TVK MLA કેસ: 'આરોપીને બચાવવાનો પ્રયાસ કરશો તો...', કોર્ટની વિજયની સરકારને સખ્ત ફટકાર

તમિલનાડુના રાજકારણ અને વહીવટી તંત્રમાં અત્યારે એક અત્યંત ગંભીર મામલે ખળભળાટ મચી ગયો છે. કલ્લાકુરિચીના એક મહિલા જિલ્લા કલેક્ટરે સત્તાધારી પક્ષ TVKના ધારાસભ્ય અરુલ વિગ્નેશ સામે જાતીય સતામણીના ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે સમયસર યોગ્ય કાર્યવાહી ન કરવા બદલ મંગળવારે મદ્રાસ હાઈકોર્ટે જોસેફ વિજયના નેતૃત્વવાળી તમિલનાડુ સરકારને આડે હાથ લીધી હતી. મદ્રાસ હાઈકોર્ટે સરકારની નિષ્ક્રિયતા પર આકરા સવાલો ઉઠાવ્યા હતા અને આ સમગ્ર મામલાની તપાસ માટે એક કમિટીની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે.
સરકાર ધારાસભ્યને બચાવી રહી છે?
કલેક્ટરને કથિત રીતે અશ્લીલ મેસેજ મોકલવા અને અયોગ્ય ચેનચાળા કરવા સંબંધિત અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ લક્ષ્મીનારાયણને સરકારની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું કે મહિનાઓ પહેલાં આ આક્ષેપો અંગે જાણ કરવામાં આવી હોવા છતાં તંત્રએ કોઈને બચાવવાનો પ્રયાસ કર્યો છે કે શું અને અત્યાર સુધી શું પગલાં લીધાં છે? જસ્ટિસ લક્ષ્મીનારાયણને રાજ્ય સરકારને ચેતવણી આપતા કહ્યું કે, જો મને એવો અણસાર પણ આવશે કે તમે લોકોને બચાવી રહ્યા છો… તો…. હું તમને શરમાવવા માંગતો નથી.
હાઈકોર્ટે ટીવીકે સરકારને તતડાવી
કોર્ટે એ બાબતે પણ જવાબ માંગ્યો કે જ્યારે 31 જુલાઈના રોજ પ્રથમ વખત આ આક્ષેપો સરકારના ધ્યાન પર લાવવામાં આવ્યા હતા, ત્યારે અસરકારક કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં? જજે વિલંબ અંગે સ્પષ્ટતા માંગતા પૂછ્યું કે, જ્યારે 31 જુલાઈએ આ બાબત તમારા ધ્યાન પર લાવવામાં આવી ત્યારે શું કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી? સુનાવણી દરમિયાન રાજ્યના પબ્લિક પ્રોસિક્યુટર આર. જ્હોન સત્યને કોર્ટમાં એક લેખિત નોટ રજૂ કરીને જાણકારી આપી કે ફરિયાદના સંબંધમાં FIR નોંધવામાં આવી છે. જોકે, સરકારના આ જવાબથી કોર્ટનો અસંતોષ દૂર થયો નહોતો. જસ્ટિસ લક્ષ્મીનારાયણને આકરા શબ્દોમાં પૂછ્યું કે, આ મેસેજને કેમ ધ્યાનમાં લેવામાં આવ્યા નથી? તમે આ અંગે શું કર્યું છે? શું મારે તમને તે કરવાનું સૂચન કરવું પડશે? તમે જાતે કેમ ન કરી શકો?
ચીફ સેક્રેટરી હોય કે સફાઈકર્મી, દરેક મહિલાની સુરક્ષા થવી જોઈએ: હાઈકોર્ટ
જજે એ પણ પૂછ્યું કે શું સરકારે ફરિયાદી મહિલા અધિકારી સાથે વાત કરી છે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પૂરતાં પગલાં લીધાં છે કે નહીં? વહીવટી માળખામાં મહિલાનો હોદ્દો ગમે તે હોય, જાતીય સતામણી સામે સુરક્ષાની ખાતરી મળવી જ જોઈએ તે વાત પર ભાર મૂકતા કોર્ટે કહ્યું કે, 'પછી તે ચીફ સેક્રેટરી હોય કે સફાઈકર્મી, દરેક મહિલાને જાતીય સતામણીથી બચાવવી જ જોઈએ.'આ સાથે જ કોર્ટે પૂછ્યું કે શું રાજ્ય સરકારે આક્ષેપોની તપાસ માટે કોઈ કમિટી બનાવી છે, અને ત્યારબાદ સરકારને તાત્કાલિક કમિટીની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો.
