કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસમાં CBIની મોટી કાર્યવાહી, આરજી કરના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને SHOની ધરપકડ
Kolkata doctor-rape murder case: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી મહિલા ડોક્ટર સ

Kolkata doctor-rape murder case: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં CBIએ મોટી કાર્યવાહી કરી છે. CBIએ મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને કોલકાતા પોલીસના SHO અભિજીત મંડલની ધરપકડ કરી છે. અગાઉ ડૉ.સંદીપ ઘોષની નાણાકીય છેતરપિંડી અને ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
સંદીપ ઘોષ સાથે અભિજીત મંડલની પણ ધરપકડ
હવે CBIએ કોલકાતા બળાત્કાર અને હત્યા કેસમાં FIR નોંધવામાં વિલંબ અને પુરાવા ગાયબ થવા બદલ ડૉ.સંદીપ ઘોષની ધરપકડ કરી છે. ઘોષની સાથે CBIએ SHO અભિજીત મંડલની પણ ધરપકડ કરી છે. અભિજીત મંડલ તાલા પોલીસ સ્ટેશનમાં સ્ટેશન હાઉસ ઓફિસર તરીકે તૈનાત છે.
નાશ કરવા અને તપાસને ગેરમાર્ગે દોરવાના આરોપમાં ધરપકડ
સૂત્રોના જણાવ્યા અનુસાર સંદીપ ઘોષ અને અભિજીત મંડલની પુરાવાનો નાશ કરવા અને તપાસને ગેરમાર્ગે દોરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સંદીપ ઘોષની અગાઉ આરજી કર કોલેજ અને હોસ્પિટલમાં કથિત નાણાકીય અનિયમિતતા સંબંધિત એક અલગ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
17 સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરાશે રિપોર્ટ
CBIએ સંદીપ ઘોષનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરાવ્યો હતો. કોલકત્તા હાઈકોર્ટે ગયા મહિને આરજી કર હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની તપાસ અંગે પ્રગતિ અહેવાલ રજૂ કરવા માટે CBIને ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો હતો. આ રિપોર્ટ 17 સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
9 ઓગસ્ટે બની હતી ઘટના
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં 9 ઓગસ્ટે 31 વર્ષીય મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હત્યા કરતા પહેલા પીડિતા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટનાના એક દિવસ બાદ કોલકાતા પોલીસે આરોપી સંજય રોયની ધરપકડ કરી હતી.








