મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હિન્દુ વિવાહ એક્ટ હેઠળ લગ્ન અમાન્ય હોય તો ભરણપોષણ માંગી શકાય: સુપ્રીમ કોર્ટ

હિન્દુ વિવાહ એક્ટ 1955 હેઠળ અમાન્ય જાહેર થતાં લગ્નમાં પણ બંને પક્ષોને ગુજરાન ભ

હિન્દુ વિવાહ એક્ટ હેઠળ લગ્ન અમાન્ય હોય તો ભરણપોષણ માંગી શકાય: સુપ્રીમ કોર્ટ

હિન્દુ વિવાહ એક્ટ 1955 હેઠળ અમાન્ય જાહેર થતાં લગ્નમાં પણ બંને પક્ષોને ગુજરાન ભથ્થું માગવાનો હક હોવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના એક ચુકાદામાં પત્ની માટે રખાત શબ્દનો ઉપયોગ કરવા બદલ પણ ટીકા કરતાં કહ્યું હતું કે, ‘આ ટીપ્પણી મહિલાઓ વિરૂદ્ધ ભેદભાવપૂર્ણ અને અયોગ્ય ટીપ્પણી છે.’

જસ્ટિસ એ.એસ. ઓકા, જસ્ટિસ આહસાનુદ્દીન અમાનુલ્લા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચે જણાવ્યું હતું કે, ‘જો કોઈ વિવાદને 1995 એક્ટની કલમ 11 હેઠળ ગેરકાયદે જાહેર કરવામાં આવે તો તે વિવાહમાં સામેલ બંને પક્ષોને એક-બીજા પર એક્ટની કલમ 25 હેઠળ સ્થાયી ગુજરાન ભથ્થુ તથા ભરણ-પોષણનો દાવો કરવાનો હક છે.’
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘આ કિસ્સામાં તથ્યો અને પક્ષોના આચરણના આધારે સ્થાયી ગુજરાન ભથ્થાં અંગે નિર્ણય લેવાશે. કલમ 25 હેઠળ રાહત આપવી હંમેશા ન્યાયિક વિવેક પર નિર્ભર છે.’

વચગાળાનું ભરણ-પોષણ પણ લઈ શકશે

હિન્દુ વિવાદ એક્ટ હેઠળ વચગાળાના ભરણ-પોષણના સવાલ પર ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘જો કોઈ કોર્ટ બંનેના વિવાહને ગેરકાયદે કે અમાન્ય જાહેર કરે અથવા તો રદ કરે તો પણ 1955 એક્ટ હેઠળ ચાલુ કેસની અંતિમ પતાવટ સુધી કોર્ટ વચગાળાનું ભરણ-પોષણ આપી શકે છે. જો કે, તેમાં પક્ષકારોનું આચરણ ધ્યાનમાં લેવાશે. કારણકે, રાહત આપવી હંમેશા ન્યાયિક વિવેક પર નિર્ભર છે.’

ગેરમાન્ય ઠરેલા લગ્નોમાં પત્ની માટે આ શબ્દનો ઉપયોગ અપમાનજનક

સુપ્રીમ કોર્ટે ગેરમાન્ય ઠરેલા લગ્નોમાં પત્ની માટે 'રખાત' જેવા શબ્દોના ઉપયોગ કરવા બદલ આકરી ટીકા કરતાં કહ્યું કે, ‘કોઈ વિવાહને ગેરમાન્ય જાહેર કરવામાં આવે ત્યારે પત્નીને આ રીતે સંબોધવી યોગ્ય નથી. તેનાથી સંબંધિત મહિલાની ગરિમા પર અસર કરે છે. દુર્ભાગ્યવશ બોમ્બે હાઈકોર્ટે  પત્ની માટે રખાત જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.’

આ સમાચાર શેર કરો