'હરિયાણામાં કોંગ્રેસ 65થી વધુ બેઠક જીતશે', જિગ્નેશ મેવાણીનો મોટો દાવો
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. ગુરૂવારે ચૂંટણી પ્રચારનો અંતિ

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. ગુરૂવારે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ હતો. 5 ઓક્ટોબરે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે જ્યારે ચૂંટણીનું પરિણામ 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. આ વચ્ચે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મોટો દાવો કર્યો છે. મેવાણીએ કહ્યું કે, કોંગ્રેસ હરિયાણામાં 65થી વધુ બેઠક જીતશે.
હરિયાણામાં કોંગ્રેસ 65 બેઠક જીતશે-મેવાણી
કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ કહ્યું, "હરિયાણામાં કોંગ્રેસની 65થી વધુ બેઠક આવશે. કોંગ્રેસની લહેર છે. અશોક તંવરની વાપસી થઇ છે જેનાથી દલિત વોટ પણ એકજુટ થશે. આવનારા દિવસોમાં દલિત રાજનીતિ માટે પણ આ સારા સંકેત છે."
મેવાણીએ કહ્યું કે, "હરિયાણામાં 9 વિધાનસભા બેઠકમાં ગયો છું, બધી જગ્યાએ એક રીતે જનતાએ મૂડ બનાવી લીધો છે. મોદી-અમિત શાહ કંઇ પણ કરી લે 65થી વધુ બેઠક કોંગ્રેસની આવશે. ખેડૂતોને જે રીતે માર મારવામાં આવ્યો, નક્સલી-ખાલિસ્તાની કહેવામાં આવ્યા, વિનેશ ફોગાટનો મુદ્દો, રોજગારમાં કોઇ પરફોર્મન્સ હરિયાણાની ભાજપ સરકારનું નહતું અને તેને કારણે કોંગ્રેસની ફેવરમાં લહેર બની છે અને ભાજપ વિરૂદ્ધ જોરદાર માહોલ છે."
ભાજપને ફરી આશીર્વાદ આપો-PM મોદી
હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ લખી છે. PM મોદીએ કહ્યું કે- આજે પુરી દુનિયાની નજર ભારત પર છે. દુનિયા, ભારત તરફ ઘણી આશાથી જોઇ રહી છે. એવામાં મહત્ત્વપૂર્ણ બની જાય છે કે હરિયાણાના લોકો એક એવી સરકાર ચૂંટે જે ભારતને મજબૂતી આપવાની દિશામાં પ્રયાસ કરે. કોંગ્રેસ ક્યારેય દેશને મજબૂત નથી બનાવી શકતી. હું હરિયાણામાં પોતાના મતદારોને આગ્રહ કરૂં છું કે તે ફરીથી ભાજપને પોતાનો આશીર્વાદ જરૂર આપે."
હરિયાણા વિધાનસભા બેઠકનું સમીકરણ
હરિયાણામાં વિધાનસભાની 90 બેઠક છે જેમાં સરકાર બનાવવા માટે 46 બેઠકની જરૂર પડે છે. હરિયાણામાં છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર છે. હરિયાણામાં કોંગ્રેસ-ભાજપ સિવાય આમ આદમી પાર્ટી, JJP, BSP અને આઝાદ ભારત પાર્ટી વચ્ચે ચૂંટણીનો જંગ જોવા મળી રહ્યો છે.








