Video: ઉત્તરાખંડમાં વાન ખીણમાં ખાબકી, 8 લોકોના મોત

ઉત્તરાખંડના પૌડી જિલ્લાના રિખાનીખાલ બ્લોકમાં શનિવારે ભયાનક માર્ગ અકસ્માત થયો છે. રિખાનીખાલ-સતપુલી મોટર માર્ગ પર કલવાડી ગામ નજીક એક વાન બેકાબૂ થઈને લગભગ 300 ફૂટ નીચે ખીણમાં ખાબકી ગઈ. આ ઘટનામાં કુલ 8 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે, જેમાં વાહનચાલક અને સાત મહિલાઓનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલી એક મહિલાએ રિખાનીખાલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો. વાહનમાં લગભગ 12 લોકો સવાર હોવાની માહિતી છે. અન્ય ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને એરલિફ્ટ કરીને એઈમ્સ ઋષિકેશ મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે.
રિખાનીખાલ બ્લોકના કોટનાલી ભંગળવાણની સ્વયં સહાયતા સમૂહ સાથે જોડાયેલી મહિલાઓ બેંક સંબંધિત કામ માટે રિખાનીખાલ ગઈ હતી. કામ પૂરું કરીને તેઓ ઇકો વાનમાં પોતાના ગામ પરત ફરી રહી હતી. આ દરમિયાન કલવાડી ગામ નજીક વાહન બેકાબૂ થઈને રસ્તાથી લગભગ 300 ફૂટ નીચે ખીણમાં ખાબક્યું.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો સૌથી પહેલા ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. ત્યારબાદ સૂચના મળતા જ રિખાનીખાલ, લેન્સડોન અને કોટદ્વારથી વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી હાથ ધરી. આ અકસ્માતમાં 7 મહિલા અને ડ્રાઈવરના મૃતદેહ રિકવર કરવામાં આવ્યાં. જ્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં.















