કોલકાતા રેપ-મર્ડર કેસ: રેસિડેન્ટ ડોક્ટર્સના સંગઠને સમગ્ર દેશમાં હડતાળની કરી જાહેરાત
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં લેડી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો હવે જોર

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં લેડી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો હવે જોર પકડી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટર્સના સંગઠન 'ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન'એ 12 ઓગસ્ટથી સમગ્ર દેશમાં હડતાળની જાહેરાત કરી છે. તેમણે તમામ સરકારી હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશનને આ હડતાળમાં જોડાવા હાકલ કરી છે. આ સમયગાળા દરમિયાન ઓપીડી, વૈકલ્પિક સર્જરી અને લેબમાં કામ બંધ રહેશે.
આરજી કર મેડિકલ કોલેજના જુનિયર ડોકટરો પણ પીડિતાને ન્યાયની માંગ સાથે સતત વિરોધ કરી રહ્યા છે. જુનિયર ડોક્ટર્સનું કહેવું છે કે પોલીસે માત્ર એક જ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ઘણા લોકો પણ આ જઘન્ય ઘટનામાં સામેલ હોઈ શકે છે. તેમનો દાવો છે કે આરોપી સંજય રોયની ધરપકડ પાછળ જાણીજોઈને કોઈ મોટી વાત છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હજુ સુધી ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ જોવા દેવામાં આવ્યા નથી.
મેડિકલ કોલેજના સુપરિન્ટેન્ડેન્ટને પદ પરથી હટાવવાયા
આ જઘન્ય ઘટના બાદ આરોગ્ય વિભાગે આરજી કર મેડિકલ કોલેજના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. સંજય વશિષ્ઠને હટાવવાનો આદેશ આપ્યો છે. તેમના સ્થાને હોસ્પિટલના ડીન બુલબુલ મુખોપાધ્યાયને જવાબદારી સોંપવામાં આવી છે. શુક્રવારે લેડી ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો ત્યારથી જ સુપ્રિટેન્ડેન્ટને હટાવવાની માંગ ઉઠી હતી. પરંતુ 48 કલાક બાદ આરોગ્ય વિભાગે તેમને હટાવવાનો આદેશ જારી કર્યો હતો.
આરોપીને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયો
કોલકાતા પોલીસે શનિવારે એક આરોપી સંજય રોયની ધરપકડ કરી હતી. જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. પરિણામે 23 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે, જ્યાં તેની આ કેસ અંગે પૂછપરછ કરવામાં આવશે.