સોશિયલ મીડિયા પર પીડિતાની ઓળખ જાહેર થતાં હાઈકોર્ટે સરકારની દલીલ ફગાવી
પીડિતાની ઓળખ જાહેર ન કરવાના અગાઉના નિર્દેશ છતાં સોશિયલ મીડિયા પર તેમની ઓળખ છતી કરતી વિગતો ફરતી થવા બદલ હાઈકોર્ટે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. જજે પૂછ્યું કે, મેં તમને કહ્યું હતું કે, 'પીડિતાની વિગતો જાહેર થવી જોઈએ નહીં. તે સોશિયલ મીડિયા પર કેમ છે?'. જેના જવાબમાં તમિલનાડુ સરકારે કહ્યું કે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી ફરતી થતી અટકાવી શકતી નથી અને ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર તેમનું કોઈ નિયંત્રણ નથી. જોકે, સરકારની આ દલીલથી કોર્ટ સંતુષ્ટ થઈ નહોતી. રાજ્ય પાસે પોતાની સાયબર ક્રાઇમ મશીનરી હોવાનું યાદ અપાવતા જજે કહ્યું કે સરકાર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવા બદલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિયંત્રણ ન હોવાનું બહાનું કાઢી શકે નહીં. કોર્ટે અવલોકન કર્યું કે, 'ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ભલે રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળ ન હોય, પરંતુ સાયબર ક્રાઇમ તો રાજ્ય સરકાર હેઠળ જ છે. સાયબર ક્રાઇમે સક્રિય રહેવું જોઈએ.'
કલેક્ટરે SP સામે પણ આંગળી ચીંધી: હવે SPથી ઉપરના અધિકારી કરશે તપાસ
સુનાવણી દરમિયાન કોર્ટને જાણ કરવામાં આવી હતી કે કલેક્ટરે પોતાની ફરિયાદમાં જિલ્લા પોલીસ અધિક્ષકનું નામ પણ આપ્યું છે. આ બાબતની નોંધ લેતા જજે સંકેત આપ્યો હતો કે આ કેસની તપાસ જિલ્લા SPથી ઉપરના અધિકારી દ્વારા થવી જોઈએ. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'SP ને બદલે, હું ઈચ્છું છું કે કોઈ ઉચ્ચ અધિકારી આ કેસ સંભાળે.'
શું છે સમગ્ર મામલો?
સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, આશરે 3 મહિના પહેલાં TVK ધારાસભ્યે કલેક્ટરને અશ્લીલ WhatsApp મેસેજ મોકલ્યા હતા અને તેમની તરફ અયોગ્ય ચેનચાળા કર્યા હતા. ધારાસભ્ય પર એવો પણ આરોપ છે કે તેઓ નશાની હાલતમાં કલેક્ટરના સત્તાવાર નિવાસસ્થાને ગયા હતા અને અયોગ્ય વર્તન કર્યું હતું. આ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે DMK સાંસદ કનિમોઝીએ આ આક્ષેપો પર ચિંતા વ્યક્ત કરી. ત્યારબાદ 12 નવેમ્બરના રોજ DMK અને AIADMK બંને વિપક્ષી દળોએ વરિષ્ઠ સરકારી અધિકારીઓને અલગ-અલગ ફરિયાદો સુપરત કરીને તપાસની માંગણી કરી હતી. જોકે, ધારાસભ્ય અરુલ વિગ્નેશે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા અને રાજકીય ષડયંત્ર ગણાવીને ફગાવી દીધા છે તેમજ અયોગ્ય WhatsApp મેસેજ મોકલવાનો પણ ઇનકાર કર્યો છે.










