લોકસભા ચૂંટણી : પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અનંતનાગ સીટ પરથી ચૂંટણી લડશે
Lok sabha Election 2024 : એક તરફ લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. બીજી તરફ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જ

Lok sabha Election 2024 : એક તરફ લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. બીજી તરફ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તી લોકસભા ચૂંટણી લડશે. આ અંગેની જાણકારી પાર્ટીએ રવિવારે આપી છે.
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(PDP)ના પ્રમુખ મહેબૂબા મુફ્તીની હાજરીમાં આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં મુફ્તીએ કહ્યું કે, ‘અમે કાશ્મીરની ત્રણેય બેઠકો પર ચૂંટણી લડીશું જ્યારે જમ્મુમાં કોંગ્રેસને સમર્થન આપીશું. વહીદ પારા શ્રીનગરથી અને ફૈયાઝ મીર બારામુલ્લાથી ચૂંટણી લડશે. વહીદ પારા પાર્ટીની યુવા પાંખના પ્રમુખ છે. જ્યારે મીર ફૈયાઝ રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય છે. મહેબૂબા મુફ્તી અનંતનાગ-રાજૌરી સીટ પરથી ચૂંટણી લડશે. આ બેઠક પર જ ગુલામ નબી આઝાદ ચૂંટણી લડી રહ્યા છે. પરિણામે મુફ્તી અને આઝાદ વચ્ચે જંગ જામશે.
જમ્મુ-કાશ્મીરમાં પાંચ તબક્કામાં મતદાન થશે
જમ્મુ-કાશ્મીરમાં પાંચ તબક્કામાં મતદાન થશે. 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં ઉધમપુર લોકસભા બેઠક પર મતદાન થશે. 26 એપ્રિલે બીજા તબક્કામાં જમ્મુ સીટ પર મતદાન થશે. અનંતનાગ સીટ પર ત્રીજા તબક્કામાં એટલે કે 7મી મેના રોજ મતદાન થશે. શ્રીનગર સીટ પર ચોથા તબક્કામાં 13મી મેના રોજ મતદાન થશે. બારામુલા સીટ પર પાંચમા તબક્કામાં 20મી મેના રોજ મતદાન થશે. પરિણામ 4 જૂને આવશે. જમ્મુ અને કાશ્મીરમાં લોકસભાની પાંચ બેઠકો છે.






