'228 કિલો સોનું ગાયબ થયાનું સાબિત કરો...', સ્વામી અવિમુક્તેશ્વરાનંદને કેદારનાથ સમિતિનો ખુલ્લો પડકાર
જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે થોડા દિવસો પહેલા આરોપ લગાવ્યો હતો

જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે થોડા દિવસો પહેલા આરોપ લગાવ્યો હતો કે, કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાંથી 228 કિલો સોનું ગાયબ થઈ ગયું છે. આ આરોપને વિપક્ષી દળોએ મુદ્દો બનાવીને કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારો પર પ્રહારો કરી રહ્યા છે. કેદારનાથ મંદિરમાંથી સોનું ગાયબ થવાના આક્ષેપ બાદ હવે બદરી-કેદાર ટેમ્પલ કમિટી (BKTC)ના પ્રમુખ અજેન્દ્ર અજયે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના આરોપો પર તીખી પ્રતિક્રિયા આપી છે.
BKTCના પ્રમુખ અજેન્દ્ર અજયે કેદારનાથ ધામ સમિતિ તરફથી સુપ્રીમ કોર્ટમાં જવાની ચેલેન્જ આપી છે. તેમણે કહ્યું, 'હું એક સંત તરીકે સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીનું સન્માન કરું છું પરંતુ તેઓ આખો દિવસ પ્રેસ કોન્ફરન્સ કરતા રહે છે એટલી તો નેતાઓ પણ કરતા નથી. મીડિયાના માધ્યમથી વિવાદ ઉભો કરવો, સનસનાટી ફેલાવવી અને સમાચારોમાં રહેવું તેમની આદત બની ગઈ છે.
BKTC પ્રમુખે કહ્યું કે કેદારનાથ ધામમાં સોનું ગુમ થવાનો તેમનો દાવો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. 'હું સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીને વિનંતી કરું છું અને પડકાર પણ ફેંકું છું કે તેઓએ કરેલા નિવેદનોના તથ્યો અને પૂરાવાઓ રજૂ કરે. તેમણે અધિકારીઓ પાસે જવું જોઈએ, પુરાવા રજૂ કરવા જોઈએ અને આ બાબતની તપાસની માંગ કરવી જોઈએ. જો તેઓને રાજ્ય સરકાર અને તેના અધિકારીઓ પર વિશ્વાસ ન હોય તો તેઓએ પુરાવા સાથે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટનો સંપર્ક કરી શકે છે. જનહિતની અરજી (પીઆઈએલ) દાખલ કરીને તપાસની માંગ કરવી જોઈએ.
બદરી-કેદારધામ મંદિર સમિતિના પ્રમુખે કહ્યું કે, જો જ્યોતિર્મઠ શંકરાચાર્ય પોતે કરેલા આરોપો સાબિત ન કરી શકે તો તેમને બિનજરૂરી વિવાદ ઊભો કરવાનો અને કેદારનાથની ગરિમાને નુકસાન પહોંચાડવાનો કોઈ અધિકાર નથી. જો તેઓ કોંગ્રેસના એજન્ડાને આગળ વધારવા માટે કામ કરી રહ્યા હોય તો તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
અજેન્દ્ર અજયે કહ્યું, 'કેદારનાથ મંદિરના ગર્ભગૃહને સોનાનો ઢોળ ચઢાવવામાં રાજ્ય સરકાર અને મંદિર સમિતિનું કોઈ યોગદાન નથી. મુંબઈના જ એક દાતાએ મંદિરને સોનું ચડાવ્યું છે, તેમણે પોતાના જ્વેલર - સોની દ્વારા જ કેદારનાથ મંદિરમાં સોનું પહોંચાડ્યું હતું. અને એ જ સોનું ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવ્યું છે, જેનું વજન લગભગ 23 કિલો છે. સોનાના સપોર્ટ માટે લગાવવામાં આવેલી તાંબાની પ્લેટનું વજન અંદાજિત 1000 કિલો જેટલું છે.
તેમણે કહ્યું કે મુંબઈના સુવર્ણ દાતાએ જ બદ્રીનાથ મંદિરના ગર્ભગૃહને સોનાથી સુશોભિત કરાવ્યું છે. આ દાતાએ જ દેશના તમામ મંદિરોમાં આવું દાન કર્યું છે. મુંબઈના સિદ્ધિવિનાયક, કાશી વિશ્વનાથ મંદિર સહિત ઘણાં મંદિરોમાં તેમણે આવું દાન કરાવ્યું છે. આ પ્રકારના આરોપોથી દેશના એવા દાતાઓની ભાવનાને ઠેસ પહોંચે છે, જેઓ બદરી - કેદારધામમાં આસ્થા રાખે છે.








