તિરૂપતિ લાડુ વિવાદમાં જગનમોહને PM મોદીને લખ્યો પત્ર; ચંદ્રાબાબુ નાયડુ પર લગાવ્યા ગંભીર આરોપ
આંધ્રપ્રદેશના જગવિખ્યાત તિરૂપતિ મંદિરના પ્રસાદમના લાડુમાં ઘીની જગ્યાએ માછલીનું તેલ, ગૌમાંસ

આંધ્રપ્રદેશના જગવિખ્યાત તિરૂપતિ મંદિરના પ્રસાદમના લાડુમાં ઘીની જગ્યાએ માછલીનું તેલ, ગૌમાંસ અને પ્રાણીઓની ચરબીના તેલનો ઉપયોગ કરાતો હોવાનો આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના દાવાએ ખળભળાટ મચાવ્યો છે. ચંદ્રાબાબુના આ દાવા દ્વારા હિન્દુઓમાં ઉશ્કેરાટ પેદા કરીને રાજકીય રોટલો શેકી રહ્યાં હોવાની ટીકા પણ થઇ રહી છે.
જગનમોહન રેડ્ડીએ PM મોદીને લખ્યો પત્ર
આ ઘટનાને લઇને મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને YSRPના પ્રમુખ જગનમોહન રેડ્ડી વચ્ચે ઘર્ષણ ચાલુ છે. જગન મોહન રેડ્ડીએ PM મોદીને પત્ર લખ્યો છે અને કહ્યું કે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમની પ્રતિષ્ઠા ખરડી રહ્યાં છે.
જગન મોહન રેડ્ડીએ પીએમ મોદીને લખેલા પત્રમાં કહ્યું કે ચંદ્રાબાબુ નાયડુ જૂઠ બોલનારા વ્યક્તિ છે.તે રાજકીય હેતુઓ માટે કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવા માટે આટલા ખરાબ નિવેદન આપી રહ્યાં છે.જૂઠ ફેલાવવાના નિર્લજ્જ કૃત્ય માટે નાયડુને સખત ઠપકો આપવામાં આવે અને સત્ય બહાર લાવવામાં આવે તે જરૂરી છે. આનાથી કરોડો હિંદુ ભક્તોના મનમાં નાયડુ દ્વારા પેદા કરાયેલી શંકા દૂર થશે અને TTDની પવિત્રતામાં વિશ્વાસ પુનઃસ્થાપિત થશે.
કેન્દ્રીય મંત્રીએ તપાસની કરી માંગ
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને ગિરિરાજ સિંહે આ ઘટનાની તપાસની માંગ કરી છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ ચંદ્રાબાબુ નાયડુ પાસે રિપોર્ટ માંગ્યો છે.બીજી તરફ અમૂલે સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓને ફગાવી છે અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. વિવાદને કારણે મંત્રી આર રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના તમામ મંદિરોને પ્રસાદ અને ભક્તોને આપવામાં આવતા ભોજનની તૈયારી માટે માત્ર નંદિની ઘીનો જ ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે.
રસોડામાં જતાં પહેલાં ઘીનું થાય છે ટેસ્ટિંગ
વાયએસઆર કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ પ્રસાદ બનાવવા માટે કેવી રીતે મંદિરમાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે તેની સંપૂર્ણ વિગતો આપી છે. આ વિગતો પ્રમાણે, લાડુ બનાવવા માટેની વસ્તુઓ ખરીદવા દર છ મહિને નવા ટેન્ડર બહાર પાડવામાં આવે છે અને આ નિયમ દાયકાઓથી ચાલી રહ્યો છે.
દાયકાઓથી ટેન્કરો દરરોજ મંદિરમાં ઘી લાવે છે તે નેશનલ ટેસ્ટિંગ એન્ડ પ્યુરિફિકેશન લેબોરેટરી બોર્ડનું સર્ટિફિકેટ લઇને આવે છે. એ પછી તિરૂપતિ તિરૂમાલા દેવસ્થાનમ (TTD) દ્વારા દરેક ટેન્કરમાંથી ત્રણ સેમ્પલ લેવાય છે અને એક પણ સેમ્પલ ફેલ થાય તો ટેન્કર પરત કરવામાં આવે છે. TTDનું સર્ટિફિકેટ હોય ત્યારે જ ટ્રક મંદિરમાં પ્રવેશે છે.
