દિલ્હીમાં પાકિસ્તાન સમર્થિત મોટા આતંકી નેટવર્કનો પર્દાફાશ: સ્પેશિયલ સેલે 7 આરોપીઓને ઝડપ્યા!

દિલ્હી પોલીસની સ્પેશલ સેલ દ્વારા પાકિસ્તાન સમર્થિત એક મોટા આતંકી અને ગુનાહિત નેટવર્કનો પર્દાફાશ કરતા 7 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ નેટવર્ક પાકિસ્તાનમાં બેઠેલા શાહઝાદ ભટ્ટી અને તેના સહયોગી અજમલ ગુજ્જરના ઈશારે ઓપરેટ થઈ રહ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ પંજાબના રસ્તે પાકિસ્તાનથી ગેરકાયદેસર હથિયારો, કારતૂસ અને નશીલા પદાર્થો મંગાવીને દિલ્હી-NCRમાં તેની સપ્લાય કરતી હતી.
નેટવર્કમાં કેવી રીતે થતી હતી ભરતી?
આ ઓપરેશન દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી પાંચ પિસ્તોલ, 41 જીવતા કારતૂસ, સાત મોબાઈલ ફોન અને એક સ્કોર્પિયો કાર જપ્ત કરી છે. સ્પેશિયલ સેલના જણાવ્યા મુજબ, આ ગેંગ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને પોતાની જાળમાં ફસાવતી હતી. યુવાનોને રાતોરાત પૈસા કમાવવાની અને ગુનાખોરીની દુનિયાની ચકાચૌંધની લાલચ આપીને આતંકી નેટવર્કમાં સામેલ કરવામાં આવતા હતા. ત્યારબાદ તેમની પાસે હથિયારો અને ડ્રગ્સની તસ્કરી જેવા ગુનાહિત કામો કરાવવામાં આવતા હતા.
પોલીસને મે 2026માં ગુપ્ત માહિતી મળી હતી કે, શાહઝાદ ભટ્ટી અને અજમલ ગુજ્જર દિલ્હી-NCRમાં કોઈ મોટી ગુનાહિત અને આતંકી વારદાતને અંજામ આપવાનું કાવતરું ઘડી રહ્યા છે. આ માહિતીના આધારે શરૂ કરાયેલી તપાસ દરમિયાન પોલીસે મોહિત ઉર્ફે યોગી નામના આરોપીની ધરપકડ કરી હતી. તેની પાસેથી ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા હતા અને પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ સાથે તેમના સંપર્કના પુરાવા પણ મળ્યા હતા.
આ ગેંગની પૂછપરછ દરમિયાન એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ ગેંગના સભ્યો દિલ્હી, ગાઝિયાબાદ અને આસપાસના કેટલાય સંવેદનશીલ અને મહત્વના સ્થળોની રેકી કરી રહ્યા હતા. આ સ્થળોના ફોટા અને વીડિયો પાકિસ્તાનમાં બેઠેલા આકાઓને મોકલવામાં આવી રહ્યા હતા. પોલીસનું કહેવું છે કે યોગ્ય સમયે કરવામાં આવેલી કાર્યવાહીને કારણે મોટી આતંકી આશંકાઓ અને કાવતરાંને નિષ્ફળ બનાવી દેવાયા છે. આરોપીઓ ડ્રોન દ્વારા પાકિસ્તાનથી મોકલવામાં આવેલા હથિયારો અને ડ્રગ્સના જથ્થાને પંજાબથી લઈને દિલ્હી-NCR સુધી પહોંચાડવાનું કામ કરતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આ નેટવર્ક સાથે જોડાયેલા કેટલાક આરોપીઓ પર અગાઉથી જ હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટફાટ, આર્મ્સ એક્ટ અને NDPS એક્ટ હેઠળ કેટલાય ગુનાઓ નોંધાયેલા છે. દિલ્હી પોલીસ હવે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય ફરાર આરોપીઓ, હથિયાર સપ્લાયર્સ અને ફંડિંગ કરનારા લોકોની શોધખોળ કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આ મામલે તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં આ નેટવર્કને લઈને ઘણા મોટા ખુલાસા થઈ શકે છે.

