હરિયાણામાં નવી સરકાર બનાવવાની તડામાર તૈયારીઓ, દિલ્હીમાં પીએમ મોદી સાથે સૈનીએ કરી મુલાકાત
હરિયાણામાં ભાજપે જીતની હેટ્રિક લગાવ્યાના એક દિવસ પછી મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની બુધવારે પીએમ મોદીને મળ્યા હતા. મોદી સા

હરિયાણામાં ભાજપે જીતની હેટ્રિક લગાવ્યાના એક દિવસ પછી મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની બુધવારે પીએમ મોદીને મળ્યા હતા. મોદી સાથેની તેમની મુલાકાત અંગે હરિયાણાના મુખ્યમંત્રીએ કહ્યું કે, આ સૌજન્ય મુલાકાત હતી. મેં વડાપ્રધાન મોદીને હરિયાણામાં મળેલી જંગી જીત વિશે માહિતી આપી હતી. હરિયાણાના લોકો તેમને ખૂબ પ્રેમ કરે છે તેનું આ પરિણામ મળ્યું છે. હરિયાણામાં ત્રીજી વખત ડબલ એન્જિનની સરકાર બની રહી છે.
હરિયાણામાં સીએમ કોણ હશે તેવા સવાલ પર નાયબ સૈનીએ કહ્યું કે આ અંગેનો નિર્ણય અમારી સંસદીય બોર્ડ લેશે. વિધાયક પક્ષ તેના નેતાની પસંદગી કરશે, તેના પર નિર્ભર છે કે કોણ ચૂંટાશે અને કોણ નહીં. સંસદીય બોર્ડનો આદેશ માન્ય રહેશે.
જીતનો શ્રેય પીએમ મોદીને જાય છેઃ નાયબ સૈની
મુખ્યમંત્રીએ કહ્યું કે, આ જંગી જીતનો શ્રેય વડાપ્રધાન મોદીને જાય છે, જેમણે છેલ્લા 10 વર્ષમાં આવી નીતિઓ અને યોજનાઓ અમલમાં મૂકી છે, જેનો લાભ ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓને પણ મળી રહ્યો છે.
મોદીજીની લોકપ્રિયતાના પરિણામે જ ભાજપ ત્રીજી વખત ભારે બહુમતી સાથે આવી છે. હું હરિયાણા ભાજપના તમામ કાર્યકરોનો પણ આભાર વ્યક્ત કરું છું. તેમની મહેનતના કારણે જ અમે ત્રીજી વખત સત્તામાં આવ્યા છીએ.
ભાજપના નેતૃત્વ સાથે ચર્ચા કરશે
મળતી માહિતી અનુસાર, નાયબ સૈની તેમની કેબિનેટને અંતિમ સ્વરૂપ આપવા માટે કેન્દ્રીય નેતૃત્વની સલાહ લઈ શકે છે. સત્તા વિરોધી લહેર છતાં ભાજપે હરિયાણામાં સતત જીત સાથે સત્તા જાળવી રાખી અને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પુનરાગમનના પ્રયાસોને અટકાવી દીધા.








