મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મમતા સરકારે 42 ડોક્ટર-પ્રોફેસરોની કરી બદલી, કોલકાતા રેપ મર્ડર કેસમાં વિરોધ કરનારા ઉપર એક્શન

કોલકાતામાં ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાને લઈને સમગ્ર દેશમાં લોકો વિરોધ દર્શાવી રહ્યા છ

મમતા સરકારે 42 ડોક્ટર-પ્રોફેસરોની કરી બદલી, કોલકાતા રેપ મર્ડર કેસમાં વિરોધ કરનારા ઉપર એક્શન

કોલકાતામાં ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાને લઈને સમગ્ર દેશમાં લોકો વિરોધ દર્શાવી રહ્યા છે. દેશભરમાં ડોક્ટરોની હડતાળથી ગુસ્સાનું વાતાવરણ છે. આ દરમિયાન મમતા સરકારે એક ચોંકાવનારો નિર્ણય લેતા પશ્ચિમ બંગાળની વિવિધ મેડિકલ કોલેજો અને સરકારી હોસ્પિટલોમાં તૈનાત 42 જેટલા પ્રોફેસરો અને ડોક્ટરોની બદલી કરી દીધી છે. જેમાં એવા ડોકટરો અને પ્રોફેસરોનો પણ સમાવેશ છે જેઓએ આ મામલે અવાજ ઉઠાવ્યો હતો. 

ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના બની તે આરજી કાર મેડિકલ કોલેજના બે પ્રોફેસર ડોક્ટરોના નામ પણ આ ટ્રાન્સફર લિસ્ટમાં સામેલ છે. આ કેસનો વિરોધ કરી રહેલા ડોક્ટરોએ આ ટ્રાન્સફર પાછળ ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે. આરજી કાર હોસ્પિટલમાં તૈનાત ડો. સંગીતા પાલ અને ડો. સુપ્રિયા દાસનો સમાવેશ થાય છે. વિરોધ કરી રહેલા ડોક્ટર કિંજલ નંદાએ કહ્યું કે અમારા વિરોધને સમર્થન આપનારાઓની બદલી કરવામાં આવી છે. અમે આનો વિરોધ પણ કર્યો છે.

પશ્ચિમ બંગાળ સરકારના આ નિર્ણય પર ભાજપે પણ સવાલો ઉઠાવ્યા છે. BJP IT સેલના વડા અમિત માલવિયાએ X પર આ વિશે પોસ્ટ કરતા કહ્યું કે, 16 ઓગસ્ટે પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગે આઠ પાનાનું લાંબુ ટ્રાન્સફર લિસ્ટ બહાર પાડ્યું છે. આનાથી પરિસ્થિતિ વધુ મુશ્કેલ બનાવશે. મમતા બેનર્જીનો ટાર્ગેટ મેડિકલ કોલેજ કોલકાતા અને કલકત્તા નેશનલ મેડિકલ કોલેજ છે કારણ કે આ બંને કોલેજો વિરોધના મુખ્ય કેન્દ્રો છે. આ બે પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી અત્યાર સુધીમાં પાંચ પ્રોફેસરોની બદલી કરવામાં આવી છે. તેમને સિલીગુડી, તુમલુક અને ઝારગ્રામ મોકલવામાં આવ્યા છે.

મમતા સરકારે સ્પષ્ટ કર્યું નથી કે શા માટે આટલા મોટા પાયે તાત્કાલિક બદલીઓ કરાઈ છે. બીજેપી નેતાએ સવાલ ઉઠાવ્યો કે મમતા બેનર્જી શું છુપાવવાનો પ્રયાસ કરી રહી છે?  અલગ-અલગ યુનિવર્સિટીના સિનિયર પ્રોફેસરો સામે આવી કાર્યવાહી કરવા પાછળ શું ષડયંત્ર છે તેની અમને ખબર નથી. તેની બદલી કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો