નાગૌરમાં દિવાળી ટાણે મોટી હોનારત: ફટાકડાના ગોડાઉનમાં જોરદાર ધડાકો થતા બે લોકોના કમકમાટીભર્યા મોત

રાજસ્થાનના નાગૌરમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ થતાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. નાગૌરના બડલી વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. વિસ્ફોટની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.
બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત
મળતી માહિતી મુજબ, વિસ્ફોટમાં જીવ ગુમાવનારા બંને લોકો નાગૌર શહેરના બનબજારવાડા વિસ્તારના રહેવાસી હતા. બંનેના મૃતદેહ એમ્બ્યુલન્સ મારફતે જે.એલ.એન. હોસ્પિટલની મોર્ચરીમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં નાગૌર વર્તુળ અધિકારી જતિન જૈન, તહસીલદાર નરસિંહ ટાક અને કોતવાલી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિની જાણકારી મેળવવામાં આવી હતી.
વિસ્ફોટનું કારણ હજી સ્પષ્ટ નથી
ફટાકડાના ગોડાઉનમાં આટલો ભીષણ વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે હાલ વિસ્તૃત વિગતો સામે આવી નથી. વિસ્ફોટ પાછળનું ચોક્કસ કારણ પણ હજી જાણી શકાયું નથી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.






