપોર્ટ્સમાં સંગઠનથી લઈને સીએમ યોગી આદિત્યનાથ સુધીના અનેક પ્રકારના દાવા કરવામાં આવ્યા છે. યુપી ભાજપમાં યોગીએ છેલ્લા કેટલાક દિવસોમાં પાર્ટી અને સંગઠનથી દૂર રહીને એકલાહાથે મોટા વિકાસલક્ષી નિર્ણયો લીધા છે. 

યુપી યોગી અને ડે. સીએમ. મૌર્ય વચ્ચેનો ખટરાગ ઉડીને સપાટીએ બહાર આવ્યો છે. હવે આ દાવાઓ વચ્ચે વધુ એક રાજકીય બેઠકની અટકળો છે. સૂત્રોનું માનીએ તો સીએમ યોગી પીએમ નરેન્દ્ર મોદીને મળી શકે છે.

વાસ્તવમાં પીએમ મોદી 27 જુલાઈના રોજ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે. આ બધા વચ્ચે જો સૂત્રોનું માનવામાં આવે તો પીએમ મોદી સીએમ યોગી સાથે મુલાકાત કરી શકે છે. મુખ્યમંત્રીઓ સાથેની મીટિંગ પૂરી થયા બાદ યોગી અને મોદી વચ્ચે બંધ બારણે બેઠકનું આયોજન થઈ શકે છે. પીએમ મોદી સિવાય મુખ્યમંત્રી દિલ્હીમાં પાર્ટીના ટોચના નેતાઓને પણ મળી શકે છે. પરંતુ કયા નેતાઓને મળશે તે હજુ સ્પષ્ટ નથી.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોના રાજકીય ઘટનાક્રમ પર નજર કરીએ તો યુપીમાં ભાજપ માટે પડકાર વધી રહ્યો છે. ચૂંટણીમાં હાર બાદ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી લાંબા સમય સુધી દિલ્હીમાં જ રહીને મોવડી મંડળ સાથે મુલાકાત કરતા રહ્યા. આ પછી ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા હતા. આ બેઠક વચ્ચે અપના દળની નારાજગીના સમાચાર હેડલાઇન્સમાં રહ્યા હતા.

ઉત્તર પ્રદેશમાં ભાજપની જે સરકાર છેલ્લા સાત વર્ષથી મજબૂતી સાથે ઉભી જોવા મળતી હતી. હવે અચાનક તેમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં ભાજપનું પરિણામ આશા અનુસાર ના આવતા પાર્ટીમાં જ ગડબડ જોવા મળી રહી છે. કાર્યકારિણીની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ 'સંગઠન હંમેશા સરકાર કરતા મોટું હોય છે' કહેતા ફરી રાજકારણ ગરમાયું હતું. 

સરકાર વિરોધી અજીબો-ગરીબ ઝૂંબેશ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના કામકાજમાં વ્યસ્ત છે. તેમણે પૂર નિયંત્રણ માટે લખીમપુર, શ્રીવસ્તી, બલરામપુર અને શાહજહાંપુરની માત્ર મુલાકાત જ ન લીધી પરંતુ ત્યાં કાર્યોની સમીક્ષા પણ કરી. તેઓ વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવવામાં વ્યસ્ત છે.

કાવડ યાત્રાને ધ્યાનમાં રાખી તેમણે બે વખત પોલીસ અધિકારીઓ અને જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને બેઠક કરી અને જરૂરી નિર્દેશ આપી દીધા છે. ભ્રષ્ટાચાર મામલે આઈએએસ દેલી શરણ ઉપાધ્યાયને સસ્પેન્ડ કરી દીધા અને ભ્રષ્ટાચાર તથા બેદરકારીમાં સંડોવણી બદલ એસડીએમ શ્રીવસ્તી અરુણને સસ્પેન્ડ કરી દીધા છે. બીજી તરફ પોલીસે ગુનેગારો સામે સખત કાર્યવાહીની ઝૂંબેશ હાથ ધરી છે. 

આ બધા પછી રાજ્યમાં પોલીસ અને પ્રશાસનની કાર્યવાહી પર સવાલો ઉભા થયા છે. પાર્ટીના નેતાઓએ ખુલ્લા મંચ પર પોલીસના ઘમંડનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. જ્યારે ગોરખપુરના બે ધારાસભ્યોએ તેમના જીવને ખતરો ગણાવ્યો અને પછી બંનેએ કહ્યું કે પોલીસમાં ફરિયાદ કર્યા પછી પણ તેમની સામે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે કાવડ યાત્રા પહેલા દુકાનદારોએ દુકાનનું નામ અને માલિકના નામની પ્લેટ ફરજિયાત કરી  છે. આ આદેશથી પણ નવો વિવાદ સર્જાયો છે.

આ સમાચાર શેર કરો