મહાકુંભમાં ભાગદોડમાં મોત મામલે મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘નાની-મોટી ઘટનાઓ બનતી રહે’
પ્રયાગરાજનાં મહાકુંભમાં ગઈકાલે નાસભાગ મચવાની ઘટનામાં અત્યાર સુધીમાં 30 શ્રદ્ધાળુઓ

પ્રયાગરાજનાં મહાકુંભમાં ગઈકાલે નાસભાગ મચવાની ઘટનામાં અત્યાર સુધીમાં 30 શ્રદ્ધાળુઓના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના અંગે અનેક નેતાઓ સહિત દેશભરના લોકોએ દુઃખ વ્યક્ત કર્યું છે. વાસ્તવમાં કરોડો શ્રદ્ધાળુઓ મૌની અમાવસ્યાના કારણે સ્નાન કરવા માટે જગ્યા શોધી રહ્યા હતા. આ દરમિયાન ભીડે અચાનક દોડધામ મચાવતા આ દુર્ઘટના સર્જાઈ છે. ત્યારે આટલી મોટી દુર્ઘટના થવા છતાં ઉત્તર પ્રદેશના મોટા નેતાઓ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.
‘આવી નાની-મોટી ઘટનાઓ બનતી રહે છે.’
ઉત્તર પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી સંજય નિષાદે (UP Cabinet Minister Sanjay Nishad) મહાકુંભમાં થયેલી નાસભાગ અંગે વિવાદાસ્પદ નિવેદન આપી કહ્યું કે, ‘શ્રદ્ધાળુઓ જ્યાં જગ્યા હોય ત્યાં સ્નાન કરે. આટલી મોટી ભીડ હોય, આટલું મોટી વ્યવસ્થા હોય, ત્યાં આવી નાની-મોટી ઘટનાઓ બનતી રહે છે.’
આ નિવેદન બાદ ચોતરફ ટીકા થતાં કેબિનેટ મંત્રી નિષાદ બરાબરના ફસાયા છે અને છેવટે તેમણે સ્પષ્ટતા કરવી પડી છે. તેમણે વિવાદ ઉભો કર્યા બાદ કહ્યું કે, ‘મારી જીભ લપસી ગઈ હતી. મારાથી ભુલથી નિવેદન અપાઈ ગયું છે. આ ઘટનાથી તમામ લોકો દુઃખી છે. હું ઘટનાને નાની માની રહ્યો નથી. આ મોટી ઘટના છે.’
પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ મહાકુંભની ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘પ્રયાગરાજ મહાકુંભમાં સર્જાયેલી દુઃખદ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. જે શ્રદ્ધાળુઓએ તેમના પ્રિયજનો ગુમાવ્યા તેમના પ્રત્યે મારી ગાઢ સંવેદના છે. આ સાથે જ હું તમામ ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. સ્થાનિક તંત્ર પીડિતોની દરેક સંભવ મદદ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. આ મામલે મેં મુખ્યમંત્રી યોગી સાથે વાતચીત કરી છે અને સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું.’
કેવી રીતે નાસભાગ મચી?
મહાકુંભનાં સંગમ કિનારે મધ્યરાત્રિ (28 જાન્યુઆરી)એ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. આ દરમિયાન બેરિકેડનો એક હિસ્સો તૂટ્યો અને નાસભાગ મચી ગઈ હતી. જોત જોતામાં સ્થિતિ બેકાબૂ થઈ અને લોકો બેફામ આમ-તેમ ભાગવા લાગ્યા હતા, જેના લીધે અનેક લોકોની વસ્તુઓ નીચે પડી ગઈ અને જે લોકો વસ્તુઓ ઉપાડવા નમ્યા તે ભીડ નીચે કચડાઈ ગયા હતા. ઘણાં લોકોએ બચવા પ્રયાસ કર્યો પણ કોઈ બચવાની જગ્યા ન મળી, બધા વિખેરાઈ ગયા, અનેક ઘાયલ પણ થયા છે. સ્થિતિ જ એવી હતી કે કોઈને ખબર ના પડી શકે ખરેખર શું થઈ રહ્યું છે. હાલ મળતા અહેવાલો મુજબ આ ઘટનામાં અત્યાર સુધીમાં 30 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે.
અનેક નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું
ઘટના અંગે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, બંગાળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી, સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સહિત અનેક લોકોએ દુઃખ વ્યક્ત કર્યું છે. અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશ સરકારે કરેલી વ્યવસ્થા પર સવાલો કર્યા છે. તેમણે માંગ કરી કે, ‘મહાકુંભમાં વિશ્વસ્તરીય વ્યવસ્થા કરી હોવાનો દાવો કરનારાઓએ ભાગદોડની ઘટનાની નૈતિક જવાબદારી સ્વિકારી રાજીનામું આપી દેવું જોઈએ. મહાકુંભનું વહિવટી તંત્ર અને વ્યવસ્થાપન ઉત્તર પ્રદેશ સરકારના બદલે તાત્કાલીક સેનાનો સોંપી દેવું જોઈએ.’








