Video: જમ્મુ-કાશ્મીરના ભદ્રવાહમાં સુરક્ષા દળોનું સઘન પેટ્રોલિંગ, બરફાચ્છાદિત પહાડો પર સેના અને એસઓજી તૈનાત

સોર્સ: gstv

જમ્મુ-કાશ્મીરના બરફાચ્છાદિત પહાડો અને ખીણ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે પણ ભારતીય સુરક્ષા દળોની સતર્કતા અવિરતપણે ચાલુ રહી છે. ભદ્રવાહ વિસ્તારમાં હાલ શિયાળાની શરૂઆતની સાથે જ તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે, જ્યાં ચારેય બાજુ બરફની ચાદર છવાયેલી છે. આ અત્યંત પ્રતિકૂળ અને હાડ થીજવી નાખતી ઠંડી વચ્ચે પણ રાષ્ટ્રીય રાઇફલ્સના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ એટલે કે એસઓજીની ટીમો સંયુક્ત રીતે સઘન પેટ્રોલિંગ હાથ ધરી રહી છે. સેના અને પોલીસના જવાનો આ મુશ્કેલ હવામાનને અવગણીને દેશની સુરક્ષા માટે અહોનિશ ખડેપગે પહેરો ભરી રહ્યા છે.

સુરક્ષા એજન્સીઓ દ્વારા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ઘાટીમાં છુપાયેલા અસામાજિક તત્વો અને આતંકવાદીઓની ગતિવિધિઓ પર સંપૂર્ણ અંકુશ મેળવવાનો છે. પહાડી પ્રદેશોના દુર્ગમ રસ્તાઓ, ઊંડી ખીણો અને બરફથી ઢંકાયેલા જંગલોમાં જવાનો ફૂટ પેટ્રોલિંગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવી રહ્યા છે. સેના અને એસઓજીના જવાનો અત્યાધુનિક હથિયારો અને સાધનો સાથે દરેક પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ જોવા મળી રહ્યા છે. સ્થાનિક સ્તરે ગુપ્તચર માહિતીના આધારે આ સમગ્ર ક્ષેત્રમાં રાઉન્ડ-ધ-ક્લોક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈપણ શંકાસ્પદ હિલચાલને તાત્કાલિક નાબૂદ કરી શકાય.

જાહેરાત

સેનાના જવાનો અને પોલીસની સંયુક્ત ટીમની  નજરથી દેશના દુશ્મનોના તમામ નાપાક સૂબા નિષ્ફળ નીવડી રહ્યા છે. આ જવાનોની અડગ દેશભક્તિ અને બલિદાનના કારણે જ સામાન્ય નાગરિકો સુરક્ષિત વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છે. કડકડતી ઠંડી અને બરફવર્ષા જેવા કુદરતી પડકારો પણ સુરક્ષા દળોના મનોબળને અટકાવી શકતા નથી, જે સમગ્ર દેશ માટે ગર્વની બાબત છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત