VIDEO: 'દોસ્ત દોસ્ત ના રહા...' મલેશિયન PMએ ભારતથી પરત ફરતા પિયાનો પર ગાયા બોલીવૂડ સોંગ
ભારતના પ્રવાસે આવેલા મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ ઘણા લોકોને મળ્યા હતા. તેઓ વડાપ્

ભારતના પ્રવાસે આવેલા મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ ઘણા લોકોને મળ્યા હતા. તેઓ વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વખત ભારત આવ્યા હતા. આ દરમિયાન પીએમ ઈબ્રાહિમ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે 22 ઓગસ્ટે દિલ્હીથી વિદાય લેતી વખતે ક્લાસિક બોલિવૂડ ગીત 'દોસ્ત દોસ્ત ના રહા' ગીત ગાયું હતું.
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર મલેશિયાના પીએમ અનવર ઈબ્રાહિમ તેમના સત્તાવાર ત્રણ દિવસીય પ્રવાસે આવ્યા હતા. જ્યાં બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
મલેશિયાના પીએમ અનવર ઈબ્રાહિમ 19 ઓગસ્ટે તેમની પ્રથમ ભારત મુલાકાતે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. બંને નેતાઓ ભાજપ અને મલેશિયાની પીપલ્સ જસ્ટિસ પાર્ટી વચ્ચે આદાનપ્રદાનની સુવિધા આપીને બંને પક્ષો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા સંમત થયા હતા. બંને નેતાઓની આ મુલાકાત ‘Know BJP’ પહેલના ભાગરૂપે થઈ હતી. આ સિવાય તેઓ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને પણ મળ્યા હતા.
અનવર ઇબ્રાહિમે મંગળવારે સંકેત આપ્યો હતો કે, જો ભારત સરકાર વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઇક વિરુદ્ધ પુરાવા આપશે તો તેમની સરકાર તેને પ્રત્યાર્પણ કરવાના ભારતના અનુરોધ પર વિચાર કરી શકે છે. 'ઇન્ડિયન કાઉન્સિલ ઑફ વર્લ્ડ અફેર્સ'માં સત્ર દરમિયાન, ઇબ્રાહિમે કહ્યું કે આ મુદ્દાને કારણે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના વિસ્તરણમાં કોઈ મડાગાંઠ સર્જવી જોઈએ નહીં.
ભારત અને મલેશિયા વચ્ચે વેપાર, રોકાણ, સંરક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રો પર ઉંડાણપૂર્વક વાતચીત થઈ હતી. બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે લઈ જવા પ્રયાસો કરશે. બંને દેશના નેતાઓએ ઓછામાં ઓછા આઠ કરારો પર હસ્તાક્ષર કર્યા, જેમાંથી એક મલેશિયામાં ભારતીય કામદારોની ભરતીને પ્રોત્સાહન આપવા અને તેમના હિતોનું રક્ષણ કરવા સંબંધિત છે. મલેશિયાના વડાપ્રધાન તરીકે મહાથિર મોહમ્મદના કાર્યકાળ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોમાં થોડી મડાગાંઠ આવી હતી.






