હોટલમાં પ્રેમ, લગ્ન અને પછી 17 વર્ષની જુદાઈ... જાણો જમ્મુ-કાશ્મીરના CMના છૂટાછેડાની ઇનસાઇડ સ્ટોરી!

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને તેમના પત્ની પાયલ અબ્દુલ્લા વચ્ચે છેલ્લા 17 વર્ષથી ચાલતા વિવાહિત વિવાદ આખરે શાંત પડી ગયો છે. દેશની સર્વોચ્ચ અદાલતે બંનેની પરસ્પર સંમતિથી છૂટાછેડા (તલાક) લેવાના નિર્ણય પર પોતાની આખરી મહોર લગાવી દીધી છે. આ સાથે જ બંને પક્ષોએ એકબીજા સામે દાખલ કરેલા તમામ કાનૂની કેસો પાછા ખેંચવા અંગે પણ સહમતિ દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે બંને છેલ્લા 17 વર્ષથી એકબીજાથી અલગ રહી રહ્યા હતા.
સંવિધાનની કલમ 142નો ઉપયોગ કરીને કોર્ટે આદેશ આપ્યો
સુનાવણી દરમિયાન વરિષ્ઠ એડવોકેટ કપીલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે બંને પક્ષોએ હવે સ્વતંત્ર રીતે આગળ વધવાનો અને શાંતિપૂર્ણ રસ્તો પસંદ કર્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જસ્ટિસ પી. એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક અરાધેની પીઠે સંવિધાનના Article 142 હેઠળ પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને આ લાંબા સમયથી ચાલતા કેસનો કાયમી નિકાલ કર્યો હતો.
1994માં થયા હતા લગ્ન: પ્રેમના બંધનથી કાનૂની લડાઈ સુધીની સફર
ઉમર અબ્દુલ્લા અને પાયલની પ્રથમ મુલાકાત દિલ્હીની પ્રખ્યાત ઓબેરોય હોટેલમાં થઈ હતી, જ્યાં બંને સાથે કામ કરતા હતા. આ સમયગાળા દરમિયાન તેમનો પ્રેમ પાંગર્યો હતો અને સપ્ટેમ્બર 1994માં બંને લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ દંપતીને બે પુત્રો પણ છે. જોકે, વૈવાહિક જીવનમાં મતભેદો ઊભા થતાં વર્ષ 2009 થી જ બંને અલગ રહેવા લાગ્યા હતા. ત્યારબાદ ૨૦૧૧માં ઉમર અબ્દુલ્લાએ જાહેરમાં પોતાના અલગ થવાની ઘોષણા કરી દીધી હતી.
નીચલી અદાલતોમાં કેસ રદ થયા બાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો મામલો
ઉમર અબ્દુલ્લાએ શરૂઆતમાં પત્ની દ્વારા કથિત "ક્રૂરતા" (Cruelty)ના આધાર પર છૂટાછેડા માંગ્યા હતા. પરંતુ ફેમિલી કોર્ટે તેમની આ દલીલને ફગાવી દેતાં કહ્યું હતું કે તેઓ આ આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. ફેમિલી કોર્ટના આ આદેશને ઉમર અબ્દુલ્લાએ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ ડિસેમ્બર 2023માં દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેંચે પણ નીચલી કોર્ટના આદેશને યથાવત રાખી અરજી ફગાવી દીધી હતી.
દિલ્હી હાઈકોર્ટે ઉમર અબ્દુલ્લાને પત્ની પાયલને દર મહિને ₹1.5 લાખનું ગુજારા ભથ્થું (Alimony) અને પુત્રના અભ્યાસ માટે દર મહિને ₹60,000 ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટના આ ચુકાદા બાદ તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા, જ્યાં આખરે પરસ્પર સંમતિથી બંને કાયદેસર રીતે અલગ થઈ ગયા છે.

