અમેરિકાના બોસ્ટનમાં તેલંગાણાની 23 વર્ષીય વિદ્યાર્થિની ગુમ, 5 નવેમ્બરથી સંપર્કવિહોણી; વિદેશ મંત્રાલયની મદદ માગી

અમેરિકાના બોસ્ટનમાં તેલંગાણાની 23 વર્ષીય વિદ્યાર્થિની ગુમ, 5 નવેમ્બરથી સંપર્કવિહોણી; વિદેશ મંત્રાલયની મદદ માગી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકાના બોસ્ટન શહેરમાં ઉચ્ચ અભ્યાસ કરી રહેલી તેલંગાણાની 23 વર્ષીય વિદ્યાર્થિની શ્રીજા રેડ્ડી કોયા (Sreeja Reddy Koya) ગુમ થતાં તેના પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે. 2 નવેમ્બર, 2026ની રાતથી તેનો કોઈ પત્તો મળ્યો નથી. આ મામલે તેલંગાણા સરકારના મંત્રી કોમટિરેડ્ડી વેંકટ રેડ્ડીએ ભારતના વિદેશ મંત્રાલય (Ministry of External Affairs - MEA), બોસ્ટનમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ (Indian Consulate) અને સ્થાનિક પોલીસને તાત્કાલિક મદદ કરવા અપીલ કરી છે. 

રાત્રે ચાલવા નીકળ્યા બાદ ગુમ થઈ

શ્રીજા મૂળ તેલંગાણાના નાલગોંડા જિલ્લાના કનાગલ મંડલના શબ્બુલાપુરમ ગામની રહેવાસી છે. તે યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સ બોસ્ટન (University of Massachusetts Boston)માં ફાઇનાન્સ વિષયમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહી છે. તેણે હૈદરાબાદમાંથી બીકોમ (B.Com) પૂર્ણ કર્યા બાદ આશરે દોઢ વર્ષ પહેલાં ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. અભ્યાસની સાથે તે પાર્ટ ટાઇમ કામ પણ કરતી હતી. બોસ્ટન પોલીસના જણાવ્યા અનુસાર, શ્રીજા 2 નવેમ્બરની રાત્રે લગભગ 9:45 વાગ્યે ડોર્ચેસ્ટર વિસ્તારના એડિસન ગ્રીન નજીક આવેલા પોતાના નિવાસસ્થાનેથી ચાલવા માટે નીકળી હતી. ત્યારબાદ તે પરત ફરી નહોતી. તેનો મોબાઇલ ફોન પણ બંધ હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. 

જાહેરાત

બોસ્ટન પોલીસે જાહેર કરી ગુમ થયાની માહિતી

બોસ્ટન પોલીસ વિભાગે 4 નવેમ્બરે ગુમ થયેલી વ્યક્તિ અંગે જાહેર અપીલ (Missing Person Alert) બહાર પાડી હતી. પોલીસના વર્ણન મુજબ શ્રીજાની ઊંચાઈ આશરે 5 ફૂટ 3 ઇંચથી 5 ફૂટ 5 ઇંચ વચ્ચે છે. તેનું શરીર પાતળું અને વાળ કાળા છે. તે છેલ્લે કાળા રંગનું જેકેટ અને બ્લુ જીન્સ પહેરેલી જોવા મળી હતી. પોલીસને આશંકા છે કે તે કાર્સન બીચ (Carson Beach) અથવા હાર્બર પોઇન્ટ (Harbor Point) વિસ્તારમાં હોઈ શકે છે. 

પરિવારની ચિંતા, મંત્રીએ મદદ માગી

શ્રીજાના પિતા યાદગિરી રેડ્ડી ખેડૂત છે. તેમણે જણાવ્યું હતું કે દીકરીને ઉચ્ચ શિક્ષણમાં સફળ થતી જોવાનું તેમનું સપનું હતું. છેલ્લે 2 નવેમ્બરે માતા સ્વરૂપા રેડ્ડી સાથે ફોન પર વાત થઈ હતી. ત્યારબાદ પરિવારનો તેની સાથે સંપર્ક થયો નથી. તેલંગાણાના માર્ગ અને મકાન વિભાગના મંત્રી કોમટિરેડ્ડી વેંકટ રેડ્ડીએ ભારતીય દૂતાવાસ, વિદેશ મંત્રાલય અને બોસ્ટન પોલીસને શોધખોળ ઝડપી બનાવવા વિનંતી કરી છે. તેમણે ઉત્તર અમેરિકાની તેલુગુ એસોસિએશન (TANA)ની મદદ લેવાની પણ અપીલ કરી છે. બોસ્ટન પોલીસે માહિતી ધરાવતા લોકોને 911 અથવા ડિસ્ટ્રિક્ટ C-11 ડિટેક્ટિવ્સનો સંપર્ક કરવા જણાવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત