Video: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં પ્રવાસી બસ પલટી; કૈલાસગિરીથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આબાદ બચાવ, મોટી દુર્ઘટના ટળી

સોર્સ: gstv

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં શાળાના પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓની બસને અકસ્માત નડતા અફરાતફરી મચી ગઈ હતી. પ્રખ્યાત પર્યટન સ્થળ કૈલાસગિરીથી પરત ફરી રહેલી આ બસ અચાનક રસ્તાની બાજુમાં લપસીને પલટી ગઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફનો આબાદ બચાવ થયો છે. 

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરના અરિલોવા પોલીસ સ્ટેશનની હદમાં આવતા કૈલાસગિરી નજીક આ અકસ્માત સર્જાયો હતો. પીઠાપુરમથી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું એક જૂથ વિશાખાપટ્ટનમના જાણીતા પર્યટન સ્થળ કૈલાસગિરી ખાતે પ્રવાસે આવ્યું હતું. પ્રવાસ પૂર્ણ કરીને જ્યારે આ બસ કૈલાસગિરીના ઢોળાવવાળા રસ્તા પરથી નીચે ઉતરી રહી હતી અને પીઠાપુરમ પરત ફરી રહી હતી, ત્યારે અચાનક બસ રસ્તાની બાજુમાં લપસી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં લગભગ ૩૨ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત કુલ ૩૭ જેટલા સભ્યો મુસાફરી કરી રહ્યા હતા. બસ પલટી જતા ઘટનાસ્થળે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ સ્થાનિક લોકો અને પોલીસ તંત્રની ત્વરિત કામગીરીને કારણે બસમાં ફસાયેલા તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા હતા, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી હતી.

જાહેરાત

ઘટનાની જાણ થતાં જ વિશાખાપટ્ટનમના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. વિશાખાપટ્ટનમના ડેપ્યુટી પોલીસ કમિશનર નરસિંહ મૂર્તિએ સમગ્ર ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કૈલાસગિરી પરથી નીચે ઉતરતી વખતે બસ રસ્તાની બાજુમાં લપસી ગઈ હતી, પરંતુ સદનસીબે બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને કોઈપણ જાનહાનિ વિના સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓ અને એક શિક્ષકને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે. બીજી તરફ, વિશાખાપટ્ટનમના સહાયક પોલીસ કમિશનર મલ્લેશ્વર રાવે પણ પુષ્ટિ કરી હતી કે બસમાં કુલ ૩૭ સભ્યો હતા, જેમાંથી શિક્ષક અને વિદ્યાર્થીઓને માત્ર નાની-મોટી ઈજાઓ થઈ છે, જ્યારે બાકીના તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે.

પહાડી અને ઢોળાવવાળા પર્યટન સ્થળો પર પ્રવાસી વાહનોની સુરક્ષા અને ડ્રાઈવરની સાવચેતી કેટલી અનિવાર્ય છે, તે આ ઘટના પરથી ફરી એકવાર સ્પષ્ટ થાય છે. વિશાખાપટ્ટનમમાં સર્જાયેલા આ બસ અકસ્માતમાં તંત્રની સમયસૂચકતા અને સદનસીબે કોઈ મોટી જાનહાનિ ન થતા વાલીઓ અને વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત