MLA જાતીય સતામણી કેસ: મદ્રાસ હાઈકોર્ટનો 'ગેગ ઓર્ડર', મીડિયા રિપોર્ટિંગ અને સોશિયલ મીડિયા પોસ્ટ પર પ્રતિબંધ

મદ્રાસ હાઈકોર્ટે મંગળવારે (24 નવેમ્બર) કલ્લાકુરિચી (Kallakurichi)ના ધારાસભ્ય અરુલ વિગ્નેશ સામેના જાતીય સતામણીના કેસ સંબંધિત કોઈ પણ માહિતી પ્રકાશિત કરવા પર મીડિયા પર પ્રતિબંધ મુકતો 'ગેગ ઓર્ડર' (Gag Order) જારી કર્યો છે.
જસ્ટિસ વી. લક્ષ્મીનારાયણને આ આદેશ પસાર કરતી વખતે નોંધ્યું હતું કે, આ મુદ્દે મીડિયામાં થઈ રહેલી વ્યાપક ચર્ચાને કારણે બિનજરૂરી પ્રચાર થયો છે. પ્રેસે આવા સંવેદનશીલ મામલાઓમાં થોડી સંવેદનશીલતા દાખવવી જોઈતી હતી તેવી ટકોર કરતા કોર્ટે આ પ્રતિબંધાત્મક આદેશ આપ્યો છે.
કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, "આવા મામલામાં પ્રેસે થોડી સંવેદનશીલતા બતાવવી જોઈતી હતી. આ કેસમાં તેનો અભાવ જોવા મળતા કોર્ટે હસ્તક્ષેપ કરવો પડ્યો છે. તેથી, PoSH એક્ટની કલમ 16 હેઠળ આવરી લેવાયેલી કોઈ પણ બાબતને પ્રકાશિત કરવા, સંચાર કરવા અથવા જાહેર કરવા પર પ્રેસ અને મીડિયા પર મનાઈ ફરમાવતો આદેશ જારી કરવામાં આવે છે."
સોશિયલ મીડિયા પોસ્ટ હટાવવા અને ઉલ્લંઘન કરનાર સામે કેસ નોંધવા આદેશ
કોર્ટે રાજ્ય પોલીસના સાયબર ક્રાઈમ વિભાગને આ મુદ્દાને લગતી તમામ પોસ્ટ હટાવવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને ઇન્ટરમીડિયરીઝને પણ એ સુનિશ્ચિત કરવા જણાવાયું છે કે જ્યાં સુધી PoSH એક્ટ હેઠળની આંતરિક ફરિયાદ સમિતિ (ICC) આ મામલાનો નિકાલ ન કરે અને પીડિતાને ન્યાય ન મળે, ત્યાં સુધી આ અંગે કોઈ પ્રકાશન ન થાય. કોર્ટે ઉમેર્યું હતું કે જો કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ પ્લેટફોર્મ્સના ધ્યાન બહાર રહી જાય, તો પોલીસે તાત્કાલિક તેમના ધ્યાન પર લાવીને તેને દૂર કરાવવી જોઈએ.
આ સાથે જ કોર્ટે પોલીસને 'કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ, 2013' (PoSH Act)ની કલમ 16ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારા વ્યક્તિઓ સામે કેસ નોંધવા પણ જણાવ્યું છે. આ કલમ ફરિયાદની વિગતો અને તપાસની કાર્યવાહીની માહિતી જાહેર કરવા પર પ્રતિબંધ મૂકે છે.
ઉચ્ચ સ્તરીય IPS અધિકારીઓની દેખરેખ હેઠળ તપાસ
એક મહિલા એડવોકેટ દ્વારા ધારાસભ્ય સામે એક મહિલા અધિકારીને અશ્લીલ મેસેજ મોકલવા બદલ FIR નોંધવાની માંગ કરતી અરજી પર કોર્ટે આ વચગાળાનો આદેશ આપ્યો હતો. કોર્ટે અગાઉ રાજ્ય સરકારને પૂછ્યું હતું કે શું મહિલા અધિકારીએ આ અંગે કોઈ ફરિયાદ નોંધાવી છે કે કેમ.
આજે જ્યારે આ મામલો સુનાવણી માટે આવ્યો ત્યારે કોર્ટને જાણ કરવામાં આવી હતી કે મહિલા અધિકારીની ફરિયાદના આધારે ધારાસભ્ય સામે FIR નોંધવામાં આવી છે. આ કેસમાં આરોપી ઉચ્ચ પદ અને બંધારણીય હોદ્દો ધરાવતા હોવાની નોંધ લેતા કોર્ટે માન્યું હતું કે આ તપાસ જિલ્લા સ્તરથી ઊંચા દરજ્જાના અધિકારીની દેખરેખ હેઠળ થવી જોઈએ. આથી, કોર્ટે તિરુપુરના પોલીસ અધિક્ષક (SP) શ્રુતિ સિંહ (IPS)ની તપાસ અધિકારી તરીકે નિમણૂક કરી છે અને ચેન્નાઈના પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) એન. કામિની (IPS)ને તપાસ પર દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે.
કોર્ટની ગંભીર ટિપ્પણી
સુનાવણી દરમિયાન કોર્ટે એ કમનસીબ પરિસ્થિતિ પર પણ ખેદ વ્યક્ત કર્યો હતો કે જ્યાં રાજ્યની સેવામાં શક્તિશાળી પદ ધરાવતી એક મહિલા અધિકારીને પણ જાતીય સતામણીનો ભોગ બનવું પડ્યું. કોર્ટે ઉમેર્યું હતું કે આ ઘટના દર્શાવે છે કે સતામણી કોઈ સમય, સ્થળ, આર્થિક બાબતો, દરજ્જો કે મહિલા કયા હોદ્દા પર બિરાજમાન છે તે જોતી નથી.