કેજરીવાલને જેલમાં મોકલનારા રેડ્ડી, મહાકૌભાંડી કેતન દેસાઇ ટ્રસ્ટી
તિરૂપતિ તિરૂમાલા દેવસ્થાનમાં ટ્રસ્ટમાં 24 ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટીઓમાં ભ્રષ્ટાચાર માટે વગોવાયેલા ડૉ. કેતન દેસાઇ અને અરબિંદો ફાર્માના ચેરમેન ડૉ.શરતચંદ્ર રેડ્ડીનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ડૉ. કેતન દેસાઇએ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના ચેરમેનપદેથી રાજીનામું ધરી દેવું પડ્યું હતું. રેડ્ડી દિલ્હી લિકર કૌભાંડમાં આરોપી છે પણ સરકારી જામીન મળી ગયા હોવાથી જેલની બહાર છે. રેડ્ડીના નિવેદનના કારણે EDએ અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા, કે.કવિતા સહિતના નેતાઓને જેલમાં ધકેલ્યા હતા. જગન મોહન રેડ્ડીના શાસનકાળમાં 2023ના ઓગસ્ટમાં આ ટ્રસ્ટી નિમાયા હતા પણ એ વખતે જગન અને ભાજપ એક હતાં. ભાજપના કહેવાથી જગને કેતન દેસાઇ અને રેડ્ડીને ટ્રસ્ટી બનાવ્યા હતા. કેજરીવાલને જેલમાં ધકેલવાનો તખ્તો ઘડી આપનારા રેડ્ડીને ભાજપે ટ્રસ્ટી બનાવીને બદલો આપ્યો હતો.
ભાજપ-ચંદ્રાબાબુને શંકાના દાયરામાં મૂકતા 6 સવાલ
1- લાડુ માટેના ઘીમાં ગાયના માંસની મિલાવટ અંગેનો લેબ રીપોર્ટ હોવાનો દાવો કરાય છે. આવો રીપોર્ટ આવ્યો હોત તો ચંદ્રાબાબુ નાયડુએ ભેળસેળયુક્ત ઘી સપ્લાય કરતી કંપનીનું નામ કેમ નથી લીધું?
2- ઘીમાં ભેળવવામાં આવતી બહારની ચરબીને પ્રાણીની ચરબી કેમ માની લેવામાં આવી અને પશુ ચરબીનો અર્થ ગૌમાંસ જ કેમ કરવામાં આવ્યો?
3- હૈદરાબાદમાં FSL જેવી રાષ્ટ્રીય કક્ષાની વિશ્વસનીય સંસ્થા છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ઓફિસ હૈદરાબાદમાં છે ત્યારે લાડુના નમૂના ગુજરાતની લેબોરેટરીમાં પરીક્ષણ માટે કેમ મોકલવામાં આવ્યા?
4- ગુજરાતની કઇ લેબોરેટરીમાં લાડુના નમૂના મોકલવામાં આવ્યા તેનું નામ કેમ આંધ્ર પ્રદેશ સરકાર જાહેર કરતી નથી? TDP દ્વારા ભેળસેળ અંગેનો જે કહેવાતો રીપોર્ટ અપાયો તે પણ લેબોરેટરીના લેટરહેડ પર કેમ નથી?
5- લાડુની પવિત્રતા અંગે TDP સરકાર આક્ષેપો કરે છે પણ તિરૂપતિ તિરૂમાલા દેવસ્થાનમ (TTD) તરફથી કોઇ કેમ નિવેદન આપ્યું નથી?
6- ઘીમાં ગૌમાંસ હોવાનો રીપોર્ટ જુલાઇમાં મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ પાસે આવી ગયો હતો તો આખો ઓગસ્ટ કેમ મૌન રહ્યાં? અડધો સપ્ટેમ્બર પસાર થઇ ગયો પછી આ મુદ્દો કેમ ઉઠાવ્યો?








