ભારતીય સંરક્ષણ સ્ટાફ સહિતના 14 વોટ્સએપ ગ્રૂપમાં પાક. જાસૂસોની ઘૂસણખોરી, ડિફેન્સમાં ખળભળાટ

ભારતીય અર્ધ સૈન્ય દળોના વોટ્સએપ ગ્રૂપમાં પાકિસ્તાની જાસૂસો ઘૂસ્યા હોવાના અહેવાલો છે, એક અહેવાલ મુજબ સુરક્ષાદળો સાથે સંકળાયેલા ૧૪ જેટલા અંગત વોટ્સએપ ગ્રૂપમાં પાકિસ્તાની એજન્ટો પણ ઘૂસ્યા હતા અને સુરક્ષાને લઇને કેટલીક માહિતી મેળવી લીધી હતી. આ વોટ્સએપ ગુ્રપમાં સંરક્ષણ ક્ષેત્રના બિનસૈન્ય અધિકારીઓ પણ સામેલ હતા. પાકિસ્તાની જાસૂસોએ ભારતીય મોબાઇલ નંબરોની નકલ કરીને અથવા ટેક્નીકલી છેડછાડ કરીને ગ્રુપમાં ઘુસણખોરી કરી હોઇ શકે છે.
સભ્યોની ચેટિંગ કે મેસેજ પર નજર રાખતા ઝડપાયા
પાકિસ્તાની જાસૂસો હવે ભારતીયોના વોટ્સએપ ગ્રુપમાં પણ ઘૂસવા લાગ્યા છે. આમ નાગરિકો નહીં પરંતુ ખુદ સંરક્ષણ ક્ષેત્રના બિનસૈન્ય અધિકારીઓ તેનો ભોગ બન્યા છે. અહેવાલો મુજબ પાકિસ્તાની એજન્ટોએ જાસૂસી માટે વિશેષ રસ્તો શોધી કાઢ્યો છે, કેેન્દ્રીય હથિયારી દળો અને સંરક્ષણ ક્ષેત્રના બિનસૈન્ય અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ૧૩થી ૧૪ વોટ્સએપ ગુ્રપોમાં પ્રવેશ મેળવ્યો છે. બાદમાં આ પાકિસ્તાની એજન્ટો વોટ્સએપ ગ્રૂપ માં ચૂપચાપ કોઇ જ મેસેજ કર્યા વગર ગ્રુપના સભ્યોની ચેટિંગ કે મેસેજ પર નજર રાખતા ઝડપાયા હતા.
હાલમાં એજન્સીઓ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ પાકિસ્તાની એજન્ટોએ ઘુસણખોરી માટે ભારતીય મોબાઇલ નંબરોની નકલ કરી હતી. ભારતીય વોટ્સએપ ગુ્રપોમાંથી સંવેદનશીલ માહિતી તેમજ મહત્વના દસ્તાવેજો મેળવી લેવાયા હોવાની એજન્સીઓને શંકા છે. એક મામલો પણ સામે આવ્યો છે, જેમાં એક પાકિસ્તાની જાસૂસે પોતાનીઓળખ છૂપાવીને ગુ્રપમાં જગ્યા બનાવી હતી, આ એજન્ટે પોતાની ઓળખ સોનિયા તરીકે આપી હતી અને પોતે ડીઆરડીઓની વૈજ્ઞાાનિક હોવાનો દાવો પણ કર્યો હતો. એજન્સીને એવી શંકા છે કે ગુ્રપમાં સામેલ કેટલાક લોકોએ રૂપિયા લઇને સંવેદનશીલ માહિતી ગુ્રપમાં મુકી હોઇ શકે છે. જોકે આ મુદ્દે હાલ વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે.












