દૂધના ભાવમાં થઇ શકે છે પ્રતિ લિટર 5 રૂપિયાનો વધારો, પ્રજાના માથે વધુ એક મોંઘવારીનો માર
કર્ણાટકમાં દૂધના ભાવ વધવાની શક્યતા છે. કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF) એ નંદિની દૂધના ભાવમાં પ્રતિ લિટર 5 રૂપિયાન

કર્ણાટકમાં દૂધના ભાવ વધવાની શક્યતા છે. કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF) એ નંદિની દૂધના ભાવમાં પ્રતિ લિટર 5 રૂપિયાનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળ્યા પછી જ નવા દરો 7 માર્ચથી અમલમાં આવે તેવી શક્યતા છે. જો મંજૂરી મળી જશે તો નંદિની ટોન્ડ દૂધનો ભાવ વધીને 47 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે. આ સાથે દૂધના પેકિંગ સિસ્ટમમાં પણ ફેરફાર કરવામાં આવશે. પહેલા એક પેકેટમાં ૧,૦૫૦ મિલી દૂધ આવતું હતું પરંતુ હવે ૧ લિટરના પેકિંગમાં વેચવા માટે મંજૂરી માંગી છે.
ત્રણ વર્ષ પછી દૂધના ભાવમાં વધારો થયો
છેલ્લા ત્રણ વર્ષમાં KMF દ્વારા કરવામાં આવેલો આ બીજો મોટો વધારો હશે. અગાઉ, 2022 માં પ્રતિ લિટર 3 રૂપિયા અને 2024 માં પ્રતિ પેકેટ 2 રૂપિયાનો વધારો થયો હતો. વધતી જતી મોંઘવારી વચ્ચે દૂધ ડેરીનો આ નિર્ણય ગ્રાહકો પર વધારાનો બોજ નાખી શકે છે.
KMFના મેનેજિંગ ડિરેક્ટર બી. શિવસ્વામીએ જણાવ્યું હતું કે, આ ભાવ સુધારો ખેડૂતોની સતત માંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું, "અમે હાલમાં દરરોજ લગભગ 79-81 લાખ લિટર દૂધ ખરીદીએ છીએ, જ્યારે અગાઉ 85-99 લાખ લિટર દૂધની ખરીદી થતી હતી. આગામી સમયમાં આ વધારાનો પુરવઠો ખરીદવાનો બંધ કરાશે.
બજેટ પછી દરો લાગુ થશે
KMFના શિવસ્વામી કહે છે કે, દૂધના ભાવમાં વધારો થવા છતાં નંદિની દૂધ કર્ણાટક અને પડોશી રાજ્યોમાં ઉપલબ્ધ અન્ય બ્રાન્ડ્સ અને ઓનલાઈન વિકલ્પો કરતાં હજુ પણ સસ્તું રહેશે. આ ભાવ વધારા અંગે અંતિમ નિર્ણય મુખ્યમંત્રી સિદ્ધારમૈયા લેશે અને રાજ્યની મંજૂરી મળ્યા પછી જ તેની ઔપચારિક જાહેરાત કરી શકાશે.





