VIDEO: મહારાષ્ટ્ર સરકારે પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે યોજાતી હિન્દી ભાષાની પરીક્ષા રદ કરી, શું રાજકીય દબાણમાં લેવાયો નિર્ણય?
મહારાષ્ટ્રમાં ઓટો અને ટેક્સી ડ્રાઇવરો માટે મરાઠી ભાષા ફરજિયાત કરવાના વિવાદ વચ્ચે રાજ્ય સરકારે હિન્દી ભાષાને લઈને એક મોટો નિર્ણય લીધો છે. સરકારે પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે યોજાતી હિન્દી ભાષાની પરીક્ષા રદ કરી દીધી છે. આ સાથે જ 50 વર્ષ જૂનો એ નિયમ પણ બંધ થઈ ગયો છે, જેમાં અમુક સરકારી કર્મચારીઓ માટે હિન્દી પરીક્ષા પાસ કરવી જરૂરી હતી. નોંધનીય છે કે, ગયા અઠવાડિયે જ ફડણવીસ સરકારે ડ્રાઇવરોને મરાઠી ભાષા શીખવા માટે એક વર્ષનો સમય આપીને વિવાદ શાંત પાડ્યો હતો.
શું રાજકીય દબાણમાં લેવાયો નિર્ણય?
મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણય બાદ હવે અધિકારીઓ અને કર્મચારીઓને નોકરીમાં પગાર વધારો કે પ્રમોશન મેળવવા માટે હિન્દી ભાષાની પરીક્ષા પાસ કરવાની જરૂર રહેશે નહીં. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે સરકારે આ નિર્ણય કેમ લેવો પડ્યો? આ સમગ્ર મામલો જૂન 2026માં સામે આવ્યો હતો, જ્યારે ભાષા સંચાલનાલય દ્વારા સરકારી કર્મચારીઓ માટે 28 જૂનના રોજ હિન્દી ભાષાની પરીક્ષા યોજવાની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત થતાં જ મહારાષ્ટ્રના વિવિધ રાજકીય પક્ષો અને મરાઠી ભાષા સાથે જોડાયેલા સંગઠનોએ તેનો ભારે વિરોધ શરૂ કર્યો હતો.
MNS અને શિવસેના (UBT)નો સખત વિરોધ
વહીવટમાં મરાઠી અને અંગ્રેજીનો ઉપયોગ
રાજકીય ઘમાસાણ બાદ સરકારે વર્ષ 1976થી ચાલી આવતી હિન્દી પરીક્ષાની વ્યવસ્થાને પાંચ દાયકા પછી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. સરકારે આ નિર્ણય 7 મે, 2026થી લાગુ કર્યો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે મહારાષ્ટ્રની અંદર તમામ વહીવટી કામકાજ મરાઠી ભાષામાં થાય છે, જ્યારે અન્ય રાજ્યો સાથેનો અધિકૃત પત્રવ્યવહાર અંગ્રેજીમાં કરવામાં આવે છે. આથી સરકારી કર્મચારીઓ પર અલગથી હિન્દી પરીક્ષા લાદવાનું કોઈ કારણ બનતું નથી. સરકારના આ નિર્ણયથી મહારાષ્ટ્રના રાજકારણમાં મરાઠી અસ્મિતાનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.

