14 કલાક પછી FIR કેમ? કોલકાતા રેપ કાંડ મામલે સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારને પૂછ્યો સવાલ
સુપ્રીમ કોર્ટમાં કોલકાતા રેપ-મર્ડર કેસમાં સુનાવણી યોજાઇ હતી. કોર્ટે આ દરમિયાન ડૉક્ટરોને કામ પર પરત ફરવાની અપીલ કરી

સુપ્રીમ કોર્ટમાં કોલકાતા રેપ-મર્ડર કેસમાં સુનાવણી યોજાઇ હતી. કોર્ટે આ દરમિયાન ડૉક્ટરોને કામ પર પરત ફરવાની અપીલ કરી હતી અને આશ્વાસન આપ્યું હતું કે હોસ્પિટલમાં ડોક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. કોર્ટે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નેતૃત્ત્વ ધરાવતી સરકાર દ્વારા કેસમાં બેદરકારીને લઇને પણ ફટકાર લગાવી હતી.
સંદીપ ઘોષનો પોલીગ્રાફ ટેસ્ટ થશે
સુપ્રીમ કોર્ટે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપલ સંદીપ ઘોષનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા માટે CBI કોર્ટને આદેશ આપ્યા છે. કહેવામાં આવ્યું કે CBI કોર્ટ 23 ઓગસ્ટ સાંજે પાંચ વાગ્યા સુધી ઘોષના પોલીગ્રાફ ટેસ્ટને મંજૂરી આપી છે.
14 કલાક પછી કેમ ફરિયાદ થઇ
કોલકાતા કાંડ પર લંચ બાદ ફરી સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સવાલ ઉભા કર્યા છે. કોર્ટનું કહેવું છે કે આ ઘટનામાં 14 કલાક પછી ફરિયાદ કેમ નોંધવામાં આવી? આ સાથે જ કોર્ટે પ્રિન્સિપલને બીજી જગ્યાએ નિયુક્તિ પર પણ સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે પશ્ચિમ બંગાળના વકીલ કપિલ સિબ્બલને પૂછ્યું કે જ્યારે પ્રિન્સિપલને તે કોલેજમાંથી હટાવવામાં આવ્યા તો બીજી જગ્યાએ પ્રિન્સિપલ કેમ બનાવવામાં આવ્યા? CJI ચંદ્રચુડે કહ્યું કે રાત્રે 11.30 વાગ્યે ફરિયાદ નોંધવાને યોગ્ય ઠેરવી ના શકાય જ્યારે શબ પહેલા જ જપ્ત કરવામાં આવ્યો હતો. CJIએ કહ્યું કે 14 કલાક પછી ફરિયાદ નોંધવાનું શું કારણ છે? જેના પર કપિલ સિબ્બલે કહ્યું કે, પીડિતાના માતા-પિતાએ કહ્યું હતું કે જ્યારે અમે ઔપચારિક ફરિયાદ આપીશું ત્યારે ફરિયાદ નોંધવામાં આવે.
કોલકાતા રેપ કાંડની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની ધરાવતી પીઠ સુનાવણી કરતી હતી. આ દરમિયાન CJIએ ખુદ સાથે જોડાયેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે પણ એક સરકારી હોસ્પિટલના ફર્શ પર ઉંઘેલા છે.
CBIએ સ્ટેટસ રિપોર્ટમાં કર્યા કેટલાક ખુલાસા
CBIએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સ્ટેટસ રિપોર્ટમાં કહ્યું કે આ આખી ઘટનાને લઇને હોસ્પિટલ તંત્રનું વલણ ઉદાસીન રહ્યું છે. ઘટનાની સૂચના પીડિતાના પરિવારજનોને મોડી આપવામાં આવી હતી. પરિવારને પહેલા સુસાઇડના સમાચાર આપવામાં આવ્યા. મર્ડરને સુસાઇડ ગણાવવાનો પ્રયાસ શંકા ઉભી કરે છે. ઘટના પર પરદો નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કોર્ટે પણ કહ્યું કે પોલીસ ડાયરી અને પોસ્ટમોર્ટમના સમયમાં અંતર છે. આરોપીની મેડિકલ તપાસ પર પણ કોર્ટે સવાલ ઉઠાવ્યા છે.
30 વર્ષમાં આવો કેસ નથી જોયો- જસ્ટિસ પારડીવાલા
કોલકાતાની ઘટના પર જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે કેસ ચોકાવનારો છે. અમે છેલ્લા 30 વર્ષમાં આવો કેસ જોયો નથી. આખી ઘટના આઘાત આપનારી છે. બંગાળ પોલીસનો વ્યવહાર શરમજનક છે.
હડતાળ પર ગયેલા ડૉક્ટરોએ કામ પર પરત ફરવું પડશે
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે ડૉક્ટરોએ કામ પર પરત ફરવું પડશે. લોકો તમારી રાહ જોઇ રહ્યાં છે. ડૉક્ટરોની હડતાળને કારણે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રભાવિત થશે.ડૉક્ટરો વિરૂદ્ધ કોઇ પણ રીતની કાર્યવાહી નહીં થાય. અમે સમજીએ છીએ કે તે અપસેટ છે પરંતુ તમારે કામ પર પરત ફરવું પડશે. ડૉક્ટરોએ કોર્ટને જણાવ્યું હતું કે પ્રોટેસ્ટમાં સામેલ હોવાને કારણે તેમને હેરાન કરવામાં આવી રહ્યાં છે.
સુપ્રીમ કોર્ટે CBI પાસે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો
સુપ્રીમ કોર્ટે કોલકાતા રેપ કેસમાં સુઓમોટો લેતા 20 ઓગસ્ટે સુનાવણી કરી હતી. આ દરમિયાન કોર્ટે CBIને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કોલકાતા હોસ્પિટલમાં તોડફોડની ઘટનાને લઇને બંગાળ સરકારને પણ ફટકાર લગાવી હતી.
સંદીપ ઘોષની CBIએ 75 કલાક પૂછપરછ કરી
કોલકાતા આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપલ ડૉ. સંદીપ ઘોષની CBIએ 75 કલાક પૂછપરછ કરી હતી. આરજી મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરવામાં આવી હતી.








