VIDEO: "શું મંત્રીઓ પોતાના બાળકોને એક્સપાયરી ડેટવાળો ખોરાક ખવડાવે છે?" અભિજિત દીપકે સરકારી સ્કૂલોની બદહાલ સ્થિતિ પર ઉઠાવ્યા આકરા સવાલ!
મહારાષ્ટ્રના હિંગોલી વિસ્તારની સરકારી શાળાઓમાં બાળકોના આરોગ્ય અને પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થાની કથળેલી સ્થિતિ સામે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે સરકારી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન (મિડ-ડે મીલ) માટે એક્સપાયર્ડ ખાદ્યસામગ્રીના ઉપયોગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવ અંગે પ્રશાસન તથા સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે.
6-7 મહિના જૂનો એક્સપાયર્ડ ખોરાક આપવાનો આરોપ
અભિજિત દીપકે સ્થળ મુલાકાત બાદ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, "આજે સવારે મેં જે જોયું તેનાથી મને ખૂબ જ આઘાત લાગ્યો છે. મધ્યાહ્ન ભોજન માટે વપરાતી ખાદ્યસામગ્રી સંપૂર્ણપણે એક્સપાયર થઈ ગઈ હતી—તેની મુદત છ થી સાત મહિના પહેલાં જ પૂરી થઈ ચૂકી હતી. હું મંત્રીઓ, ધારાસભ્યો અને જવાબદાર અધિકારીઓને પૂછવા માંગુ છું કે શું તેઓ પોતાના બાળકોને આવો એક્સપાયરી ડેટવાળો ખોરાક ખવડાવે છે?"
પીવાનું પાણી, શૌચાલય અને બેન્ચનો પણ અભાવ
શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓની દુર્દશા વર્ણવતા તેમણે જણાવ્યું કે, આટલા વર્ષો પછી પણ જો દેશની સરકારી શાળાઓમાં બાળકોને પીવાનું શુદ્ધ પાણી, ઉપયોગ યોગ્ય શૌચાલય ન મળે અને બેન્ચના અભાવે જમીન પર બેસવું પડે, તો સરકારે શું વિકાસ કર્યો છે? શાળાઓમાં બાળકોને બેસવા માટે બેન્ચ નથી અને પૂરતા શિક્ષકો પણ હાજર નથી. કડોલી ગામની મુલાકાતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ત્યાં આવેલી શાળાની ઇમારત 1950માં બની હતી અને ત્યારથી આજ સુધી તેના સમારકામ કે સુધારા માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી.
"માત્ર સત્તા મેળવવી જ પ્રાથમિકતા"
અભિજિત દીપકે રોષ વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે સરકાર બાળકોને પૂરતો ટેકો આપશે અને સારી શાળાઓ બનાવશે ત્યારે જ તેઓ જીવનમાં આગળ વધી શકશે. પરંતુ હાલના શાસકો માટે માત્ર કોઈ પણ ભોગે સત્તા મેળવવી એ જ એકમાત્ર પ્રાથમિકતા બની ગઈ છે. આ ચોંકાવનારા ઘટસ્ફોટ બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે.

