સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વીટો પાવર અંગે ભારતની મોટી માગ, તમામ સભ્યોને સમાન અધિકાર આપવાની અપીલ

ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં વ્યાપક સુધારા કરવાની માગ કરી છે. ભારતે ખાસ ભાર મૂક્યો છે કે સુરક્ષા પરિષદના તમામ સભ્ય દેશોને વીટો પાવર આપવાનો અધિકાર મળવો જોઈએ.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પરવતનેની હરીશે જણાવ્યું હતું કે, “વીટો પાવર પર મર્યાદા નક્કી કરવાના મુદ્દાને સભ્યપદની શ્રેણીઓ, પ્રાદેશિક પ્રતિનિધિત્વ, સભ્યોની સંખ્યા અને કાર્યપદ્ધતિ જેવા પ્રશ્નોથી અલગ કરી શકાય નહીં. આ તમામ પાંચ મુદ્દાઓ પર એકસાથે આગળ વધવાની જરૂર છે. ભારત સુરક્ષા પરિષદમાં સુધારા માટે વ્યાપક અભિગમ અપનાવવાની પોતાની માગનું પુનરાવર્તન કરે છે.”
રાજદૂતે વધુમાં જણાવ્યું હતું કે વીટો પાવરનો વિશેષાધિકાર મોટી જવાબદારી સાથે આવે છે અને તેનો ઉપયોગ કરતી વખતે સંયમ જાળવવો જરૂરી છે.
તેમણે કહ્યું કે, “ભારતનું હંમેશાં એવું વલણ રહ્યું છે કે હાલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના માત્ર પાંચ કાયમી સભ્યો પાસે રહેલો વીટો પાવર અત્યંત સંયમ સાથે વાપરવો જોઈએ. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જાળવણી સાથે જોડાયેલા મુદ્દાઓ પર તેનો ઉપયોગ કરતી વખતે જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ. વીટો પાવરનો ઉપયોગ સંકુચિત રાજકીય હિતો સાધવા માટેના સાધન તરીકે થવો જોઈએ નહીં.”
વીટો પાવરનો અસમાન ઉપયોગ
હાલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યો પાસે વીટો પાવર છે. આ દેશોમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીનનો સમાવેશ થાય છે. વીટો પાવરના ઉપયોગના ઐતિહાસિક રેકોર્ડનો ઉલ્લેખ કરતાં પરવતનેની હરીશે જણાવ્યું હતું કે મુઠ્ઠીભર દેશો દ્વારા આ સત્તાના અસમાન ઉપયોગથી સુરક્ષા પરિષદની વિશ્વસનીયતાને નુકસાન પહોંચ્યું છે.
તેમણે કહ્યું હતું કે, “વીટો પાવરના ઉપયોગનો રેકોર્ડ સ્પષ્ટ છે. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાથી અત્યાર સુધીમાં આશરે 200 પ્રસ્તાવો પર 331 વખત વીટો પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમે એ પણ નોંધ્યું છે કે પાંચ કાયમી સભ્યોમાંથી બે દેશોએ સાડા ત્રણ દાયકાથી વધુ સમયથી એકપણ વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો નથી. જ્યારે મોટાભાગના વીટો અથવા વીટો વાપરવાની ધમકીઓ માત્ર ત્રણ કાયમી સભ્યો તરફથી આવી છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2022માં શરૂ કરવામાં આવેલી વીટો પહેલને પરિવર્તનના સંકેત તરીકે જોવામાં આવી હતી. આ પહેલ હેઠળ જ્યારે પણ કોઈ દેશ વીટો પાવરનો ઉપયોગ કરે ત્યારે જવાબદારી નક્કી કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ચર્ચા યોજવાની જોગવાઈ કરવામાં આવી હતી.
જોકે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઠરાવ 76/262ને અપનાવવામાં આવ્યા બાદ પણ વીટો પાવરના મોટા પ્રમાણમાં થયેલા ઉપયોગનો રેકોર્ડ આ પહેલના અપેક્ષિત પરિણામોથી વિપરીત રહ્યો છે.
વીટો પાવર અંગે અલગથી ચર્ચા કરવી પૂરતી નથી: ભારત
ભારતના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, વીટો પાવરના મુદ્દાને અન્ય સુધારાઓથી અલગ રાખીને ઉકેલવાનો પ્રયાસ અસરકારક સાબિત થશે નહીં. તેમણે સુરક્ષા પરિષદમાં સુધારા માટે લેખિત પ્રસ્તાવોના આધારે વાટાઘાટો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે સભ્યપદની શ્રેણીઓ, પ્રાદેશિક પ્રતિનિધિત્વ, સભ્યોની સંખ્યા, કાર્યપદ્ધતિ અને વીટો પાવર સહિતના તમામ મુદ્દાઓ પર એકસાથે ચર્ચા થવી જોઈએ.
આ ઉપરાંત, ભારતે આફ્રિકન દેશોના સંયુક્ત વલણ એટલે કે કોમન આફ્રિકા પોઝિશન (CAP)ને પણ પોતાનું સમર્થન હોવાનું જણાવ્યું હતું. આફ્રિકન યુનિયન દ્વારા અપનાવવામાં આવેલી આ નીતિનો હેતુ મહત્ત્વના વૈશ્વિક અને ખંડીય મુદ્દાઓ પર તમામ આફ્રિકન દેશો એકસાથે પોતાનો અવાજ ઉઠાવી શકે તેવો છે.
તમામ કાયમી સભ્યોને સમાન અધિકાર મળવા જોઈએ: ભારત
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના તમામ સભ્યોને વીટો પાવર આપવાની માગ કરતાં કહ્યું હતું કે, ન્યાય અને સમાનતાની દૃષ્ટિએ તમામ કાયમી સભ્યોને સમાન અધિકારો અને જવાબદારીઓ મળવી જોઈએ.
ભારતના પ્રતિનિધિએ સ્પષ્ટ કર્યું હતું કે, વીટો પાવર વિના અથવા વીટો પાવર સાથે કાયમી સભ્યોની નવી શ્રેણી ઊભી કરવાથી પહેલેથી જ મુશ્કેલ બનેલી ચર્ચા વધુ જટિલ બની શકે છે.
ભારતના આ વલણથી ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની રચનામાં ફેરફાર, તમામ દેશોને સમાન પ્રતિનિધિત્વ અને વૈશ્વિક નિર્ણય પ્રક્રિયામાં ન્યાયી ભાગીદારીના મુદ્દાઓ ચર્ચામાં આવ્યા છે.














