નાયબ સિંહ સૈનીના માથે ફરીથી હરિયાણાનો તાજ, અમિત શાહની અધ્યક્ષતામાં વિધાયક દળના નેતા ચૂંટાયા
હરિયાણામાં નાયબ સિંહ સૈનીને ફરીથી હરિયાણાનો તાજ મળ્યો છે. અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી BJP વિધાયક દળ

હરિયાણામાં નાયબ સિંહ સૈનીને ફરીથી હરિયાણાનો તાજ મળ્યો છે. અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી BJP વિધાયક દળની બેઠકમાં નામને મંજૂરી મળી છે.તેઓ આવતી કાલે શપથ લેશે.
બુધવારે પંચકુલામાં ભાજપની બેઠકમાં તેમને વિધાયક દળના નેતા તરીકે પસંદ કર્યા છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ નિરીક્ષક તરીકે હાજર હતા.
અમિત શાહે કહ્યું- હરિયાણાની સ્થાપના 60ના દાયકામાં થઈ હતી. ત્યારથી લઈને આજ સુધી કોઈ પણ મુખ્યમંત્રી પોતાના પક્ષને સતત વિજયી બનાવવામાં સફળ થયા નથી. હરિયાણામાં પહેલીવાર ત્રીજી વખત ભાજપની સરકાર બની છે. તેનું મુખ્ય કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. મનોહર ખટ્ટરે મુખ્યમંત્રી બનીને સાડા 9 વર્ષ સરકાર ચલાવી. આ પછી પાર્ટીએ તેમને કેન્દ્રમાં જવાબદારી આપવાનો નિર્ણય કર્યો. આ પછી રાજ્યની બાગડોર યુવા નાયબ સૈનીને સોંપવામાં આવી. તેમના નેતૃત્ત્વમાં પાર્ટી ફરીથી વિજયી બની છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીના મંગળવારે જારી કરવામાં આવેલા પરિણામોમાં ભાજપ કુલ 90માંથી 48 બેઠકો મેળવવામાં સફળ રહ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંચકૂલા જિલ્લા આયુક્તે 10 સભ્યોની સમિતિની રચના કરી છે, જે શપથ ગ્રહણ સમારોહ કાર્યક્રમની તૈયારીઓ કરશે. હરિયાણા સરકારમાં મુખ્યમંત્રી સહિત મહત્તમ 14 મંત્રીઓ શપથ લેશે.







