છત્તીસગઢ : રાયપુરમાં વીજળી વિભાગની સબ ડિવિઝન ઓફિસમાં વિકરાળ આગ, જીવ બચાવવા લોકોએ દોટ મૂકી
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં શુક્રવારે વીજળી વિભાગની સબ ડિવિઝન ઓફિસમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આગ

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં શુક્રવારે વીજળી વિભાગની સબ ડિવિઝન ઓફિસમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા કેટલાય કિલોમીટર દૂર સુધી દેખાતા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતા જ ફાયરવિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
રાયપુરમાં વિજળી વિભાગની સબ ડિવિઝન ઓફિસમાં આવેલા ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પરિણામે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
જો કે, ટ્રાન્સફોર્મરમાં તેલ બેરલમાં સતત વિસ્ફોટ થતાં આસપાસના લોકો ભયભીત થયા હતા અને જીવ બચાવવા ભાગવા લાગ્યા હતા. સ્થિતિ જોઈને પોલીસે સબ ડિવિઝન ઓફિસની આસપાસના રસ્તાઓ બંધ કરી દીધા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિની થઈ નથી. જો કે આમાં વીજ વિભાગને લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે. પ્રાથમિક દૃષ્ટિએ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાય છે. તપાસ બાદ જ સાચું કારણ જાણી શકાશે.






