'સાંભળ્યું છે કે સુરત અને ઇન્દોરવાળા ચૂંટણી પહેલા જ છોડીને જતા રહ્યાં'- કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. આ દરમિયાન કેજરીવાલે ધારાસભ્યોને કહ્યું કે," મને ખબર પડી છે કે તમારામાંથી કેટલાક લોકોને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તમે બધા લોકો મજબૂત રહ્યાં અને કોઇ તૂટ્યુ નથી. કેજરીવાલે કહ્યું કે, આ લોકો કહે છે કે તેમનો કોઇ તૂટી નથી રહ્યું. સાંભળ્યું છે કે, ઇન્દોર અને સુરતવાળા ચૂંટણી પહેલા જ છોડીને જતા રહ્યાં છે."
21 દિવસ માટે જેલમાંથી બહાર આવ્યો છું- કેજરીવાલ
AAP ધારાસભ્યોની બેઠકમાં કેજરીવાલે કહ્યું, "21 દિવસ માટે હું બહાર આવ્યો છું અને 2 જૂને મારે પરત જવાનું છે. તે બાદ તમારે જ પાર્ટી સંભાળવાની છે. આ દેશને ભવિષ્ય માત્ર આમ આદમી પાર્ટી જ આપી શકે છે. બાકી તમામ પાર્ટીઓને દેશના લોકોએ અજમાવીને જોઇ લીધી છે. આજે દેશની સ્થિતિ એવી છે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટીને જ દેશની કમાન સંભાળવાી છે. આમ આદમી પાર્ટી જ દેશને ભવિષ્ય આપશે, માટે આ આમ આદમી પાર્ટીથી આટલા ડરેલા છે."
ધરપકડ બાદ પાર્ટી એક સાથે આવી
પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ધરપકડ પહેલા જ્યારે ભાજપના લોકો મળતા હતા તો એમ કહેતા હતા કે આ લોકો તમારી ધરપકડ કરશે, પછી તમારી પાર્ટીને તોડીને સરકાર પાડશે. બીજી તરફ પંજાબમાં ભગવંત માનને પોતાની સાથે સામેલ કરી લેશે. કેજરીવાલે કહ્યું કે ધરપકડ બાદ અમારી પાર્ટી વધુ એકજુટ થઇ ગઇ છે. ના તો અમારી સરકાર પાડી શક્યા અને ના તો ધારાસભ્યને તોડી શક્યા છે, ના તો પંજાબ સરકાર પર કોઇ દાગ લગાવી શક્યા. કેજરીવાલે કહ્યું કે તેમનો પુરો પ્લાન ફેલ થઇ ગયો છે. આખા દેશમાં પોલિટિકલ નેરેટિવ તેમના વિરૂદ્ધ જતું રહ્યું છે, માટે સૌથી વધુ શુભેચ્છાના પાત્ર પાર્ટીના ધારાસભ્ય છે. કેજરીવાલે કહ્યું કે, ચારે તરફ અમારા કામની જ ચર્ચા છે, આટલા ઝડપથી આગળ વધશો તો તકલીફ તો સહન કરવી જ પડશે.








