Ratan Tata : અબજોપતિ હોવા છતાં જીવતા હતા સાદું જીવન, જાણો રતન ટાટા સાથે જોડાયેલી ખાસ વાતો
Ratan Tata passes away : રતન ટાટાએ તેમના જીવનમાં ઘણી એવી સિદ્ધિઓ હાંસલ કરી છે, જે આજ સુધી કોઈ કરી શક્યું નથી.

Ratan Tata passes away : રતન ટાટાએ તેમના જીવનમાં ઘણી એવી સિદ્ધિઓ હાંસલ કરી છે, જે આજ સુધી કોઈ કરી શક્યું નથી. આ સિવાય જ્યારે પણ દેશ પર સુનામી કે કોરોના જેવી કોઈ મુસીબત આવી ત્યારે તેઓ દેશની મદદ કરવા સૌથી આગળ જોવા મળતા હતા. આવા વ્યક્તિત્ત્વની દુનિયામાંથી વિદાય એ મોટી ખોટ છે.
1937માં થયો હતો રતન ટાટાનો જન્મ
દેશના સૌથી લોકપ્રિય ઉદ્યોગપતિ અને અબજોપતિ રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો હતો. તેઓ 1991થી 2012 સુધી ટાટા ગ્રૂપના ચેરમેન હતા અને આ સમય દરમિયાન તેમણે બિઝનેસ સેક્ટરમાં ઘણા રેકોર્ડ બનાવ્યા અને દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાંના એક ટાટા ગ્રુપને ઘણી ઊંચાઈઓ પર લઈ ગયા. ટાટા ગ્રૂપને ઉંચાઈઓ પર લઈ જવા સાથે, તેમણે એક ઉદાર વ્યક્તિની છબી પણ બનાવી અને લોકો માટે પ્રેરણા બની. આ જ કારણ છે કે દેશમાં દરેક વ્યક્તિ, પછી ભલે તે નાનો વેપારી હોય કે મોટો વેપારી, કે પછી વેપારની દુનિયામાં એન્ટ્રી લેનાર યુવકો તેમને પોતાનો આદર્શ માને છે.
ટાટા સ્ટીલમાં કર્મચારી બની કરી શરૂઆત
રતન ટાટાનો જન્મ નવલ ટાટા અને સુની ટાટાના ઘરે થયો હતો, જો કે તેમના માતા-પિતા તેમના બાળપણમાં અલગ થઈ ગયા હતા અને તેમનો ઉછેર તેમની દાદી દ્વારા થયો હતો. તેમના પ્રારંભિક અભ્યાસ પછી વર્ષ 1959માં રતન ટાટાએ આર્કિટેક્ચર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને પછી અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાં ગયા. આ પછી તેઓ વર્ષ 1962માં દેશમાં પાછા ફર્યા અને ટાટા સ્ટીલ દ્વારા વ્યવસાય ક્ષેત્રે પ્રવેશ કર્યો, જોકે શરૂઆતમાં તેઓ એક કર્મચારી તરીકે જોડાયા હતા અને જમશેદનગર પ્લાન્ટમાં કર્મચારી તરીકે કામ કર્યું હતું અને બારીકીઓ શીખી હતી.
1991માં TATA ગ્રૂપની કમાન મળી
રતન ટાટાને 1991માં ટાટા ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા, જે ઓટોથી લઈને સ્ટીલ સુધીના બિઝનેસમાં સામેલ છે. ચેરમેન બન્યા બાદ રતન ટાટાએ ટાટા ગ્રૂપને એક નવી ઉંચાઈ પર લઈ ગયા. તેમણે ટાટા જૂથનું નેતૃત્વ 2012 સુધી કર્યું, જેની સ્થાપના તેમના પરદાદા દ્વારા એક સદી પહેલા કરવામાં આવી હતી.
1996માં ટાટાએ ટેલિકોમ કંપની ટાટા ટેલિસર્વિસિસની સ્થાપના કરી અને 2004માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) બજારમાં લિસ્ટેડ થઈ. ભારત સરકારે રતન ટાટાને પદ્મ ભૂષણ (2000) અને પદ્મ વિભૂષણ (2008)થી સન્માનિત કર્યા. આ સન્માન દેશના ત્રીજા અને બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન છે.
રતન ટાટાના સૌથી મોટા શોખ
રતન ટાટા ખૂબ જ સાદું જીવન જીવતા હતા, પરંતુ તેમને ઘણી વસ્તુઓનો પણ શોખ હતો. જેમાં કારથી લઈને પિયાનો વગાડવાનું બધું જ સામેલ છે. આ સાથે ફ્લાઈંગ પણ તેની ફેવરિટ લિસ્ટમાં ટોપ પર હતી. ટાટા સન્સમાંથી નિવૃત્ત થયા બાદ રતન ટાટાએ કહ્યું હતું કે હવે હું મારા બાકીના જીવન માટે મારા શોખને અનુસરવા માંગુ છું. હવે હું પિયાનો વગાડીશ અને વિમાન ઉડવાનો મારો શોખ પૂરો કરીશ.
રતન ટાટા સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો
- રતન ટાટા માટે કામ એટલે પૂજા. તેમણે કહ્યું કે કામ ત્યારે જ સારું થશે જ્યારે તમે તેનું સન્માન કરશો.
- ટાટા ચેરમેનની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ હંમેશા શાંત અને નમ્ર હતા. તે કંપનીના નાનામાં નાના કર્મચારીને પણ પ્રેમથી મળતા હતા. તેમની જરૂરિયાતોને સમજતા હતા અને શક્ય રીતે મદદ કરતા હતા.
- દિગ્ગજ અબજોપતિ રતન ટાટા કહેતા હતા કે જો તમારે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવી હોય તો તે કામ એકલા હાથે શરૂ કરી શકો, પરંતુ તેને ઉંચાઈ પર લઈ જવા માટે લોકોનો સહયોગ જરૂરી છે. સાથે જ આપણે ખૂબ આગળ વધી શકીએ છીએ.
- રતન ટાટાને પ્રાણીઓ, ખાસ કરીને રખડતા કૂતરા ખૂબ જ પસંદ હતા. તેઓ ઘણી NGO અને એનિમલ શેલ્ટર્સને પણ દાન આપતા હતા.
- રતન ટાટા આર્થિક સંકટથી પીડિત વિદ્યાર્થીઓની મદદ કરવામાં પણ આગળ હતા. તેમનું ટ્રસ્ટ આવા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપે છે. આવા વિદ્યાર્થીઓને જે.એન. ટાટા એન્ડોમેન્ટ, સર રતન ટાટા સ્કોલરશિપ અને ટાટા સ્કોલરશિપ દ્વારા મદદ પૂરી પાડવામાં આવે છે.








